ટ્રમ્પના વાઇટ હાઉસ પ્રવેશ સમયે સોના-ચાંદીમાં મજબૂતીનો માહોલ

21 January, 2025 07:23 AM IST  |  Mumbai | Mayur Mehta

જપાન દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાની શક્યતાએ ડૉલર ઘટતાં સોના-ચાંદીમાં ખરીદી વધી

પ્રતીકાત્મક તસવીર

ડોનલ્ડ ટ્રમ્પના વાઇટ હાઉસ પ્રવેશના સમારંભના સમયે સોના-ચાંદીમાં મજબૂતીનો માહોલ જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૭૧૨.૮૦ ડૉલર અને ચાંદી વધીને ૩૦.૫૭ ડૉલરે પહોંચ્યાં હતાં.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૬ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૨૦ રૂપિયા ઘટ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ડોનલ્ડ ટ્રમ્પના સત્તાગ્રહણ સમારોહ પહેલાં ડૉલર ઇન્ડેક્સ ૦.૩૨ ટકા ઘટીને ૧૦૯.૦૩ પૉઇન્ટે પહોંચ્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ ટૅરિફ, ઇમિગ્રેશન, ટૅક્સ કટ અને રેગ્યુલેશન બાબતે અનેક નિર્ણયોની જાહેરાત કરે એવી શક્યતાને પગલે ડૉલર ઇન્ડેક્સમાં પ્રૉફિટ-બુકિંગ પણ જોવા મળ્યું હતું. અમેરિકાનું કોર ઇન્ફ્લેશન ઘટ્યા બાદ બૅન્ક ઑફ જપાનની ચાલુ સપ્તાહે શુક્રવારે યોજાનારી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો વધારો થવાની શક્યતાએ ડૉલર પર દબાણ વધ્યું હતું.

ચીનની સેન્ટ્રલ બૅન્કે લૅ​ન્ડિંગ રેટ સતત ત્રીજે મહિને જાન્યુઆરીમાં યથાવત્ રાખ્યા હતા. એક વર્ષના લોન પ્રાઇમ-રેટ ૩.૧ ટકા અને પાંચ વર્ષના પ્રાઇમ લોન-રેટ ૩.૬ ટકા જાળવી રાખ્યા હતા. ૨૦૨૪માં જુલાઈ અને ઑક્ટોબરમાં બે વખત લૅ​ન્ડિંગ-રેટમાં ઘટાડો કર્યા બાદ રેટ જાળવી રાખવામાં આવ્યા હતા.

જપાનના મશીનરી ઑર્ડર નવેમ્બરમાં ૩.૪ ટકા વધીને નવ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. જપાનનું ઇન્ફ્લેશન વધીને આવ્યા બાદ ઇકૉનૉમિક ઍ​ક્ટિવિટી સતત પૉઝિટિવ ઝોનમાં હોવાથી ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટેનું ગ્રાઉન્ડ તૈયાર થઈ રહ્યું છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા પંદર મહિનાથી ચાલી રહેલા યુદ્ધ-સમાપ્તિની શરૂઆત થઈ ચૂકી છે અને રવિવારે ઇઝરાયલે ૯૦ પૅલેસ્ટીન બંધકોને મુક્ત કર્યા હતા એની સામે ગાઝાથી હમાસે ત્રણ બંધકોને મુક્ત કર્યા હતા. કતર, ઇજિપ્ત અને અમેરિકાની સફળ દરમ્યાનગીરી બાદ બન્ને પક્ષે બંધકો મુક્ત કરવા સમજૂતી-કરાર થતાં યુદ્ધ-સમાપ્તિની ઘોષણા કરવામાં આવી હતી.

ચાલુ સપ્તાહે મહત્ત્વની ઘટનાઓમાં બૅન્ક ઑફ જપાનની શુક્રવારે યોજાનારી પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટનો નિર્ણય છે. ગયા સપ્તાહે બૅન્ક ઑફ જપાનના ગવર્નર કાજુઓ ઉડા અને ડેપ્યુટી ગવર્નર રેયોઝો હિમિનોએ ઇન્ટરેસ્ટ રેટમાં વધારાનો સંકેત આપ્યા બાદ માર્કેટની ધારણા છે કે બૅન્ક ઑફ જપાન ૨૦૨૪માં બે વખત ઇન્ટરેસ્ટ વધાર્યા બાદ ચાલુ સપ્તાહે પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ વધારો કરશે. ચાલુ સપ્તાહે યુરો એરિયા, બ્રિટન, ભારત અને જપાનના પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથડેટા જાહેર થશે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

ટ્રમ્પનો પ્રેસિડન્ટકાળ શરૂ થાય એ પહેલાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા પંદર મહિનાથી ચાલતું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું છે. હવે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૩૫ મહિનાથી ચાલી રહેલા યુદ્ધની સમાપ્તિનું પ્લૅટફૉર્મ તૈયાર થઈ રહ્યું છે. ટ્રમ્પ નાક દબાવીને કામ કઢાવવા માટે જાણીતા હોવાથી રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો લાદ્યા બાદ યુદ્ધ સમાપ્ત કરવાની શરતે થોડા પ્રતિબંધો હળવા કરવા તૈયાર થાય એવું પ્લૅટફૉર્મ તૈયાર થઈ રહ્યું છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ સમાપ્ત થતાં જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ સોના-ચાંદીને મળતો ઓછો થશે એમાં રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થશે તો સપોર્ટ વધુ ઘટશે. સોના-ચાંદીને તેજી હવે માત્ર ને માત્ર ટ્રમ્પની પૉલિસીને કારણે ઊભા થનારા ટેન્શન પર આધારિત રહેશે.

business news gold silver price commodity market donald trump