23 October, 2024 08:14 AM IST | Mumbai | Mayur Mehta
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
સોના-ચાંદીમાં વણથંભી તેજી જોવા મળી રહી છે. વર્લ્ડ માર્કેટમાં સોનું સતત ચોથે દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટીએ ૨૭૪૦.૩૭ ડૉલરે પહોંચ્યું હતું, જ્યારે ચાંદી પણ વધીને ૩૪.૫૭ ડૉલર થઈ હતી. અમેરિકાની જાયન્ટ ફાઇનૅન્શિયલ બૅન્કિંગ કંપની સિટી બૅન્કે ચાંદીનો ભાવ આગામી બાર મહિનામાં વધીને ૪૦ ડૉલર થવાની આગાહી કરી હતી, જ્યારે ઍનલિસ્ટોના મતે હાલની અનિશ્ચિતતાના માહોલમાં સોનું ઝડપથી ૨૮૦૦ ડૉલરની સપાટીને પાર કરી જશે.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૭ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૧૧૮ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોના-ચાંદીનો ભાવ સતત પાંચમા દિવસે વધ્યો હતો. સોનાનો ભાવ પાંચ દિવસમાં ૨૩૨૧ રૂપિયા અને ચાંદીનો ભાવ ૮૫૭૨ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોનું-ચાંદી બન્ને નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ટ્રમ્પનું પલડું ભારે થતાં ડૉલર ઇન્ડેક્સ સતત વધીને ૧૦૪ના લેવલને પાર કરી ગયો હતો. ડૉલર ઇન્ડેક્સ ૧૦૪.૦૧ લેવલે પહોંચ્યા બાદ ૧૦૩.૯૩થી ૧૦૩.૯૭ પૉઇન્ટની રેન્જમાં હતો. ફેડના ઑફિશ્યલ્સની રેટ-કટ વિશે નબળી કમેન્ટને પગલે ડૉલર વધુ મજબૂત થઈ રહ્યો છે. ડલાસનાં ફેડ પ્રેસિડન્ટ લૉરી લોગને રેટ-કટની તરફેણ કરી હતી, પણ સાથે સાવચેતી રાખવાની પણ ભલામણ કરી હતી, જ્યારે મિનિયોપૉલિસના ફેડ પ્રેસિડન્ટ નીલ કાશકરીએ ઇન્ટરેસ્ટ રેટ ઊંચા રાખવાની તરફેણ કરી હતી. અમેરિકાની ઇકૉનૉમિક કન્ડિશન સ્ટ્રૉન્ગ બની રહી હોવાથી ટ્રેઝરી યીલ્ડ પણ ૦.૦૩૬ ટકા વધીને ૪.૨૧૮ ટકાએ પહોંચ્યાં હતાં.
અમેરિકાનો કૉન્ફરન્સ બોર્ડ લીડિંગ ઇકૉનૉમિક ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં ૦.૫ ટકા ઘટીને ૯૯.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં પણ ૦.૩ ટકા ઘટ્યો હતો. છેલ્લા છ મહિનામાં માર્ચથી સપ્ટેમ્બર દરમ્યાન આ ઇન્ડેક્સ ૨.૬ ટકા ઘટ્યો હતો જે અગાઉના છ મહિનામાં ૨.૨ ટકા ઘટ્યો હતો. કૉન્ફરન્સ બોર્ડ કોઇન્સિડન્ટ ઇકૉનૉમિક ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં ૦.૧ ટકા વધીને ૧૧૨.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં પણ ૦.૨ ટકા વધ્યો હતો. છેલ્લા છ મહિનામાં આ ઇન્ડેક્સ ૦.૯ ટકા વધ્યો હતો.
ચીનની ઇકૉનૉમિક ગ્રોથમાં સિંહફાળો આપતા રિયલ એસ્ટેટ સેક્ટરનો ગ્રોથ સતત ઘટી રહ્યો છે. નવા રહેણાક મકાનોના ભાવ સપ્ટેમ્બરમાં ૫.૮ ટકા ઘટ્યા હતા જે ઘટાડો નવ વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. પ્રૉપટી માર્કેટની મંદીને કારણે ચીનનો ગ્રોથ ચાલુ વર્ષે ૪.૫થી ૪.૬ ટકા રહેવાનો અંદાજ છે જે ગયા વર્ષે ૫.૩ ટકા રહ્યો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડે તાજેતરમાં એક રિપોર્ટમાં ગ્લોબલ પબ્લિક ડેબ્ટ ૧૦૦ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરની સપાટીને પાર કરી જવાની ચેતવણી ઉચ્ચારી હતી જેને કારણે અનેક દેશોના ઇન્ફ્લેશન સતત વધતાં જશે અને ગ્રોથ અટકી જશે. કોરોનાને કારણે અમેરિકા, ચીન, બ્રાઝિલ, આફ્રિકન દેશોએ સ્પેન્ડિંગમાં અનેકગણો વધારે ખર્ચ કરતાં ડેબ્ટ સતત ઊંચે જઈ રહી છે. આગામી દિવસોમાં બ્રિટન, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાની ડેબ્ટમાં મોટો વધારો થવાના સંકેત મળી રહ્યા છે. ઉપરાંત જિયોપૉલિટિકલ ટેન્શનમાં સતત થઈ રહેલો વધારો અને ગ્લોબલ વૉર્મિંગને કારણે અનેક દેશોમાં ક્લાયમેટ-ડિઝૅસ્ટર જેવી ઘટનાઓ બની રહી હોવાથી ગ્લોબલ પબ્લિક ડેબ્ટ ઘટવાના કોઈ ચાન્સ દેખાતા નથી. વર્લ્ડની વધતી પબ્લિક ડેબ્ટ આગામી દિવસોમાં અનેક દેશોમાં મોટી ઇકૉનૉમિક ક્રાઇસિસ લાવશે. જિયોપૉલિટિકલ ટેન્શન પણ દૂર-દૂર સુધી ઓછું થવાનું દેખાતું નથી ત્યારે ટ્રમ્પ જો અમેરિકન પ્રેસિડન્ટ બનશે તો નવી ટૅરિફ-વૉર ઊભી થવાની શક્યતાને પગલે સોના-ચાંદીમાં લાંબા સમય સુધી તેજીની આગેકૂચ ચાલુ રહેવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.