સોના-ચાંદીની તેજીનું ટ્રેલર શરૂ થયું, હજી પિક્ચર બાકી છે : મોટી તેજીનો તખતો તૈયાર

08 May, 2023 03:06 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકન ફેડે ૧૦ વખત વ્યાજદર વધાર્યા બાદ જ્યારે એ ઘટાડશે ત્યારે મોટી તેજી થશે : અનેક દેશો ડૉલરનું આધિપત્ય તોડવા મેદાને પડ્યા છે ત્યારે ડૉલર દબાશે એ સમયે સોના-ચાંદીમાં સળંગ તેજી જોવા મળશે

પ્રતીકાત્મક તસવીર

સોનાના ભાવ ગયા સપ્તાહે મુંબઈની માર્કેટમાં પ્રતિ ૧૦ ગ્રામ ૬૧,૦૦૦ રૂપિયા અને ચાંદીના ભાવ પ્રતિ કિલો ૭૬,૦૦૦ રૂપિયાની સપાટીને પાર કરી ગયા બાદ સપ્તાહના અંતે પ્રત્યાઘાતી ઘટ્યા હતા. બે વર્ષ પહેલાં સોનું ૫૦,૦૦૦ રૂપિયા થશે એવું કોઈ કહેતું તો પૂછતાં પાંચ વર્ષ પછી કે દસ વર્ષ પછી? પણ સોનું સડસડાટ આકાશી ઊંચાઈ તરફ જાય છે. અત્યારે કોઈ કહે કે સોનું દોઢથી બે વર્ષમાં પ્રતિ ૧૦ ગ્રામ ૯૦,૦૦૦ રૂપિયાથી એક લાખ રૂપિયા થશે તો કોઈ માને એમ નથી, પણ સોના-ચાંદીનાં ફન્ડામેન્ટ‍્લ્સ જોયાં પછી સોનાના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ એક લાખ રૂપિયાને પાર કરી જાય તો નવાઈ પામવા જેવું કશું જ નથી. ચાંદીમાં પણ સોના જેવી જ તેજી જોવા મળે એવી શક્યતા દેખાઈ રહી છે. 

