27 March, 2025 06:53 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ટ્રમ્પે એપ્રિલથી અમેરિકામાં આયાત થતી ચીજો પર ટૅરિફવધારાની અગાઉ કરેલી જાહેરાત બાદ હવે એમાં છૂટનો રસ્તો ખુલ્લો હોવાની જાહેરાત કરતાં ટૅરિફવધારાની અનિશ્ચિતતા સોના-ચાંદી રેન્જ બાઉન્ડ રહ્યાં હતાં. ડૉલરની મૂવમેન્ટ પણ ઑલમોસ્ટ સ્ટેડી રહી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૫૦ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૧૩ રૂપિયા ઘટ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકામાં આયાત થતી ચીજો પર દરેક દેશ જે રીતે ટૅરિફ ઉઘરાવતો હોય એ રીતે બીજી એપ્રિલથી ટૅરિફવધારાનો અમલ કરવાની જાહેરાત ટ્રમ્પે અગાઉ કરી હતી, પણ હવે ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા બીજી એપ્રિલથી લાગુ થતી ટૅરિફમાં થોડી છૂટ મૂકવાનો પણ સંકેત મળ્યો હતો જેને કારણે ટૅરિફવધારા વિશે ફરી અનિશ્ચિતતા વધતાં ડૉલર ઇન્ડેક્સ સ્ટેડી રહ્યો હતો. ફેડ ચૅરમૅન પૉવેલે રેટ-કટ વિશે કોઈ ઉતાવળ ન હોવાની કમેન્ટ ગયા સપ્તાહે કર્યા બાદ ડૉલર ઇન્ડેક્સ સતત વધતો હતો.
યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ માર્ચમાં પ્રિલિમિનરી એસ્ટિમેટમાં વધીને ૨૬ મહિનાની ઊંચી સપાટીએ ૪૮.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૪૭.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૮.૨ પૉઇન્ટની હતી, જ્યારે સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ઘટીને ૫૦.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૦.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ બુલિશ રહેતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ માર્ચમાં સતત ત્રીજે મહિને વધીને ૫૦.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૫૦.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૮ પૉઇન્ટની હતી.
જપાનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પ્રિલિમિનરી એસ્ટિમેટમાં માર્ચમાં સતત નવમે મહિને ઘટીને એક વર્ષની નીચી સપાટીએ ૪૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્કેટની ૪૯.૨ પૉઇન્ટની ધારણા કરતાં નીચો રહ્યો હતો જ્યારે સર્વિસ સેક્ટરનો ગ્રોથ છ મહિના પછી પ્રથમ વખત ઘટીને ૪૯.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ બન્ને સેક્ટરના ગ્રોથ ઘટતાં પાંચ મહિના સતત વધ્યા બાદ પ્રથમ વખત પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઘટીને બે વર્ષની નીચી સપાટીએ ૪૮.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં બાવન પૉઇન્ટ હતો. જપાનનો મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઘટતાં હવે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની જરૂરિયાત વધી રહી છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યાના સવાબે મહિનામાં ટૅરિફવધારાનો જેટલો હોબાળો થયો એના પ્રમાણમાં વાસ્તવિક ટૅરિફવધારો એકદમ ઓછો રહ્યો છે ત્યારે હવે બીજી એપ્રિલથી અમેરિકામાં આયાત થતી તમામ ચીજો પર ટૅરિફવધારાનો અમલ કરવાનું જાહેર થયા બાદ ટૅરિફવધારાના અમલનો સમય નજીક આવતાં ફરી ટૅરિફવધારામાં છૂટની વાતો ચાલુ થઈ ચૂકી છે. ઓવરઑલ ટૅરિફવધારાનો ખોફ હવે ઝડપથી ઘટી રહ્યો છે. ટ્રમ્પે ઇલેક્શન કૅમ્પેન દરમ્યાન રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ યુદ્ધો સમાપ્ત કરવાની જે મોટી-મોટી વાતો કરી હતી એમાં પણ કશું થયું નથી. ઊલટું, ઇઝરાયલ-હમાસ વચ્ચે ફરી ભીષણ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવા વિશે મંત્રણાનો ધમધમાટ ચાલુ છે, પણ બન્ને પક્ષે સહમતી થવી મુશ્કેલ દેખાઈ રહી છે. આમ ટ્રમ્પની ઇમ્પેક્ટને કારણે સોના-ચાંદીમાં સવાબે મહિનામાં ઝડપી તેજી જોવા મળી છે ત્યારે હવે ટ્રમ્પની ઇમ્પેક્ટ ઓછી થઈ રહી છે ત્યારે સોના-ચાંદીમાં હવે ઊંચા મથાળે તેજી જોખમી પણ બની રહી છે એટલે થોડો પ્રૉફિટ બુક કરવો હિતાવહ રહેશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૭,૭૧૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૭,૩૬૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૭,૪૦૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)