03 December, 2024 08:29 AM IST | Mumbai | Mayur Mehta
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
ડોનલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશો દ્વારા નવી કરન્સી લૉન્ચ કરવાની હિલચાલ સામે ધમકી આપતાં સેફ હેવન ડિમાન્ડથી ડૉલર ઇન્ડેક્સ ઊછળ્યો હતો, જેને કારણે સોના-ચાંદીમાં ખરીદીનું આકર્ષણ ઘટતાં બન્ને પ્રેસિયસ મેટલમાં ઘટાડો જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૨૬૨૧.૨૦ ડૉલર અને ચાંદી ઘટીને ૩૦ ડૉલરે પહોંચી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૩૨ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૭૭૨ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં નવેમ્બરમાં સોનાનો ભાવ ૨૮૧૭ રૂપિયા અને ચાંદીનો ભાવ ૭૨૮૭ રૂપિયા ઘટ્યો હતો. સોનું ૭૯,૫૫૭ રૂપિયાથી ઘટીને ૭૬,૭૪૦ રૂપિયા અને ચાંદી ૯૬,૬૭૦ રૂપિયાથી ઘટીને ૮૯,૩૮૩ રૂપિયાએ પહોંચી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ સપ્તાહના આરંભે ૦.૫૪ ટકા વધીને ૧૦૬.૪૫ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફ્રાન્સમાં પૉલિટિકલ અનસર્ટિનિટી ઊભી થતાં તેમ જ બૅન્ક ઑફ જપાનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવા વિશે ફરી મતભેદ સર્જાતાં ડૉલર ઇન્ડેક્સને મજબૂતી મળી હતી.
ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નવેમ્બરમાં સતત બીજે મહિને વધીને સાત મહિનાની ઊંચાઈએ ૫૦.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૦.૧ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં સાત મહિના પછી પ્રથમ વખત બાઇંગ ઍક્ટિવિટી વધી હતી અને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં બિઝનેસ કૉન્ફિડન્સ પણ સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ચીનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં ઘટીને ૫૦ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૦.૨ પૉઇન્ટ હતો. ચીનના સર્વિસ સેક્ટરના ગ્રોથમાં નજીવો ઘટાડો થવા છતાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ બુલિશ આવતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પાંચ મહિનાની ઊંચાઈએ ૫૦.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પણ સતત બીજે મહિને વધ્યો હતો.
જપાનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નવેમ્બરમાં ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ ૪૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૯.૨ પૉઇન્ટ હતો. બૅન્ક ઑફ જપાને અગાઉ ડિસેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનું મન મનાવ્યું હતું, પણ હવે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટતાં કેટલાક મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાને જોખમી બતાવ્યું છે.
ચાલુ સપ્તાહે અમેરિકાનો નવેમ્બર મહિનાનો નૉન ફાર્મ પે-રોલ રિપોર્ટ શુક્રવારે જાહેર થશે, જેમાં ૧.૯૪ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની ધારણા છે. ઑક્ટોબરમાં નવી નોકરીઓ ઉમેરાવામાં મોટો ઘટાડો નોંધાયો હતો, પણ સપ્ટેમ્બરમાં ૨.૫૪ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. આ ઉપરાંત જૉબ ઓપનિંગ ડેટા, અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ-સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથડેટા, કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ડેટા જાહેર થશે. આ ઉપરાંત યુરો એરિયા, બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા સહિત અનેક દેશોના ત્રીજા ક્વૉર્ટરના ગ્રોથરેટ ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ તરીકે સત્તાનો કારભાર સંભાળે એ પહેલાંથી તેમની આદત પ્રમાણે કૉન્ટ્રોવર્શિયલ ડિસિઝન લેવાનાં ચાલુ કર્યાં છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા (BRICS-બ્રિક્સ) પાંચ દેશોના બનેલા સંગઠન દ્વારા છેલ્લી મીટિંગમાં એક કૉમન કરન્સી લૉન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નવી કરન્સી ડૉલરના વિકલ્પે મૂકવામાં આવી હતી. ડોનલ્ડ ટ્રમ્પે શનિવારે નવી ધમકી આપી હતી કે જે દેશો બ્રિક્સ દેશોની નવી કરન્સી અપનાવશે તેમના પર ૧૦૦ ટકા ટૅરિફ લાગુ પાડવામાં આવશે. આમ ટ્રમ્પે હવે રશિયા, ચીન, મેક્સિકો, કૅનેડા, ભારત, સાઉથ આફ્રિકા વગેરે તમામ દેશો સામે બાથ ભીડવાનું ચાલુ કર્યું છે. ટ્રમ્પના ટૅરિફ વધારવાના નિર્ણયથી વર્લ્ડ ટ્રેડમાં નવો કિઓસ્ક સર્જાશે જેની અસર અમેરિકા સહિત તમામ દેશોની ઇકૉનૉમિક કન્ડિશનને થશે. ટ્રમ્પના આવા કૉન્ટ્રોવર્શિયલ નિર્ણયો આગામી દિવસોમાં સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધારીને બન્ને પ્રેસિયસ મેટલને ઊંચે લઈ જશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૬,૩૦૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૬,૦૦૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૮,૬૧૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)