અમેરિકન ઇન્ફ્લેશન અને ફેડના ઇન્ટરેસ્ટ રેટના નિર્ણયની રાહે સોના-ચાંદી રેન્જબાઉન્ડ

14 December, 2022 03:54 PM IST  |  Mumbai | Mayur Mehta

ચીનના રીઓપનિંગથી ક્રૂડ તેલના ભાવ વધતાં સોનામાં ઊંચા મથાળે અટકતી તેજી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકન ઇન્ફ્લેશન અને ફેડના ઇન્ટરેસ્ટ રેટના નિર્ણયની રાહે સોના-ચાંદી રેન્જબાઉન્ડ હતાં. વળી ચીનના રીઓપનિંગને પગલે ક્રૂડ તેલમાં ફરી તેજી જોવા મળતાં ઇન્ફ્લેશન બેકાબૂ બનવાની શક્યતાએ સોનામાં તેજીની આગેકૂચ અટકી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૨૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૩૯ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

અમેરિકન ઇન્ફ્લેશન, ફેડનો ઇન્ટરેસ્ટ રેટ વધારાનો નિર્ણય તેમ જ યુરોપ-બ્રિટનની સેન્ટ્રલ બૅન્કના ઇન્ટરેસ્ટ રેટના નિર્ણયની રાહે સોનામાં ટૂંકી વધ-ઘટ જોવા મળી હતી. સોનું છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૭૭થી ૧૭૮૯ ડૉલરની રેન્જમાં રહ્યું હતું. અમેરિકન ફેડ ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારે એના ચાન્સિસ ૮૯ ટકા હોવાથી ડૉલર ૦.૧ ટકા ઘટ્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ૧૫મીએ ઇન્ટરેસ્ટ રેટ વધારાનો નિર્ણય લેશે. સોનું ઘટ્યા મથાળેથી નજીવું સુધરતાં એના સથવારે ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ સુધર્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના કન્ઝ્યુમર્સ ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન આગામી એક વર્ષ માટેનું નવેમ્બરમાં ઘટીને ૫.૨ ટકાએ પહોંચ્યું હતું જે ઑગસ્ટ પછીનું સૌથી નીચું હતું. ઑક્ટોબરમાં ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૫.૯ ટકા હતું. સામાન્ય રીતે અગાઉ એક વર્ષના ઇન્ફ્લેશન એક્સપેક્ટેશનના ડેટા જાહેર થાય છે જે પણ બહુ જ અગત્યના માનવામાં આવે છે. ઇન્ફ્લેશન એક્સપેક્ટેશનના ડેટામાં હોમ પ્રાઇસ ગ્રોથ બે ટકાથી ઘટીને એક ટકો રહ્યો હતો જે અઢી વર્ષની નીચી સપાટીએ હતો. નૅચરલ ગૅસ, ફૂડ, રેન્ટ તમામના એક્સપેક્ટેશન ઘટ્યા હતા, પણ એકમાત્ર મેડિકલ કૅરની પ્રાઇસ યથાવત્ રહી હતી. આગામી ત્રણ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ત્રણ ટકા અને પાંચ વર્ષનું એક્સપેક્ટેશન ૨.૩ ટકા રહ્યું હતું. 

અમેરિકન ગવર્નમેન્ટની બજેટ ડેફિસિટ નવેમ્બરમાં ૩૦ ટકા વધીને ૨૪૯ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૧૯૧ અબજ ડૉલર હતી. બજેટ ડેફિસિટના ડેટા માર્કેટની ૨૪૮ અબજ ડૉલરની ધારણાની એકદમ નજીક હતા. અમેરિકામાં ડિરેક્ટ સ્ટુન્ડટ લોન પ્રોગ્રામ ચાલુ થયા બાદ ગવર્નમેન્ટના બજેટ આઉટલેટમાં છ ટકાનો વધારો થઈને ૫૦૧ અબજ ડૉલર રહ્યું હતું, જેમાં મેડિકૅર કૉસ્ટમાં ૧૮ ટકા અને એજ્યુકેશન કૉસ્ટમાં ૯૪ ટકાનો વધારો થયો હતો. ગવર્નમેન્ટ રિસીટ ૧૦ ટકા ઘટીને ૨૫૨ અબજ ડૉલર જ રહી હતી, કારણ કે ઇન્ડિવ્યુઝલ વીથહેલ્ડ ટૅક્સ રિસીટમાં ૪ ટકાનો ઘટાડો થયો હતો. 

ચાઇનીઝ ગવર્નમેન્ટ ઑથોરિટીનું સોશ્યલ ફાઇનૅન્શિંગ નવેમ્બરમાં વધીને ૧.૯૯ ટ્રિલ્યન યુઆન રહ્યું હતું, જે ઑક્ટોબરમાં ૦.૯૯ ટ્રિલ્યન યુઆન રહ્યું હતું. માર્કેટની ધારણા સોશ્યલ ફાઇનૅન્શિંગની ૨.૧૦ ટ્રિલ્યન યુઆનની હતી. ચાઇનીઝ સોશ્યલ ફાઇનૅન્શિંગ એક ઇકૉનૉમીનો ભાગ છે, ઇકૉનૉમિક ગ્રોથ માટે સોશ્યલ ફાઇનૅન્શિંગની ગણતરી કરવામાં આવે છે. ચીનની નવી બૅન્ક લોન નવેમ્બરમાં વધીને ૧.૨૧ ટ્રિલ્યન યુઆને પહોંચી હતી, જે ઑક્ટોબરમાં ૦.૬૨ ટ્રિલ્યન યુઆન હતી. ચીને ઇકૉનૉમિક ગ્રોથ માટે બૅન્ક લોનમાં મોટી છૂટછાટો મૂકી હોવાથી નવી બૅન્ક લોન વધી હતી. 

