22 October, 2024 09:02 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
દશેરા અને દિવાળીના તહેવારોની સીઝનને કારણે ડિમાન્ડમાં ઉછાળો આવતાં મુંબઈમાં છેલ્લા બે દિવસથી સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો હતો. ગઈ કાલે પહેલી વાર સોનું ૮૦,૦૦૦ રૂપિયાને પાર કરી ગયું હતું. ગઈ કાલે બુલિયન માર્કેટમાં ૨૪ કૅરૅટના ૧૦ ગ્રામ સોના (૯૯.૯ ટકા પ્યૉરિટી)ના ભાવ ૮૦,૨૮૫ રૂપિયા થઈ ગયા હતા. એ જ પ્રમાણે ચાંદીએ પણ ગઈ કાલે પહેલી વાર એક કિલોના ૧,૦૦,૦૦૦ રૂપિયાનો માઇલસ્ટોન ગણાતો માર્ક વટાવી દીધો હતો.
MCXમાં ગઈ કાલે સવારે સોનું ૧૦ ગ્રામના ૭૮,૧૯૬ રૂપિયાના ભાવે ખૂલ્યું હતું, જ્યારે ચાંદીમાં ૯૮,૨૪૪ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ બોલાયો હતો. એ પછી દિવસ દરમ્યાન ભાવમાં ઉછાળો આવ્યો હતો. હવે દિવાળીએ એ શું ટૉપ બનાવે છે એના પર રોકાણકારોની નજર છે. ધનતેરસ અને દિવાળી-લક્ષ્મીપૂજનના દિવસે પણ આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે અને ભાવ વધતા જ રહેશે એવું હાલના સ્તરે જણાઈ રહ્યું હોવાનું બુલિયન માર્કેટના એક વેપારીએ જણાવ્યું હતું.
સોના-ચાંદીના ભાવ વધવા પાછળ હાલ તો તહેવારો અને યુદ્ધ મુખ્ય કારણો છે. ખાસ કરીને યુદ્ધ અને ત્યાર બાદનો સમય માર્કેટ માટે વૉલેટાઇલ હોય છે એટલે એવા સમયે ઇન્વેસ્ટરો માર્કેટમાં રોકાણ કરવા કરતાં સોનામાં રોકાણ કરવાનું પ્રિફર કરતા હોય છે. એથી તેમના દ્વારા અને ફૉરેન ફન્ડ પણ એ તરફ વળતાં સોનાના ભાવમાં ધીમો પણ સતત વધારો જોવા મળ્યો હતો.
મહારાષ્ટ્ર રાજ્ય સરાફા સુવર્ણકાર મહામંડળ અને પુણે સરાફા અસોસિએશનના પ્રેસિડન્ટ ફતેહચંદ રાંકાએ આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે ‘દશેરા-દિવાળીએ શુભ મુરત હોવાથી લોકો સોનું ખરીદતા જ હોય છે. ભાવ વધી ગયા હોય તો થોડી ક્વૉન્ટિટી ઓછી કરી નાખે, પણ લે તો ખરા જ. એથી ડિમાન્ડ તો રહેવાની જ છે. બીજું, હાલ યુદ્ધને કારણે વિશ્વના ઘણા દેશો અગમચેતી વાપરીને સોનું ખરીદી રહ્યા છે. ત્રીજું, ડૉલરનો ભાવ વધી ગયો છે અને એની સામે રૂપિયાનું ડીવૅલ્યુએશન થયું છે. સાઉથ આફ્રિકા સહિતની જે કન્ટ્રીઓ સોનું સપ્લાય કરે છે ત્યાંથી જ ભાવ વધીને આવે છે. એથી જ્યારે એ ઇન્ડિયામાં પહોંચે છે ત્યારે લેન્ડિંગ કૉસ્ટ વધીને આવતી હોય છે. રવિવારે સોનાનો ૭૮,૦૦૦ રૂપિયા ભાવ હતો, પણ એક જ દિવસમાં એ ૮૦,૦૦૦ વટાવી ગયો છે. દિવાળી સારી જશે એની ના નહીં, પણ દિવાળીના દિવસે શું ભાવ હશે એ અત્યારે કહેવું યોગ્ય નહીં ગણાય.’