09 November, 2024 07:33 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન ફેડરલ રિઝર્વે પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ જાહેર કરતાં વર્લ્ડ માર્કેટમાં સોનું એક ટકો વધીને ૨૭૧૦.૯૦ ડૉલરે અને ચાંદી વધીને ૩૨.૧૧ ડૉલર સુધી વધી હતી, પણ ટ્રમ્પની પૉલિસીથી ડૉલરની મજબૂતી વધવાની શક્યતાએ ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ આવતાં સોના-ચાંદીમાં વધારો ટક્યો નહોતો. ચીને ૧.૪ ટ્રિલ્યન ડૉલરનું સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કરતાં સોના-ચાંદીની ડિમાન્ડ વધવાની ધારણા છે.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૬૦૨ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૭૬૧ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો જમ્બો રેટ-કટ લાવ્યા બાદ નવેમ્બર મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો રેટ-કટનો નિર્ણય લીધો હતો. અમેરિકાના બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ-રેટ ઘટીને ૪.૫થી ૪.૭૫ ટકાએ પહોંચ્યા હતા. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે ડિસેમ્બરમાં પણ રેટ-કટ લાવવાની શક્યતાનો ઇનકાર કર્યો નહોતો અને પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે મીટિંગ-ટુ-મીટિંગ ઇકૉનૉમિક ડેટા અને અન્ય સિચુએશનનો અભ્યાસ કરીને રેટ-કટનો નિર્ણય લેવામાં આવશે. પૉવેલે ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનની પૉલિસી વિશે કોઈ અનુમાનો કે શક્યતાઓ વિશે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો.
અમેરિકન ફેડે રેટ-કટનું ડિસિઝન લેતાં એને પગલે હૉન્ગકૉન્ગ, મકાઉ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, સાઉદી અરેબિયા, બાહરિનની સેન્ટ્રલ બૅન્કોએ પચીસ બેસિસ પૉઇન્ટ અને કતારની સેન્ટ્રલ બૅન્કે ૩૦ બેસિસ પૉઇન્ટનો ઇન્ટરેસ્ટ-રેટમાં ઘટાડો કર્યો હતો.
ફેડે અપેક્ષિત પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ લાવતાં ડૉલરમાં મૂવમેન્ટ ઘટી હતી. પ્રેસિડન્ટપદે ટ્રમ્પની જીત બાદ એક તબક્કે ૧૦૫ પૉઇન્ટ ઉપર ગયેલો ડૉલર ઇન્ડેક્સ ફેડના રેટ-કટ બાદ ૧૦૪.૫૦ પૉઇન્ટ આસપાસ સ્થિર થયો હતો. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે જણાવ્યું હતું કે ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનની પૉલિસીની અસર ફેડના ડિસિઝન પર ટૂંકા ગાળામાં પડવાની સંભાવના નથી. માર્કેટ ઍનલિસ્ટોના મતે ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા ટૅરિફ વધારાથી ઇન્ફ્લેશન વધશે જેને કારણે ૨૦૨૫માં ફેડ અગાઉની ધારણા પ્રમાણે રેટ-કટ લાવી શકશે નહીં, પણ પૉવેલની કમેન્ટ બાદ ઍનલિસ્ટોના મતે ફેડની ડિસેમ્બર મીટિંગમાં પણ ૨૫ બેસિસ પૉઇન્ટનો વધુ એક રેટ-કટ આવી શકે છે.
અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ઑક્ટોબરના છેલ્લા સપ્તાહમાં ૩૦૦૦ વધીને ૨.૨૧ લાખે પહોંચ્યા હતા જે માર્કેટની ધારણા પ્રમાણે વધ્યા હતા. કુલ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ધારણા કરતાં વધુ વધીને ત્રણ વર્ષની ઊંચાઈએ ૧૮.૯૨ લાખે પહોંચ્યા હતા. અમેરિકામાં નૉન-ફાર્મ બિઝનેસમાં લેબર કૉસ્ટ ત્રીજા ક્વૉર્ટરમાં ૧.૯ ટકા વધી હતી જે અગાઉના ક્વૉર્ટરમાં ૨.૪ ટકા વધી હતી અને માર્કેટની ધારણા એક ટકો વધવાની હતી, જ્યારે લેબર પ્રોડક્ટિવિટી થર્ડ ક્વૉર્ટરમાં ૨.૨ ટકા વધી હતી જે અગાઉના ક્વૉર્ટરમાં ૨.૧ ટકા વધી હતી.
અમેરિકાના ૩૦ વર્ષના ફિકસ્ડ મૉર્ગેજ-રેટ ૭ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે વધીને ચાર મહિનાની ઊંચાઈએ ૬.૭૯ ટકાએ પહોંચ્યા હતા. ટ્રમ્પની જીત બાદ ઇન્ફ્લેશન વધવાની શક્યતાએ મૉર્ગેજ-રેટ વધ્યા હતા.
ચાઇનીઝ ગવર્નમેન્ટે પાંચ દિવસની મીટિંગ બાદ મેગા ૧.૪ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરના સ્ટિમ્યુલેસ પૅકેજની જાહેરાત કરી હતી જેમાં સરકારી દેવાને ૧૪.૩ ટ્રિલ્યન યુઆનથી ઘટાડીને ૨.૩ ટ્રિલ્યન યુઆન સુધી લાવવાનું લક્ષ્યાંક નક્કી કરાયું હતું. આ પૅકેજ બે વર્ષ ચાલશે અને દર વર્ષે બે ટ્રિલ્યન યુઆન માર્કેટમાં ઠલવાશે. આગામી પાંચ વર્ષમાં સરકાર દર વર્ષે ૮૦૦ અબજ યુઆનના બૉન્ડ જાહેર કરશે.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
ચીનની નૅશનલ પીપલ્સ કૉન્ગ્રેસની સ્ટૅન્ડિંગ કમિટીની પાંચ દિવસની મીટિંગ પૂરી થયા બાદ ૧.૪ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરના પૅકેજની કરેલી જાહેરાતની અસર ઉપરાંત ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનની પૉલિસી વિશે પૉલિટિકલ અને ઇકૉનૉમિક દૃષ્ટિકોણ ધીમે-ધીમે બહાર આવશે. ટ્રમ્પે જીત બાદના પ્રથમ વક્તવ્યમાં અમેરિકાને ક્રિપ્ટોકરન્સીનું વૈશ્વિક હબ બનાવવાની જાહેરાત કરી હતી જેને કારણે બિટકૉઇનના ભાવ સતત વધી રહ્યા છે. આમ, આગામી દિવસોના ઘટનાક્રમ સોના-ચાંદીની માર્કેટની ભાવિ મૂવમેન્ટ માટે મહત્ત્વના બની રહેશે અને એની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર પડતી રહેશે. આથી સોના-ચાંદીમાં ટ્રેડ કરનારાઓએ હાલની ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખવી જરૂરી છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ); ૭૭,૩૮૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૭,૦૭૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૧,૧૩૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)