28 December, 2024 08:33 AM IST | Mumbai | Mayur Mehta
સોના-ચાંદીની ફાઈલ તસવીર
ક્રિસમસની રજાનો માહોલ સમગ્ર વિશ્વમાં છવાયો છે તેમ જ ટ્રમ્પની જીત બાદ ૨૦૨૫માં સોના-ચાંદીનો ટ્રેન્ડ વધુ પડતો અનિશ્ચિત બનતાં હાલ ખરીદદારો અને ઇન્વેસ્ટરો નવી ખરીદીથી દૂર રહેતાં વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદી ઘટ્યાં હતાં. રૂપિયો ડૉલર સામે ઑલટાઇમ લો સપાટીએ પહોંચતાં સોનાની આયાત-પડતર વધતાં મુંબઈમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૦ રૂપિયા વધ્યું હતું, પણ ચાંદી પ્રતિ કિલોગ્રામ ૨૦૯ રૂપિયા ઘટી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહના અંતે ૧૦૦૦ ઘટીને ૨.૧૯ લાખએ પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૨.૨૪ લાખની હતી. હાલના નંબર્સ સાત મહિનાની ૨.૧૩ લાખની નીચી સપાટીની એકદમ નજીક છે. જોકે એક્ઝિસ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ નંબર્સ ૨૨,૬૬૩ વધીને ૨.૭૪ લાખે પહોંચ્યા હતા. અમેરિકાના ૩૦ વર્ષના મૉર્ગેજ રેટ ૨૬ ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે સતત બીજા સપ્તાહે વધીને ૬.૮૫ ટકાએ પહોંચ્યા હતા. મૉર્ગેજ રેટ સતત ઘટ્યા બાદ છેલ્લાં બે સપ્તાહથી વધી રહ્યા હોવા છતાં નવા અને એક્ઝિસ્ટિંગ હોમસેલ્સમાં વધારો થઈ રહ્યો છે. અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ નંબર્સ ઘટતાં ડૉલર ઇન્ડેક્સમાં ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ વધતાં ડૉલર ઇન્ડેક્સ ૦.૨૫ ટકા ઘટીને ૧૦૭.૮૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સતત ત્રણ દિવસ બે વર્ષની ઊંચાઈએ ૧૦૮.૨૦થી ૧૦૮.૨૪ ટકા પૉઇન્ટ આસપાસ હતો.
ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ નવેમ્બરમાં સતત ચોથે મહિને ૭.૩ ટકા ઘટ્યો હતો અને ચાલુ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર દરમ્યાનન ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ૪.૭ ટકા ઘટ્યો હતો જે જાન્યુઆરીથી ઑક્ટોબર દરમ્યાનન ૪.૩ ટકા ઘટ્યો હતો. ખાસ કરીને સરકારી કંપનીઓનો પ્રૉફિટ ૮.૪ ટકા ઘટ્યો હતો જેની સામે પ્રાઇવેટ કંપનીઓનો પ્રૉફિટ ફક્ટ એક ટકો જ ઘટ્યો હતો. સૌથી વધારે નૉન મેટાલિક મિનરલ કંપનીઓનો પ્રૉફિટ ૪૮.૨ ટકા ઘટ્યો હતો એની સામે નૉન ફેરસ મેટલ કંપનીઓ, ટેક્સટાઇલ, કમ્પ્યુટર કમ્યુનિકશન કંપનીઓ અને ઍગ્રિકલ્ચર કંપનીઓનો પ્રૉફિટ વધ્યો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
૨૦૨૪નું વર્ષ કરન્સી માર્કેટમાં અફડાતફડીવાળું રહ્યું, કારણ કે અમેરિકા, યુરોપ, બ્રિટન, જપાન સહિત લગભગ વિશ્વની તમામ સેન્ટ્રલ બૅન્કોએ ઇન્ટરેસ્ટ રેટમાં ખાસ્સો એવો ફેરફાર કર્યો હતો. જપાન સિવાય તમામ સેન્ટ્રલ બૅન્કોએ ૨૦૨૪માં શ્રેણીબદ્ધ રેટ-કટ આપ્યા હતા. ૨૦૨૫માં વિશ્વના તમામ દેશો પર ટ્રમ્પની પૉલિસીની અસર રહેશે. અમેરિકા વર્સસ રેસ્ટ વર્લ્ડના દેશો વચ્ચે ટૅરિફ વૉર પરાકાષ્ઠાએ પહોંચશે તો ઇન્ફ્લેશન પણ સતત વધતું રહેશે જેને કારણે રેટ-કટ લાવવો જોખમી બનશે. જપાને ૨૦૨૪માં બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ હવે ટૅરિફ-વૉરની અસરે વધુ રેટવધારો કરવાનું શક્ય ન પણ બને. આમ ૨૦૨૪ના વર્ષ જેવું જ ૨૦૨૫નું વર્ષ કરન્સી માર્કેટ માટે અફડાતફડીવાળું ન રહે તો સોનામાં એકધારી તેજીને બદલે વધઘટ બાદની તેજી-મંદી જોવા મળે. ૨૦૨૪માં સોનું ૨૮ ટકા વધ્યું એટલી મોટી તેજીની શક્યતા ૨૦૨૫માં હાલની સ્થિતિ જોતાં દેખાતી નથી.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૬,૪૩૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૬,૧૩૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૭,૮૩૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)