ભારતનું રીટેલ પ્રાઇસ ઇન્ફ્લેશન નવેમ્બરમાં ઘટીને ૧૧ મહિનાની નીચી સપાટીએ ૫.૮૮ ટકા રહ્યું હતું. ઑક્ટોબરમાં રીટેલ ઇન્ફ્લેશન ૬.૭૭ ટકા અને માર્કેટની ધારણા ૬.૪ ટકાની હતી. ખાસ કરીને ફૂડ ઇન્ફ્લેશન નવેમ્બરમાં માત્ર ૪.૬૭ ટકા વધ્યું હતું, જે ઑક્ટોબરમાં ૭.૦૧ ટકા વધ્યું હતું, જ્યારે ફ્યુઅલ અને લાઇટનું ઇન્ફ્લેશન નવેમ્બરમાં ૧૦.૬૨ ટકા વધ્યું હતું, જે ઑક્ટોબરમાં ૯.૯૩ ટકા વધ્યું હતું. ભારતનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ઑક્ટોબરમાં ચાર ટકા ઘટ્યું હતું જે ઘટાડો ૨૬ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો અને માર્કેટની ધારણા ૦.૩ ટકા વધારાની હતી. મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટ ૫.૬ ટકા ઘટ્યું હતું અને માઇનિંગ આઉટપુટ ૨.૫ ટકા વધ્યું હતું. 

બ્રિટનનો ઇકૉનૉમિક ગ્રોથ રેટ ઑક્ટોબરમાં ૦.૫ ટકા વધ્યો હતો, જે છેલ્લા એક વર્ષનો સૌથી મોટો વધારો હતો તેમ જ માર્કેટની ૦.૪ ટકાની ધારણા કરતાં ગ્રોથ વધુ હતો. સપ્ટેમ્બરમાં ગ્રોથ રેટમાં ૦.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઑક્ટોબરમાં ૦.૬ ટકા વધ્યો હતો, જે સપ્ટેમ્બરમાં ૦.૮ ટકા ઘટ્યો હતો. કન્સ્ટ્રક્શન્સ ગ્રોથ પણ ૦.૮ ટકા વધ્યો હતો. જોકે ઑક્ટોબરમાં પૂરાં થયેલાં ત્રણ સપ્તાહ દરમ્યાન ગ્રોથ ૦.૩ ટકા ઘટ્યો હતો. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  

ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને કાબૂમાં લેવા છેલ્લા બે મહિનાથી કડક લૉકડાઉન અને માસ ટેસ્ટિંગનાં નિયંત્રણોને કારણે ક્રૂડ તેલનો વપરાશ ઘટશે એ ધારણાએ ક્રૂડ તેલના ભાવ ૧૦૦ ડૉલરની ઉપર સુધી પહોંચ્યા હતા એ ઘટીને ૭૦ ડૉલર થયા હતા, પણ હવે ચીનમાં કોરોનાનાં નિયંત્રણો દૂર થવા લાગ્યાં છે અને સરકાર દ્વારા ઇકૉનૉમિક ગ્રોથ માટે ઝડપી પગલાં લેવાઈ રહ્યાં છે. અમેરિકા ખાતેના ચીનના ઍમ્બૅસૅડરે પણ કોરોનાનાં નિયંત્રણો દૂર કરીને ઇકૉનૉમિક ગ્રોથનાં અનેક પગલાં ભરાઈ રહ્યાં હોવાની પબ્લિક કમેન્ટ કરી હતી. ચીનમાં કોરોનાનાં નિયંત્રણો દૂર થતાં ક્રૂડ તેલનો વપરાશ વધશે એ સ્વાભાવિક છે, જેને કારણે ૭૦ ડૉલર સુધી ઘટેલું ક્રૂડ તેલ સોમવારે ઓવરનાઇટ ત્રણ ડૉલર વધી ગયું હતું. યુરોપિયન દેશો, બ્રિટન અને અમેરિકામાં ઠંડી સતત વધી રહી હોવાથી નૅચરલ ગૅસના ભાવ પણ ઘટેલા લેવલથી સુધરી રહ્યા છે. ક્રૂડ તેલ, નૅચરલ ગૅસ અને બીજી એનર્જી આઇટમોના ભાવ વધતાં ઇન્ફ્લેશન ફરી વધી શકે છે. 

અમેરિકામાં ઇન્ફ્લેશન ઘટ્યું છે, પણ યુરોપિયન દેશો અને બ્રિટનમાં હજી ઇન્ફ્લેશનના વધારા પર કાબૂ મેળવી શકાયો નથી. ઇન્ફ્લેશનનો વધારો ફરી બેકાબૂ બને અને સેન્ટ્રલ બૅન્ક ફરી ઇન્ટરેસ્ટે રેટ વધારાનો દોર ચાલુ કરે તો સોનામાં ઘટાડો આવી શકે. આથી હવે તમામ દેશોના ઇન્ફ્લેશનના ડેટા સોનાની તેજી-મંદી માટે નિર્ણાયક બનશે. 

business news commodity market