મુંબઈમાં ધનતેરસે છેલ્લા એક વર્ષમાં સોનું ૩૧ ટકાને ચાંદી ૩૯ ટકા ઊછળ્યાં

30 October, 2024 08:14 AM IST  |  Mumbai | Mayur Mehta

ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા બાદ અમેરિકન રેટ-કટનું ભાવિ ધૂંધળું બનવાની શક્યતાએ સોનું વધ્યું: અમેરિકાના સપ્ટેમ્બરના જૉબડેટા નબળા આવવાની શક્યતાએ સોનામાં ખરીદી વધી

સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર

મુંબઈ જ્વેલરી માર્કેટમાં ધનતેરસે સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૦૦ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૭૮૭ રૂપિયા વધ્યો હતો. ધનતેરસ ટુ ધનતેરસ છેલ્લા એક વર્ષમાં મુંબઈમાં સોનું ૬૦,૨૪૦ રૂપિયાથી ૧૮,૫૦૫ રૂપિયા ઊછળીને ૭૮,૭૪૫ રૂપિયાએ પહોંચ્યું હતું એટલે કે ગયા ધનતેરસે જેમણે સોનું ખરીદ્યું હતું તેમને ૩૦.૭૧ ટકાનું રિટર્ન મળ્યું છે. એ જ રીતે ચાંદીનો ભાવ ધનતેરસ ટુ ધનતેરસ છેલ્લા એક વર્ષમાં ૭૦,૧૪૬ રૂપિયાથી ૨૭,૪૫૭ રૂપિયા ઊછળીને ૯૭,૮૭૩ રૂપિયાએ પહોંચ્યો હતો. આમ ચાંદીમાં છેલ્લા એક વર્ષમાં ૩૯ ટકા રિટર્ન મળ્યું છે.

અમેરિકાના પ્રેસિડન્ટ-ઇલેક્શનમાં ટ્રમ્પની જીતની શક્યતાઓ વધી રહી હોવાથી રેટ-કટનું ભાવિ પણ ધૂંધળું બની રહ્યું છે. ઉપરાંત અમેરિકામાં સપ્ટેમ્બરમાં બે વાવાઝોડાં આવ્યાં હોવાથી સપ્ટેમ્બરના જૉબડેટા નબળા આવવાની શક્યતા વધતાં સોનામાં ખરીદી વધી હતી અને વર્લ્ડ માર્કેટમાં સોનું નવી ઑલટાઇમ હાઈ સપાટીની નજીક ૨૭૫૮.૩૭ ડૉલરે પહોંચ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ૧૦૪.૩૧ પૉઇન્ટના લેવલે સ્ટેડી હતો. જપાનના જનરલ ઇલેક્શનમાં કોઈ એક પક્ષને મૅજોરિટી ન મળતાં રાજકીય અનિશ્ચિતતાને પગલે જૅપનીઝ યેન નબળો પડીને ત્રણ મહિનાના તળિયે પહોંચતાં ડૉલરની મજબૂતીને સપોર્ટ મળ્યો હતો. ઉપરાંત ચાલુ સપ્તાહે અમેરિકાના અનેક ઇકૉનૉમિક ડેટા જાહેર થવાના હોવાથી એની રાહે ડૉલરમાં મૂવમેન્ટ એકદમ ઓછી હતી. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૨.૨૭૨ ટકાએ સ્ટેડી હતાં.

અમેરિકાના પ્રેસિડેન્શ્યલ-ઇલેક્શનની સૌથી મોટી અસર હાલ ચીનની ઇકૉનૉમિક ક​ન્ડિશન પર પડી રહી છે. ચીનની ઇકૉનૉમિક ક​ન્ડિશન લાંબા સમયથી નબળી પડી રહી છે ત્યારે ટ્રમ્પના પ્રેસિડન્ટ બનવાના ચાન્સ વધતાં ડૉલર એકધારો મજબૂત બની રહ્યો છે જેને કારણે ચાઇનીઝ કરન્સી યુઆન પર સતત દબાણ વધી રહ્યું છે. હાલ ડૉલરની સરખામણીમાં યુઆનનું મૂલ્ય બે મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું છે. અધૂરામાં પૂરું અનેક ​સ્ટિમ્યુલસ સ્ટેપ છતાં ઇકૉનૉમિક ક​ન્ડિશનને બૂસ્ટ મળે એવા પૅકેજની હજી વાર હોવાથી ચાઇનીઝ સ્ટૉક માર્કેટ દરરોજ ઘટી રહ્યું છે. ઇકૉનૉમિક ક​ન્ડિશન લાંબા સમયથી નબળી પડી રહી હોવાથી સોના અને ચાંદીનો વપરાશ પણ ઘટી રહ્યો છે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

મિડલ ઈસ્ટમાં ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેનું યુદ્ધ હાલના તબક્કે શાંત પડી ચૂક્યું છે. ઈરાને ઇઝરાયલ પર કરેલા મિસાઇલ-અટૅકનો વળતો જવાબ આપવા ઇઝરાયલે પણ ઈરાનનાં મિલિટરી મથકો પર મિસાઇલ વડે અટૅક કર્યો હતો, પણ ઇઝરાયલે ઈરાનની રિફાઇનરીઓ અને ન્યુ​ક્લિયર પાવર-સ્ટેશન પર કોઈ પ્રકારનો અટૅક કર્યો નહોતો અને ઇઝરાયલના અટૅક બાદ ઈરાનના સુપ્રીમો આયાતોલ્લા અલી ખોમેનીએ તાજેતરના મિસાઇલ અટૅકના જવાબમાં કોઈ હુમલો ન કરવાની જાહેરાત કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે શાંત પડવાના અથવા તો પૂરું થવાના સંકેત મળી રહ્યા છે. અમેરિકાના પ્રેસિડેન્શ્યલ ઇલેક્શનમાં હાલના સર્વે અનુસાર ટ્રમ્પનું પલડું ભારે હોવાથી જો ટ્રમ્પ પ્રેસિડન્ટ બનશે તો યુક્રેનને અત્યાર સુધી મળતી તમામ પ્રકારની મિલિટરી સહાય બંધ થઈ જશે, આવા સંકેતને પગલે યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ યુદ્ધ-સમાપ્તિ માટે ભારતની દરમ્યાનગીરી માગી હોવાના સમાચારો આવ્યા છે. અમેરિકન પ્રેસિડન્ટ-ઇલેક્શનમાં જો ટ્રમ્પ જીતશે તો થોડા સમય માટે સોના-ચાંદીની તેજીને મળી રહેલો જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ બંધ થશે. આથી સોનું મૉનિટરી પૉલિસી અને ફિઝિકલ ડિમાન્ડની સિચુએશન પર ચાલશે જ્યાં ચીનની નબળી ઇકૉનોમિક ક​ન્ડિશનની અસરે સોનાની ડિમાન્ડ ૨૦૨૪ના નવ મહિનામાં ૧૧ ટકા ઘટી હતી એ ફૅક્ટર મહત્ત્વનું બની રહેશે. ઓવરઑલ, સોનામાં હવે કોઈ નવાં કારણો આવે તો જ નવી તેજી આવી શકે છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૮,૭૪૫

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૮,૪૩૦

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૭.૮૭૩

gold gold silver price commodity market america china india business news