જગત જમાદાર અમેરિકાની હિલચાલ નિર્ણાયક

સમગ્ર વિશ્વમાં સોનાના ભાવ ડૉલરમાં બોલાય છે. કોઈ દેશમાં સોનું ભલે સ્થાનિક કરન્સીમાં લેવાતું કે વેચાતું હોય, પણ દરેક દેશની સોના-ચાંદીની ખરીદી હંમેશાં ડૉલરમાં થાય છે અને સોનાના બેન્ચમાર્ક ભાવ પણ ડૉલરમાં બોલાય છે. વર્ષોથી એક શિરસ્તો રહ્યો છે કે ડૉલર મજબૂત થાય તો સોનું ઘટે અને ડૉલર નબળો પડે ત્યારે સોનું વધે. અમેરિકી ડૉલર ૨૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો ત્યારે સોનાનો ભાવ ઘટીને ૧૬૦૦ ડૉલરથી નીચે ગયો હતો. ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૧૪ પૉઇન્ટ થયો હતો, જે અત્યારે ૧૦૧ પૉઇન્ટે પહોંચ્યો છે. સોનું ૨૦૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયું છે અને ઝડપથી ૨૧૦૦ ડૉલરની સપાટીને પાર કરવા જઈ રહ્યું છે. અમેરિકાની સેન્ટ્રલ બૅન્ક કે જેને ફેડ કહે છે. ફેડે માર્ચ ૨૦૨૨થી વ્યાજદરમાં વધારો કરવાનું ચાલુ કર્યું છે અને ગયા સપ્તાહે વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો એ સતત દસમો વ્યાજદર વધારો હતો. અમેરિકાએ વ્યાજદરમાં વધારો કર્યો ત્યારે બેન્ચમાર્ક વ્યાજદર ૦.૨૫ ટકા હતા, જે વધીને હાલ ૫થી ૫.૫૦ ટકાએ પહોંચી ગયા છે. અમેરિકાએ છેલ્લા ૧૪ મહિનામાં ૧૦ વખત વ્યાજદર વધારો કર્યો, જેમાં ચાર વખત ૦.૫૦ ટકા, ચાર વખત ૦.૭૫ ટકા અને બે વખત ૦.૨૫ ટકા વ્યાજદર વધાર્યા હતા. ફેડે ફુગાવાને કાબૂમાં લાવવા વ્યાજદરમાં સતત વધારો કર્યો હતો. અમેરિકાનો ફુગાવો ગઈ જુલાઈમાં વધીને ૯.૨ ટકાએ પહોંચ્યો હતો એ ઘટીને માર્ચમાં પાંચ ટકાએ પહોંચ્યો છે, છતાં હજી ફુગાવો ફેડના બે ટકાના ટાર્ગેટથી અઢી ગણો હોવાથી ફેડને હજી પણ વ્યાજદર વધારવા છે, પણ ફેડે એકધારા વ્યાજદર વધાર્યા એમાં અમેરિકાની બૅન્કો એક પછી એક કાચી પડવા લાગી, એને કારણે હવે ફેડને વ્યાજદર વધારાને રોકવા પડે એમ હોવાથી ડૉલર પણ ઘટી રહ્યો છે અને જ્યારે ડૉલર ઘટે ત્યારે સોનામાં તેજી જોવા મળે છે. જોવાની ખૂબી એ છે કે ફેડે હજી વ્યાજદર વધારાને બ્રેક મારવાની શક્યતા બતાવી છે, વ્યાજદર વધારાને બ્રેક લગાવી નથી. આથી જ્યારે ફેડ વ્યાજદર વધારાના વાસ્તવમાં બ્રેક લગાવશે ત્યારે સોનામાં મોટી તેજી જોવા મળશે. ફેડને આજે નહીં તો કાલે, વ્યાજદર વધારાને બ્રેક લગાવવી જ પડશે અને વ્યાજદરને જેમ વધાર્યા એમ ઘટાડવા પણ પડશે. જ્યારે ફેડ વ્યાજદર વધારાને બ્રેક લગાવશે ત્યારે સોનામાં રિયલ તેજીની શરૂઆત થશે અને ત્યાર બાદ ફેડ વ્યાજદર ઘટાડવાનું ચાલુ કરશે ત્યારે સોનું તેજીના ચોથા ગિયરમાં સડસડાટ ઊંચે જવા લાગશે. આ બધો ખેલ આગામી છથી આઠ મહિનામાં જોવા મળશે. 

ડૉલરના આધિપત્યને ખતમ કરવા અનેક દેશો મેદાનમાં 

અમેરિકન ડૉલરનું આધિપત્ય વર્ષોથી ચાલ્યું આવે છે. કોઈ પણ દેશ બીજા દેશ સાથે વેપાર કરે ત્યારે તમામ સોદા ડૉલરમાં થાય છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયા બાદ રશિયા પર પ્રતિબંધ મૂકવામાં અમેરિકાએ દાદાગીરી શરૂ કરતાં અને અમેરિકાને સાથ આપવા યુરોપિયન દેશો, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, કૅનેડા વગેરેએ સિન્ડિકેટ કરતાં રશિયા અને અનેક દેશોએ ડૉલરનું આધિપત્ય ખતમ કરવાનું બીડું ઝડપ્યું છે. ચીન છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ડૉલરનું આધિપત્ય ખતમ કરવા પ્રયત્નશીલ છે, પણ ચીનને જોઈએ એવી સફળતા મળી નથી, પણ હવે રશિયાએ પણ ચીનને સાથ આપતાં અને ભારતે પણ ડૉલરને બદલે અનેક દેશો સાથે સ્થાનિક કરન્સીમાં વેપાર કરવાનું ચાલુ કરતાં ડૉલરનું આધિપત્ય ખતમ થવાની શરૂઆત થઈ ચૂકી છે. ભારત સાથે રૂપીમાં વેપાર કરવા અઢાર દેશોએ પહેલ કરી છે. એ જ રીતે ટર્કી, ઇજિપ્ત, સિરિયા, ઈરાન, ઇરાક અને રશિયન સમૂહના અનેક દેશોએ પણ એકબીજા દેશોની સ્થાનિક કરન્સીમાં વેપાર કરવાની શરૂઆત કરીને એક નવો ટ્રેન્ડ બનાવવાનો શરૂ કર્યો છે. આવો ટ્રેન્ડ જેમ આગળ વધશે એમ ડૉલર નબળો પડતો જશે અને સોનામાં તેજીનો ટ્રેન્ડ વધુ મજબૂત થતો જોવા મળશે. 

