28 March, 2023 01:38 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બૅન્કિંગ ક્રાઇસિસનો ભય એકાએક ઘટી જતાં ડૉલર અને શૅરબજારની તેજીને પગલે સોના-ચાંદીમાં વેચવાલી વધતાં કડાકો બોલી ગયો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૭૬૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૮૭ રૂપિયા ઘટી હતી.
વિદેશી પ્રવાહ
બૅન્કિંગ ક્રાઇસિસ ધારણા કરતાં વહેલી પૂરી થઈ હોવાના અહેસાસે અમેરિકી ડૉલર વધ્યો હતો અને યુરોપિયન શૅરો ઊછળતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ વધતાં દોઢ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સોનું બરાબર એક સપ્તાહ અગાઉ એટલે કે ગયા સોમવારે વધીને ૨૦૧૧.૫૦ ડૉલર થયું હતું, જે એક સપ્તાહ બાદ સોમવારે ઘટીને ૧૯૪૭.૧૦ ડૉલર થયું હતું. સોનું ઘટતાં ચાંદી ૧.૪ ટકા તૂટી હતી. પ્લૅટિનમમાં ૧.૬ ટકા અને પૅલેડિયમમાં ૦.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર સોમવારે ૧૦૩ના લેવલે સ્ટેડી હતો. અમેરિકન ગવર્નમેન્ટ ઑથોરિટી બૅન્કિંગ ક્રાઇસિસનો સામનો કરવા માટે અનેક પગલાં લઈ રહી છે તેમ જ ડિપોઝિટરોની ઍસેટ ડૂબી ન જાય એ માટેની પર્યાપ્ત ખાતરી ટ્રેઝરી સેક્રેટરી દ્વારા અપાયા બાદ ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે પણ બૅન્કિંગ ઇન્ડસ્ટ્રીઝની મજબૂતી વિશે કમેન્ટ કરતાં ડૉલરનો ઘટાડો અટક્યો હતો. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે હજી એક વખત ઇન્ટરેસ્ટ રેટ વધારવાની વાત કરતાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડાની શક્યતાઓ વિશેની ચર્ચા નબળી પડતાં ડૉલરમાં વધુ ઘટાડો અટક્યો હતો.
અમેરિકાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ માર્ચમાં વધીને ૪૯.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૪૭.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૭ની હતી, જ્યારે સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ માર્ચમાં વધીને ૫૩.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૫૦.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૫ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથના પ્રિલિમિનરી ડેટા સ્ટ્રૉન્ગ આવતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં વધીને ૫૩.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૫૦.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા કરતાં ગ્રોથ વધુ થયો હતો. પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ૧૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૨૨.૯ ટકા ઘટીને ૮૮૭.૨ અબજ યુઆન રહ્યો હતો. ૨૦૨૨ના આખા વર્ષમાં ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ૦.૪ ટકા ઘટ્યા બાદ ૨૦૨૩ના પ્રથમ બે મહિનામાં પણ ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ઘટતાં ઇકૉનૉમિક ગ્રોથ વિશે ચિંતાઓ વધી હતી. ખાસ કરીને સરકાર હસ્તકની કંપનીઓનો પ્રૉફિટ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ૧૭.૫ ટકા ઘટ્યો હતો જે ૨૦૨૨માં ત્રણ ટકા વધ્યો હતો. પ્રાઇવેટ સેક્ટરની ઇન્ડસ્ટ્રીઝનો પ્રૉફિટ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૧૯.૯ ટકા ઘટ્યો હતો જે ૨૦૨૨માં ૭.૨ ટકા ઘટ્યો હતો. સૌથી વધુ કમ્પ્યુટર અને ઇલેક્ટ્રૉનિક્સ ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝનો પ્રૉફિટ ૭૭.૧ ટકા ઘટ્યો હતો. ત્યાર બાદ નૉન-ફેરસ મેટલ સ્મેલ્ટિંગ અને રોલિંગનો પ્રૉફિટ ૫૭.૨ ટકા અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનો પ્રૉફિટ ૫૬.૬ ટકા ઘટ્યો હતો.
યુરો એરિયામાં મની સપ્લાય ફેબ્રુઆરીમાં ૨.૯ ટકા વધીને ૧૬.૧ ટ્રિલ્યન યુરોએ પહોંચી હતી જે જાન્યુઆરીમાં ૩.૫ ટકા વધી હતી અને માર્કેટની ધારણા મની સપ્લાય ૩.૨ ટકા વધવાની હતી. મની સપ્લાય વધી હતી, પણ મની સપ્લાયનો વધારો છેલ્લાં આઠ વર્ષનો સૌથી ઓછો હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં થઈ રહેલા સતત વધારાને કારણે મની સપ્લાયનો ગ્રોથ ધીમો પડી રહ્યો છે.
આ પણ વાંચો: સોનું ૬૦,૦૦૦ અને ચાંદી ૭૦,૦૦૦ રૂપિયા નજીક પહોંચ્યાં, હજી કેટલી તેજી થશે?
યુરો એરિયામાં હાઉસહોલ્ડ લોન ફેબ્રુઆરીમાં ૩.૨ ટકા વધીને ૬.૮૬ ટ્રિલ્યન યુરોએ પહોંચી હતી જે જાન્યુઆરીમાં ૩.૬ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૩.૨ ટકા વધારાની હતી. હાઉસહોલ્ડ લોન વધી હતી, પણ લોનનો વધારો છેલ્લાં બે વર્ષનો સૌથી નીચો હતો. યુરો એરિયામાં સતત વધી રહેલા ઇન્ફ્લેશનને કારણે આમ પબ્લિક હાઉસહોલ્ડ લોન લેવાનું ટાળી રહી હોવાથી હાઉસહોલ્ડ લોનનો ગ્રોથ ધીમો પડ્યો છે.
ચાલુ સપ્તાહે અમેરિકાના ફૉર્થ ક્વૉર્ટરના ફાઇનલ ગ્રોથ ડેટા જાહેર થશે. આ ઉપરાંત યુરો એરિયા, જર્મની, ફ્રાન્સ અને સ્પેનના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થશે. અમેરિકન ફેડના વાઇસ ચૅરમૅન માઇકલ બાર સેનેટ અને હાઉસ ઑફ રિપ્રેઝન્ટિવને સંબોધન કરવાના છે, જેમાં બૅન્કિંગ ઇન્ડસ્ટ્રીઝ અને ફેડના ઇન્ટરેસ્ટ રેટ વ્યુહ વિશે વધુ પ્રકાશ પાડવામાં આવશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૮,૮૯૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૮,૬૫૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૯,૩૬૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)