15 October, 2024 08:47 AM IST | Mumbai | Mayur Mehta
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
ચીનનું ઇન્ફ્લેશન ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં ફરી એક વખત ડિફ્લેશનનો ભય વધતાં સ્ટિમ્યુલસ પૅકેજની અસર ધોવાઈ જતાં સોના-ચાંદીમાં પીછેહઠ જોવા મળી હતી. વળી અમેરિકામાં રેટ-કટની શક્યતા ઘટતાં ડૉલર વધીને બે મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોનાની ખરીદીનું આકર્ષણ ઘટ્યું હતું.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૭૮ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૩ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ વધીને બે મહિનાની ઊંચાઈએ ૧૦૩.૧૧ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફેડ દ્વારા નવેમ્બર મીટિંગમાં પચીસ બેસિસ પૉઇન્ટથી વધુ રેટ-કટની શક્યતા ન હોવાથી ડૉલર ઇન્ડેક્સ સતત મજબૂત બની રહ્યો છે. વળી ફેડ ગવર્નર ક્રિષ્ટોફર વૉલરે પણ પચીસ બેસિસ પૉઇન્ટથી વધુ રેટ-કટની તરફેણ કરી નથી. શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ (CME)ના ફેડવૉચ અનુસાર નવેમ્બરમાં પચીસ બેસિસ પૉઇન્ટ રેટ-કટના ચાન્સિસ હાલ ૮૭ ટકા છે. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ વધીને અઢી મહિનાની ઊંચાઈએ ૪.૦૯ ટકાએ પહોંચ્યાં હતાં.
અમેરિકાનું કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઑક્ટોબરમાં ઘટીને ૬૮.૯ પૉઇન્ટે પહોંચ્યું હતું જે સપ્ટેમ્બરમાં પાંચ મહિનાની ઊંચાઈએ ૭૦.૧ પૉઇન્ટ હતું, માર્કેટની ધારણા ૭૦.૮ પૉઇન્ટની હતી જેના કરતાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઘણું નીચું રહ્યું હતું. અમેરિકાનું આગામી એક વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ઑક્ટોબરમાં વધીને ૨.૯ ટકાએ પહોંચ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૨.૭ ટકા રહ્યું હતું. જોકે આગામી પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ઑક્ટોબરમાં ઘટીને ત્રણ ટકાએ પહોંચ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૩.૧ ટકા હતું.
ચીનની ઇકૉનૉમિક કન્ડિશન એકધારી બગડી રહી છે. અનેક પ્રકારનાં સ્ટિમ્યુલસ પૅકેજ છતાં ઇકૉનૉમિક ઍક્ટિવિટી સતત નબળી પડી રહી છે. ચીનનું કન્ઝ્યુમર હેડલાઇન ઇન્ફ્લેશન સપ્ટેમ્બરમાં ૦.૪ ટકા ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં ડિફ્લેશનનું જોખમ વધ્યું હતું. ચીનનું પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન પણ ઘટીને છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું, પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન સતત ચોવીસમા મહિને ઘટ્યું હતું. ચીનની ઇકૉનૉમીનું એન્જિનસમું વેહિકલ સેલ્સ સપ્ટેમ્બરમાં ૧.૭ ટકા ઘટ્યું હતું જે ઑગસ્ટમાં ૦.૫ ટકા ઘટ્યું હતું.
ચાલુ સપ્તાહે અમેરિકાનાં રીટેલ સેલ્સ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ, બિલ્ડિંગ પરમિટ અને હાઉસિંગ સ્ટાર્ટના ડેટા જાહેર થશે. આ તમામ ડેટા રેટ-કટની શક્યતાને વધુ સ્પષ્ટ કરશે. ચાલુ સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વિશેનો નિર્ણય આવશે. જુલાઈમાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે રેટ-કટ કર્યા બાદ ઇન્ફ્લેશન બૅન્કના બે ટકાના ટાર્ગેટ કરતાં પણ નીચું જતાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક રેટ-કટનો નિર્ણય લાવી શકે છે. ચીનના પણ થર્ડ ક્વૉર્ટરના ગ્રોથરેટ ડેટા, રીટેલ સેલ્સ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન, ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ અને હાઉસિંગ ઇન્ડેક્સના ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે. આ તમામ ડેટા ચીનની ઇકૉનૉમિક કન્ડિશનની સ્થિતિને વધુ સ્પષ્ટ કરશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકા-ચીનના ઇકૉનૉમિક ડેટા, મિડલ-ઈસ્ટમાં સતત વધી રહેલું ટેન્શન અને અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શન; આ તમામ ઘટનાઓ એકસાથે ભેગી થઈ રહી હોવાથી સોના-ચાંદીની માર્કેટમાં કન્ફ્યુઝનનો માહોલ જોવા મળશે. અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ડોનલ્ડ ટ્રમ્પના જીતવાના ચાન્સ હાલ ઘણા ઓછા છે, પણ આઠ વર્ષ અગાઉ પણ આવી જ સ્થિતિ હોવા છતાં નાટ્યાત્મક રીતે ટ્રમ્પ ઇલેક્શન જીતીને પ્રેસિડન્ટ બની ગયા હોવાથી હાલ ઇન્વેસ્ટરો, હેજફન્ડો કે સેન્ટ્રલ બૅન્કો સોના-ચાંદીમાં કોઈ મોટી ખરીદી કરવાના મૂડમાં હોવાથી સોના-ચાંદીની માર્કેટ મોટે ભાગે રેન્જ બાઉન્ડ રહેશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૬,૦૦૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૫,૬૯૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૦,૦૨૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)