20 December, 2022 03:11 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકા-ચીનના નબળા ઇકૉનૉમિક ડેટાને પગલે રિસેશનનો ભય વધતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધતાં ભાવ વધ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૫૦ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૮૩૩ રૂપિયા વધી હતી.
વિદેશી પ્રવાહ
અમેરિકા-ચીનના નબળા ઇકૉનૉમિક ડેટાથી રિસેશનનો ભય વધતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધવાની શક્યતાએ ભાવ વધ્યા હતા. ચીનનો બિઝનેસ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ નવ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં છેલ્લા ૩૨ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. વર્લ્ડની પ્રથમ અને બીજા ક્રમની ઇકૉનૉમી નબળી પડી રહ્યાના સંકેતો મળતાં સોના અને ચાંદી સુધર્યાં હતાં, જેને પગલે પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ સુધર્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને ૪૬.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૪૭.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા પણ ૪૭.૭ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં છેલ્લા ૩૨ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડરો ૧૪ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા હતા. અમેરિકાના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને ૪૪.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૪૬.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૬.૮ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરમાં છેલ્લા ચાર મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ ડિસેમ્બરમાં ઘટીને ૪૪.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૪૬.૪ પૉઇન્ટ હતો. પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથમાં છેલ્લાં અઢી વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.
યુરો એરિયાનું ઇન્ફ્લેશન નવેમ્બર મહિનામાં ૧૦.૧ ટકાએ પહોંચ્યું હતું, જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૧૦ ટકા હતું. યુરો એરિયાના ઇન્ફ્લેશનમાં દોઢ વર્ષ પછી પ્રથમ વખત ઘટાડો નોંધાયો હતો. ઑક્ટોબરમાં ઇન્ફ્લેશન રેકૉર્ડ હાઈ સપાટીએ ૧૦.૬ ટકા હતું. યુરો એરિયામાં નવેમ્બરમાં એનર્જી પ્રાઇસ ૩૪.૯ ટકા વધ્યા હતા, જે ઑક્ટોબરમાં ૪૧.૫ ટકા વધ્યા હતા. ફૂડ, આલ્કોહૉલ અને ટબૅકોના ભાવ નવેમ્બરમાં ૧૩.૬ ટકા વધ્યા હતા જે ઑક્ટોબરમાં ૧૩.૧ ટકા વધ્યા હતા.
યુરો એરિયાની એક્સપોર્ટ ઑક્ટોબરમાં ૩૦.૭ ટકા વધી હતી, એની સામે એક્સપોર્ટ ૧૮ ટકા વધતાં ટ્રેડ ડેફિસિટ વધીને ૨૬.૫ અબજ યુરો રહી હતી, જે સતત બારમે મહિને વધી હતી. જાન્યુઆરીથી ઑક્ટોબર દરમ્યાન ટ્રેડ ડેફિસિટ વધીને ૨૯૧.૮ અબજ યુરો રહી હતી, જે ગયા વર્ષે આ સમયગાળામાં ૧૨૯.૩ અબજ યુરો રહી હતી. યુરોપિયન યુનિયનની ઇમ્પોર્ટ ૪૭.૭ ટકા વધી હતી અને એક્સપોર્ટ ૧૮.૮ ટકા વધી હતી, જેને કારણે યુરોપિયન યુનિયનની ટ્રેડ ડેફિસિટ જાન્યુઆરીથી ઑક્ટોબર દરમ્યાન ૩૯૫.૮ અબજ યુરો રહી હતી, જે ગયા વર્ષે આ સમયગાળામાં ૮૦.૧ અબજ યુરોની ટ્રેડ સરપ્લસ રહી હતી.
બ્રિટનના રીટેલ સેલ્સમાં નવેમ્બરમાં ૦.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેમાં ઑક્ટોબરમાં ૦.૯ ટકાનો વધારો નોંધાયો હતો. બ્રિટનનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને ૩૨ મહિનાની નીચી સપાટીએ ૪૪.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૪૬.૫ પૉઇન્ટ હતો અને ઍનલિસ્ટોની ધારણા ૪૬.૩ ટકાની હતી. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં છેલ્લા ચાર મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. ઇન્પુટ કૉસ્ટમાં છેલ્લા ૧૯ મહિનાનો સૌથી મોટો અને આઉટપુટ ચાર્જમાં છેલ્લા ૧૬ મહિનાનો સૌથી મોટો વધારો થતાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પર મોટી અસર જોવા મળી હતી. બ્રિટનના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ૫૦ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૪૮.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૮.૫ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરના ગ્રોથના સહારે પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ૪૯ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૪૮.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા પણ ૪૮.૨ પૉઇન્ટની હતી.
યુરો એરિયાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ૪૭.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૪૭.૧ પૉઇન્ટ હતો, જ્યારે સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ૪૯.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૪૮.૫ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ બન્ને સેક્ટરનો ગ્રોથ વધતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ૪૮.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૪૭.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૮ પૉઇન્ટની હતી.
ચાલુ સપ્તાહે અમેરિકાના મહત્ત્વના ઇકૉનૉમિક ડેટા જાહેર થશે. ગયા સપ્તાહે રીટેલ સેલ્સ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન, મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથના ડેટા નબળા આવ્યા બાદ હવે જો ચાલુ સપ્તાહે જાહેર થનારા ડેટા રિસેશન બાબતે વધુ સ્પષ્ટતા આપશે. ચાલુ સપ્તાહે અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડરના ડેટા જાહેર થશે. ઉપરાંત પર્સનલ ઇન્કમ અને સ્પેન્ડિંગ ઉપરાંત કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના ડેટા જાહેર થશે. આ તમામ ડેટા અમેરિકન ઇકૉનૉમી રિસેશનની કેટલી નજીક પહોંચી છે? એ વિશે સ્પષ્ટ નિર્દેશ આપશે. ચાલુ સપ્તાહે જપાન અને કૅનેડાના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થશે. બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ અને મૉનિટરી પૉલિસી વિશે નિર્ણયો થશે. આ ઉપરાંત યુરો એરિયા અને બ્રિટનના કન્ઝયુમર કૉન્ફિડન્સના ડેટા પણ જાહેર થશે.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકા, બ્રિટન, યુરોપ સહિત તમામ દેશોના ઇકૉનૉમિક ડેટામાં રિસેશનના સ્પષ્ટ સંકેત દેખાવાના શરૂ થયા છે. વિશ્વની સૌથી મોટી ઇકૉનૉમી ધરાવતા અમેરિકાના રીટેલ સેલ્સ, મૅન્યુફૅક્ચરિંગ-સર્વિસ ગ્રોથ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના ડેટા નબળા આવ્યા હતા. ચીનમાં કોરોનાનાં નિયંત્રણો હળવા થયાં, પણ ઇકૉનૉમીની ગાડી પાટે ચડતી નથી. આવી જ દશા બ્રિટન, યુરોપના દેશો તથા અન્ય દેશોની છે. ૨૦૨૩ના આરંભે જો રિસેશનના વધુ સંકેતો મળશે તો સોનામાં સેફ હેવન બાઇંગની શરૂઆત થશે. ડૉલર ઇન્ડેક્સ ૧૧૪.૧૭ના લેવલથી ઘટીને ૧૦૩.૫ના લેવલે પહોંચ્યા બાદ હાલ ૧૦૪.૫ના લેવલે છે. જો ડૉલર ૧૦૦ના લેવલથી નીચે જશે તો સોનામાં ખરીદીનું આકર્ષણ વધતાં તેજીનો રાહ ઝડપી બનશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૪,૨૪૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૪,૦૩૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૬,૮૯૮
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)