26 October, 2024 07:50 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
સોના-ચાંદીમાં નવાં તેજીનાં કારણોના અભાવે રેકૉર્ડહાઈ લેવલે પ્રૉફિટ-બુકિંગ વધતાં વર્લ્ડ માર્કેટમાં સતત બીજે દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. વળી અમેરિકન સેક્રેટરી ઑફ સ્ટેટ ઍન્ટની બ્લિન્કને ઇઝરાયલ-હિઝબુલ્લા યુદ્ધના ડિપ્લોમૅટિક સોલ્યુશન માટે નવેસરથી પ્રયાસ શરૂ કરતાં સોના-ચાંદીમાં વેચવાલી વધી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૩૧ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૬૯૩ રૂપિયા ઘટ્યો હતો. સોનું-ચાંદી મુંબઈમાં સતત બીજે દિવસે ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑક્ટોબરમાં વધીને ૪૭.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૧૫ મહિનાની નીચી સપાટીએ ૪૭.૩ પૉઇન્ટ હતો તેમ જ માર્કેટની ધારણા ૪૭.૫ પૉઇન્ટની હતી. વાર્ષિક ધોરણે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સતત ચોથે મહિને ઘટ્યો હતો, પણ મન્થ-ટુ-મન્થ વધ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડર સતત ચોથે મહિને ઘટ્યા હતા. અમેરિકન સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ઑક્ટોબરમાં વધીને ૫૫.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૫૫.૨ પૉઇન્ટ હતો જેના વિશે માર્કેટની ધારણા પંચાવન પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરમાં નવા ઑર્ડર વધીને અઢી વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ મન્થલી વધતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ વધીને ૫૪.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૫૪ પૉઇન્ટ હતો.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સતત સાત દિવસ વધ્યા બાદ ઘટીને ૧૦૪.૦૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ગુરુવારે એક તબક્કે વધીને ૧૦૪.૪૬ પૉઇન્ટ થયો હતો. અમેરિકન પ્રેસિડન્ટપદે ટ્રમ્પના ચૂંટાવાના ચાન્સ વધી રહ્યા હોવા છતાં ફેડ નવેમ્બર મીટિંગમાં પચીસ બેસિસ પૉઇન્ટ રેટ-કટ લાવશે એવી શક્યતા વધુ હોવાથી ડૉલરમાં ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. વળી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વાર્ષિક ધોરણે ઘટ્યો હોવાથી રેટ-કટના ચાન્સ થોડા વધ્યા હતા.
અમેરિકામાં નવાં રહેણાક મકાનોનું વેચાણ સપ્ટેમ્બરમાં ૪.૧ ટકા વધીને ૧૬ મહિનાની ઊંચાઈએ ૭.૩૮ લાખે પહોંચ્યું હતું જે ઑગસ્ટમાં ૭.૦૯ લાખ હતું અને માર્કેટની ધારણા ૭.૨૦ લાખની હતી. સપ્ટેમ્બરમાં ૪.૭૦ લાખ નવાં રહેણાક મકાનો વેચાણ માટે માર્કેટમાં ઉપલબ્ધ હતાં જે ૭.૬ મહિનાની સપ્લાય છે.
ચીનની સેન્ટ્રલ બૅન્કે માર્કેટમાં વન યર મીડિયમ લૅન્ડિંગ ફૅસિલિટી દ્વારા ૭૦૦ અબજ યુઆન ઠાલવ્યા હતા જેને માટે લૅન્ડિંગ ફૅસિલિટીના રેટ બે ટકા જાળવી રાખ્યા હતા. ચીનના નબળા પડતા ઇકૉનૉમિક ગ્રોથને પાટે ચડાવવા પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના તરફથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. ચાઇનીઝ માર્કેટની ધારણા છે કે ગવર્નમેન્ટ ઑથૉરિટી ટૂંકમાં આઠ ટ્રિલ્યન (લાખ કરોડ) યુઆનનું સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કરશે, જેમાં એક ટ્રિલ્યન યુઆનના સ્પેશ્યલ ગવર્નમેન્ટ બૉન્ડ અને પાંચ ટ્રિલ્યન યુઆનના ડેબ્ટ-સ્વેપ ક્વોટા આવી શકે છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનનું સસ્પેન્સ સતત વધી રહ્યું હોવાથી સોના-ચાંદીમાં અનસર્ટેન્ટી પ્રીમિયમ સતત વધી રહ્યું છે. CNBC, વૉલ સ્ટ્રીટ જનરલ, ફૉર્બ્સના સર્વેમાં ટ્રમ્પ બે ટકા આગળ છે; જ્યારે ઇકૉનૉમિસ્ટ, રૉઇટર્સ, USA ટુડેના સર્વેમાં કમલા હૅરિસ આગળ છે. અમેરિકાના પ્રેસિડન્ટ ઇલેક્શન પહેલાંના બે મહિનાથી બે ડઝનથી વધુ નાના-મોટા સર્વેક્ષણનો રિપોર્ટ દર સપ્તાહે બહાર પાડે છે. છેલ્લાં બે સપ્તાહથી આવી રહેલા સર્વેક્ષણમાં ટ્રમ્પનું પલડું ઝડપથી ભારે થઈ રહ્યું છે. બે સપ્તાહ અગાઉ ૯૦ ટકા કરતાં વધારે સર્વેમાં કમલા હૅરિસ ટ્રમ્પથી ઘણાં આગળ હતાં. અમેરિકાના પાંચમી નવેમ્બરે યોજાનારા પ્રેસિડેન્શિયલ ઇલેક્શન સુધી સોના-ચાંદીમાં અનસર્ટેન્ટી પ્રીમિયમ સતત વધતું હોવાથી બન્ને પ્રેશિયસ મેટલના ભાવ વધ-ઘટે ઉપર જતા જોવા મળશે.