19 December, 2024 08:54 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
સોના-ચાંદીની માર્કેટને અસર કરતી અનેક ઘટનાઓ ૨૦૨૫માં બનવાની હોવાથી તેજી-મંદીનું ભાવિ હાલ ધૂંધળું દેખાતું હોવાથી રેન્જ બાઉન્ડ ભાવ જોવા મળ્યા હતા. વળી યુરો એરિયા અને બ્રિટનનું ઇન્ફ્લેશન વધતાં રેટ-કટનું ભાવિ પણ અનિશ્ચિત બન્યું હતું જેની પણ અસર જોવા મળી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૯૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૫૩૫ રૂપિયા વધ્યો હતો. સોનું-ચાંદી સતત ત્રણ દિવસ ઘટ્યા બાદ મુંબઈમાં ગઈ કાલે ભાવ વધ્યા હતા.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું રીટેલ સેલ્સ નવેમ્બરમાં ૦.૭ ટકા વધ્યું હતું જે ઑક્ટોબરમાં ૦.૫ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા પણ ૦.૫ ટકા વધારાની હતી. આમ રીટેલ સેલ્સનો વધારો માર્કેટની ધારણાથી વધુ હતો. અમેરિકામાં સૌથી વધુ સેલ્સનો વધારો બિલ્ડિંગ મટીરિયલ્સ અને નૉન સ્ટોર રીટેલ્સમાં જોવા મળ્યો હતો.
અમેરિકાનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન નવેમ્બરમાં ૦.૧ ટકા ઘટ્યું હતું જે ઑક્ટોબરમાં ૦.૪ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૨ ટકા વધારાની હતી. અમેરિકામાં કૅપેસિટી યુટિલાઇઝેશન નવેમ્બરમાં ૭૬.૮ ટકા ઘટીને ૪૩ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ઑક્ટોબરમાં પણ કૅપેસિટી યુટિલાઇઝેશન ૭૭ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૭૭.૩ ટકા ઘટાડાની હતી.
૨૦૨૫માં અમેરિકન રેટ-કટ વિશેની અનિશ્ચિતતા વધી રહી હોવાથી ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૭.૦૩ પૉઇન્ટે પહોંચ્યા બાદ ૧૦૬.૯૫ પૉઇન્ટની આસપાસ સ્ટેડી હતો, કારણ કે હાલ ચાલી રહેલી મીટિંગમાં પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ નિશ્ચિત છે.
અમેરિકાનો હોમબિલ્ડર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં યથાવત્ ૪૬ પૉઇન્ટ રહ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૪૭ પૉઇન્ટની હતી. આગામી સમયમાં હાઉસિંગ સેલ્સને બતાવતો ઇન્ડેક્સ વધીને ૩૨ મહિનાની ઊંચાઈએ ૬૬ પૉઇન્ટે પહોંચ્યો હતો. ડિસેમ્બરમાં ૩૧ ટકા બિલ્ડરોએ હોમપ્રાઇસ ઘટાડી હતી, કારણ કે હાઉસિંગ સેક્ટરમાં ડોનલ્ડ ટ્રમ્પ ચૂંટાયા બાદ ગ્રોથ વધવાની સ્ટેક હોલ્ડર્સોને આશા છે.
યુરો એરિયાનું હેડલાઇન ઇન્ફ્લેશન નવેમ્બરમાં વધીને ૨.૨ ટકાએ પહોંચ્યું હતું જે ઑક્ટોબરમાં બે ટકા હતું અને માર્કેટની ધારણા ૨.૩ ટકાની હતી, જ્યારે કોર ઇન્ફ્લેશન ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૨.૭ ટકાએ પહોંચ્યું હતું. યુરો એરિયાનું ઇન્ફ્લેશન ઘટી રહ્યું હોવાથી યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે છેલ્લી ત્રણ મીટિંગમાં રેટ-કટ લાવ્યો છે. બ્રિટનનું હેડલાઇન ઇન્ફ્લેશન પણ નવેમ્બરમાં સતત બીજે મહિને વધીને આઠ મહિનાની ઊંચાઈએ ૨.૬ ટકાએ પહોંચ્યુ હતું જે ઑક્ટોબરમાં ૨.૩ ટકા હતું.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાનું ઇન્ફ્લેશન છેલ્લા બે મહિનાથી સતત વધી રહ્યું છે ત્યારે યુરો એરિયા અને બ્રિટનનું ઇન્ફ્લેશન પણ નવેમ્બરમાં ધારણાથી વધુ વધ્યું હતું. ડોનલ્ડ ટ્રમ્પના ટૅરિફ વધારાની અસરે અમેરિકા, યુરોપ, બ્રિટન સહિત અનેક દેશોના ઇન્ફ્લેશનમાં મોટો વધારો થશે. હાલ ચાલી રહેલા યુદ્ધનો નિવેડો નહીં આવે તો એની અસર પણ ઇન્ફ્લેશનના વધારામાં ભળશે. સોનું એ ઇન્ફ્લેશનના વધારા સામેનું બેસ્ટ હેજિંગ ટૂલ્સ હોવાથી જેમ ઇન્ફ્લેશન વધશે એમ સોનામાં તેજીનું મોમેન્ટમ વધશે. ૨૦૨૫માં સોના-ચાંદીની તેજીને અસર કરતી અનેક ઘટનાઓ એકસાથે બનશે. આથી દરેક ઘટનાની અસરે ૨૦૨૫માં સોના-ચાંદીમાં વધ-ઘટ મોટી રહેશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૬,૬૫૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૬,૩૫૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૯,૦૬૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)