અમેરિકાની દાદાગીરી ખતમ કરવા સોનું ખરીદવાની હોડ

અમેરિકા પાસે વિશ્વમાં સૌથી વધુ સોનાના ભંડારો છે, જેને કારણે અમેરિકા આજે તમામ દેશો પર દાદાગીરી કરે છે. વળી અમેરિકાના પડખે ઊભા રહેનારા તમામ દેશો પાસે પણ સોનાના મોટા ભંડારો છે. સોનાના સૌથી વધુ રિઝર્વ રાખનારા દેશોમાં અમેરિકા અને એના સાથી દેશો આવતાં હવે ચીન, રશિયા અને ભારતે ધીમે-ધીમે સોનાની ખરીદી કરીને રિઝર્વને મજબૂત કરવાનું ચાલુ કર્યું છે. આ ત્રણ દેશો ઉપરાંત અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કોએ છેલ્લાં બે વર્ષથી સોનાની ખરીદી ચાલુ કરી છે, જેમાં રશિયા અને ચીનનો ફાળો સૌથી મોટો છે. ૨૦૨૦થી ૨૦૨૨ સુધી રશિયાની સેન્ટ્રલ બૅન્ક સોનાની સૌથી મોટી ખરીદદાર હતી, પણ નવેમ્બર મહિનાથી ચીન દર મહિને સોનાની ખરીદી કરીને રિઝર્વ વધારી રહ્યું છે. નવેમ્બરથી માર્ચ સુધીમાં ચીને ૧૨૦ ટન સોનાની ખરીદી કરી છે અને એપ્રિલ-મેમાં પણ ચીને ખરીદી ચાલુ રાખી હોવાના સંકેત છે. એપ્રિલ-મેમાં ચીને કેટલી ખરીદી કરી એ ડેટા આવવાના બાકી છે. ભારત, રશિયા, કઝાકિસ્તાન, ટર્કી અને અન્ય દેશો પણ સોનાની ખરીદી સતત કરી રહ્યા છે. ૨૦૨૨માં વિશ્વના અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી છેલ્લાં ૫૫ વર્ષની સૌથી ઊંચી રહી હતી. આમ, બૅન્કોની સતત વધતી ખરીદી પણ સોનાની તેજીને આગળ ધપાવશે. 

ભારત-ચીનના લોકોની ખરીદી મોટો ભાગ ભજવશે

વિશ્વમાં સોનાના કુલ વપરાશનો અડધો વપરાશ ભારત અને ચીન માત્ર બે જ દેશો કરે છે. ભારત અને ચીનમાં સોનાની જ્વેલરીની ખરીદીનો ક્રેઝ આદિ પુરાણકાળથી ચાલ્યો આવે છે. આ ટ્રેન્ડને હવે કોઈ રોકી શકે એમ નથી. ભારત અને ચીન બન્ને દેશોનો આર્થિક વિકાસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. ભારત અને ચીનની વસ્તી પણ હવે લગોલગ પહોંચી ગઈ છે ત્યારે આ બન્ને દેશોની ખરીદી પણ સોનાની તેજીમાં મહત્ત્વનો ભાગ ભજવશે. હવે કોરોના સમાપ્ત થઈ ચૂક્યો છે. આથી તમામ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે અને પ્રસંગો સોનાની ખરીદી વગર ઉજવાતા નથી. આથી સોનાની તેજી પણ ધામધૂમથી આગળ વધશે. 

business news commodity market