ચાંદીમાં ત્રણ દિવસમાં ૪૩૫૬ રૂપિયાના ઉછાળા બાદના ત્રણ દિવસમાં ૩૯૦૧ રૂપિયા તૂટ્યા

04 June, 2024 07:43 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકન રેટ કટ વિશે વારંવાર બદલાતા પ્રવાહોથી સોના-ચાંદી રેન્જબાઉન્ડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ જ્વેલરી માર્કેટમાં ચાંદીના ભાવમાં મોટી ઊથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા છ દિવસનાં લેખાંજોખાં અનુસાર ગયા સોમ, મંગળ અને બુધ, એમ ત્રણ દિવસમાં ૪૩૫૬ રૂપિયાનો ઉછાળો થયા બાદના ત્રણ દિવસમાં એટલે કે ગુરુ, શુક્ર અને સોમ, એમ ત્રણ દિવસમાં ૩૯૦૧ રૂપિયા તૂટ્યા હતા. ગઈ કાલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૮૦ રૂપિયા અને ચાંદીનો ભાવ ૨૨૩૨ રૂપિયા ઘટ્યો હતો.

અમેરિકન રેટ કટ વિશે વારંવાર પ્રવાહો બદલાઈ રહ્યા હોવાથી સોના-ચાંદીના ભાવ રેન્જબાઉન્ડ રહ્યા હતા. વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ ૨૩૨૯-૨૩૩૦ ડૉલરની રેન્જમાં અને ચાંદીનો ભાવ ૩૦.૩૪થી ૩૦.૩૬ ડૉલરની રેન્જમાં હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર કોર પ્રાઇસ ઇન્ડેક્સ એપ્રિલમાં ૦.૨ ટકા વધ્યો હતો જે માર્ચમાં ૦.૩ ટકા વધ્યો હતો. વળી માર્કેટની ધારણા પણ ૦.૩ ટકાના વધારાની હતી. આમ કોર પ્રાઇસ ઇન્ડેક્સ ધારણાથી ઓછો વધતાં માર્કેટે રેટ કટના ચાન્સ વધારતાં ડૉલર ઇન્ડેક્સ સોમવારે ૦.૦૫ ટકા ઘટીને ૧૦૪.૬૨ પૉઇન્ટ રહ્યો હતો.

ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સરકારના ઑફિશ્યલ ડેટામાં ઘટ્યો હતો, પણ પ્રાઇવેટ એજન્સી કેઝિનના રિપોર્ટમાં મે મહિનાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વધીને બે વર્ષની ઊંચાઈએ ૫૧.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૫૧.૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧.૫ પૉઇન્ટની હતી. ચીનમાં ઑફિશ્યલ અને કેઝિન બન્નેના રિપોર્ટનું મહત્ત્વ સરખું માનવામાં આવે છે. આથી કેઝિનના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથના ડેટા બાદ ચાઇનીઝ શૅરબજાર વધ્યું હતું.

ચાલુ સપ્તાહે શુક્રવારે અમેરિકાના મે મહિનાના નૉન-ફાર્મ પે-રોલ ડેટા જાહેર થશે જે ફેડના રેટ કટના નિર્ણય માટે બહુ જ અગત્યના સાબિત થશે. નૉન-ફાર્મ પે-રોલ ડેટા ઉપરાંત જૉબ ઓપનિંગ ડેટા, મે મહિનાનો મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથ ડેટા પણ જાહેર થશે. ચાલુ સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ કૅનેડા અને ભારતીય રિઝર્વ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટનો નિર્ણય જાહેર કરશે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક મોટે ભાગે ઇન્ટરેસ્ટ રેટમાં લાંબા સમય પછી ઘટાડો કરશે જે સમગ્ર વિશ્વમાં રેટ કટની સાઇકલનો પહેલો ઘટાડો હશે. ચાલુ સપ્તાહે ચીન અને યુરોપિયન દેશોના ટ્રેડ ડેટા પણ જાહેર થશે.

શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકાની જૉબ માર્કેટ ઇકૉનૉમિક ગ્રોથ માટે બહુ જ અગત્યની છે. ગયા સપ્તાહે ગ્રોથ રેટ, કૉર્પોરેટ પ્રૉફિટ, એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ અને અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ વગેરે ડેટા નબળા આવ્યા બાદ સપ્ટેમ્બરમાં રેટ કટ આવવાના ચાન્સ વધી ગયા છે જેને હવે નૉન-ફાર્મ પે-રોલ ડેટા બાદ સમંતિ મળશે કે કેમ? છેલ્લા સાત મહિનાના નૉન-ફાર્મ પે-રોલ ડેટામાં બહુ મોટો ઉતાર-ચડાવ જોવા મળ્યો છે. ગયા ઑક્ટોબરમાં ૧.૬૫ લાખ, નવેમ્બરમાં ૧.૮૨ લાખ નવી નોકરીઓ ઉમેરાયા બાદ ડિસેમ્બરમાં ૨.૯૦ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. આમ સતત બે મહિના જૉબડેટા બે લાખથી નીચે રહ્યા બાદ ડિસેમ્બરમાં ત્રણ લાખ નજીક પહોંચી ગયા હતા. ડિસેમ્બર મહિના બાદ સતત બે મહિના જૉબડેટા ઘટ્યા હતા. જાન્યુઆરીમાં ૨.૫૬ લાખ અને ફેબ્રુઆરીમાં ૨.૩૬ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. ફરી માર્ચમાં મોટો ઉછાળો આવીને પે-રોલ ડેટા ૩.૧૫ લાખે પહોંચ્યા હતા જે એપ્રિલમાં ઘટીને ૧.૭૫ લાખ આવ્યા હતા. હવે શુક્રવારે જાહેર થનારા પે-રોલ ડેટા ૧.૮૦ લાખ આવવાની માર્કેટની ધારણા છે. જો આ ડેટા ધારણાથી ઘટીને આવશે તો રેટ કટના ચાન્સિસ વધશે અને સોનાના ભાવ વધશે, પણ પે-રોલ ડેટા ધારણાથી વધીને આવશે તો ફરી રેટ કટની અનિશ્ચિતતા વધતાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળશે.

business news gold silver price