30 November, 2024 08:37 AM IST | Mumbai | Mayur Mehta
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
રશિયાએ યુક્રેન પર બૅલાસ્ટિક મિસાઇલથી અટૅક કરવાની ધમકી આપતાં સોના-ચાંદીમાં ફરી તેજીની આગેકૂચ જોવા મળી હતી. વળી ટ્રમ્પની ટૅરિફ વધારાની જાહેરાતથી ટૅરિફ-વૉર શરૂ થવાની શક્યતાએ સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૫૩ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૪૭૯ રૂપિયા વધ્યો હતો. સોનાનો ભાવ મુંબઈમાં સતત ત્રીજે દિવસે વધ્યો હતો અને સોનું ત્રણ દિવસમાં ૧૦૫૦ રૂપિયા વધ્યું હતું.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ઇન્ફ્લેશન એટલે કે પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ માર્કેટની ધારણા કરતાં નીચો રહેતાં ડિસેમ્બરમાં રેટ-કટના ચાન્સ વધીને ૬૭ ટકા થતાં ડૉલર ઇન્ડેક્સ ૦.૨૨ ટકા ઘટીને ૧૦૫.૬૧ પૉઇન્ટે પહોંચ્યો હતો અને ચાલુ સપ્તાહે શુક્રવાર સુધીમાં ડૉલર ઇન્ડેક્સ ૧.૫ ટકા ઘટ્યો હતો જે છેલ્લાં નવ સપ્તાહમાં પહેલો સાપ્તાહિક ઘટાડો હતો. ડૉલર ઇન્ડેક્સ ઘટતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૦.૦૩૧ ટકા ઘટીને ૪.૨૧૧ ટકાએ પહોંચ્યાં હતાં.
જપાનનું ઇન્ફ્લેશન નવેમ્બરમાં વધીને બે ટકાએ પહોંચવાની ધારણાને પગલે ડિસેમ્બરમાં બૅન્ક ઑફ જપાન ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી શક્યતા વધતાં જૅપનીઝ યેનનું મૂલ્ય ડૉલર સામે એક ટકા વધીને ૧૫૦ ડૉલર થયું હતું. માર્કેટની ધારણા મુજબ હવે ડિસેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારાના ચાન્સ હવે ૬૦ ટકા છે જે ઇન્ફ્લેશનના ડેટા પહેલાં ૫૦ ટકા હતા.
યુરો એરિયાનું હેડલાઇન ઇન્ફ્લેશન નવેમ્બરમાં સતત બીજે મહિને વધીને ૨.૩ ટકાએ પહોંચ્યું હતું જે ઑક્ટોબરમાં બે ટકા હતું અને માર્કેટની ધારણા પ્રમાણે જ હતું. નૉન એનર્જી ઇન્ડસ્ટ્રિયલ ગુડ્સની પ્રાઇસ ૦.૭ ટકા વધતાં તેમ જ એનર્જી ઇન્ફ્લેશન ધારણા કરતાં ઓછું ઘટતાં ઇન્ફ્લેશન વધ્યું હતું. કોર ઇન્ફ્લેશન ૨.૭ ટકા સ્ટેડી હતું, પણ માર્કેટની ૨.૮ ટકાની ધારણા કરતાં ઓછું હતું. યુરો એરિયાનું ઇન્ફ્લેશન હવે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટથી ઊંચું જતાં રેટ-કટના ચાન્સ ઘટ્યા હતા. યુરો એરિયાનું ઇન્ફ્લેશન વધવાની સાથે ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન પણ છેલ્લા નવ મહિનામાં પ્રથમ વખત ઑક્ટોબરમાં વધ્યું હતું. આગામી એક વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધીને ૨.૫ ટકાએ પહોંચ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૨.૪ ટકા હતું. આગામી ત્રણ વર્ષના ઇન્ફ્લેશનનું એક્સપેક્ટેશન ૨.૧ ટકાએ જળવાયેલું હતું.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ-સમાપ્તિના સમજૂતી-કરાર હવે ફાઇનલ સ્ટેજમાં છે છતાં પણ રશિયા અને યુક્રેન વચ્ચે સતત ટેન્શન વધી રહ્યું હોવાથી સોનાને જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ મળી રહ્યો છે. યુક્રેનને અમેરિકન મિસાઇલ વાપરવાની છૂટ મળ્યા બાદ યુક્રેનના અટૅકની સામે રશિયા પણ હવે આક્રમક મૂડમાં આવીને યુક્રેન પર બૅલાસ્ટિક મિસાઇલની અટૅક કરવાની નવી ધમકી આપતાં ફરી સોનું વધ્યું હતું. ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ ટૅરિફ-વૉર ફાટી નીકળવાના સ્પષ્ટ સંકેતો મળવાના શરૂ થયા છે. ઉપરાંત અમેરિકન ઇન્ફ્લેશન જળવાયેલું હોવાથી ટ્રમ્પના આગમન પહેલાં ફેડ ડિસેમ્બરમાં પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ લાવશે એના સંજોગો ઊજળા બનતાં સોનાની તેજીને મૉનિટરી સપોર્ટ પણ મળ્યો હતો.
સોના-ચાંદીમાં દૂર-દૂર સુધી મોટી મંદી થવાના કોઈ ચાન્સ દેખાતા નથી, માઇનર કરેક્શન પૉસિબલ છે, પણ વધ-ઘટે બન્ને પ્રેસિયસ મેટલના ભાવ એકધારા વધતાં રહેશે એવું હાલની સ્થિતિ પરથી દેખાય છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૬,૭૪૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૬,૪૩૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૯,૩૮૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)