03 April, 2023 03:06 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતિકાત્મક તસવીર
‘ઝંડા ઊંચા રહે હમારા’ વર્ષોથી દરેક ભારતીયના ઘરે-ઘરે ગુંજતા આ ગીતને ખરા અર્થમાં સાર્થકતા મળે એવી સિદ્ધિ તરફ ભારત ઝડપથી આગેકદમ માંડી રહ્યું છે. જગત જમાદાર અમેરિકાના ડૉલરનું વર્ચસ સતત વધી રહ્યું હોવાથી ડૉલર વગર ભારત સાથે કોઈ દેશ વેપાર કરી શકતો નથી, પણ બહુ જ ટૂંકા ગાળામાં આ બાબત હવે ભૂતકાળ બની જવા તરફ જઈ રહી છે. તાજેતરમાં મલેશિયા અને ભારત વચ્ચે વેપાર કરવાની છૂટ મળ્યા બાદ હવે ભારતનો વેપાર અઢાર દેશો સાથે આપણી કરન્સી રૂપિયા થકી થશે. આ અઢાર દેશોમાં બોસ્તવાના, ફિજી, જર્મની, ગયાના, ઇઝરાયલ, કેન્યા, મલેશિયા, મૉરિશ્યસ, મ્યાનમાર (બર્મા), ન્યુ ઝીલૅન્ડ, ઓમાન, રશિયા, સેશેલ્સ, સિંગાપોર, શ્રીલંકા, ટાન્ઝાનિયા, યુગાન્ડા અને બ્રિટનનો સમાવેશ થાય છે. રશિયા, બ્રિટન અને જર્મની સાથે રૂપિયામાં ટ્રેડ થતાં ભારતીય વેપાર-ઉદ્યોગને મોટો ફાયદો થશે. આ સિવાયના દેશો સાથે પણ વેપારથી ફાયદો થશે.
રૂપી વેપારથી અનેક પ્રકારના ફાયદા થશે
ભારત દર વર્ષે વિશ્વના દેશો સાથે ૧૦૬૦થી ૧૧૦૦ અબજ ડૉલરનો વેપાર દર વર્ષે કરે છે, જેમાં ૪૨૦થી ૪૩૦ અબજ ડૉલરની ભારતની નિકાસ થાય છે અને ૬૬૦થી ૬૭૫ અબજ ડૉલરની આયાત ભારત કરે છે. આટલો મોટો વેપાર અનેક દેશો સાથે થઈ રહ્યો હોવાથી અને એ પણ ડૉલર કરન્સીમાં થઈ રહ્યો હોવાથી અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત હવે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું રાષ્ટ્ર બની રહ્યું હોવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. ભારત વિશ્વની બીજા ક્રમની ૧૪૦ કરોડની વસ્તી ધરાવતો દેશ હોવાથી સ્વાભાવિકપણે અનેક દેશોની કંપનીઓ માટે ભારતીય માર્કેટ સૌથી મોટું ગ્રાહક છે, આથી વિદેશ-વેપારમાં અનેકગણી વૃદ્ધિ થવાની શક્યતાઓ વધી રહી છે. ૧૮ દેશોમાં રૂપિયાનું ટ્રેડ થવાથી ટ્રેડ રિલેટેડ ટ્રાન્ઝૅક્શન કૉસ્ટ ઘટશે અને કરન્સી મિસમૅચ તેમ જ એક્સચેન્જ રેટનું રિસ્ક ઓછું થશે, જેનાથી ભારતનો વેપાર અનેકગણો વધવાની શક્યતા છે. ભારતની વેપારખાધ સતત વધતી રહે છે, જેને કારણે ભારત સરકારને વારંવાર અનેક ચીજોની આયાત પર પ્રતિબંધ મૂકવો પડી રહ્યો છે. રુપી-ટ્રેડથી ભવિષ્યમાં વેપારખાધ ઓછી થતાં વિદેશ-વેપારનાં નિયંત્રણો દૂર થશે, ખાસ કરીને સોના-ચાંદી સહિતની કીમતી ધાતુઓ અને હીરાના વેપારમાં સરકારી નિયંત્રણો દૂર થવાનો રસ્તો સાફ થશે. ભારતની વેપારખાધ ૨૦૨૦-૨૧માં ૮૭.૫ ટકા વધીને ૧૯૨.૧૧ અબજ ડૉલરે પહોંચી હતી જે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ફેબ્રુઆરીમાં વધીને ૨૪૮ અબજ ડૉલરે પહોંચી છે. વેપારખાધનો સતત વધારો અટકાવવામાં રૂપી-ટ્રેડ ફાયદો કરાવશે.
પાંચ ટ્રિલ્યન ડૉલર ઇકૉનૉમીના લક્ષ્યની નજીક પહોંચીશું
ભારતીય રૂપિયામાં વેપાર થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પાંચ ટ્રિલ્યન ડૉલર (લાખ કરોડ રૂપિયા)ની ઇકૉનૉમીનું સપનું ઝડપથી સાકાર થશે અને ભારતનું સ્થાન ટોચના અર્થતંત્રમાં ઝડપથી આગળ વધશે. અત્યારે ભારત ટોચના અર્થતંત્રમાં અમેરિકા, ચીન, જપાન, જર્મની પછી પાંચમું સ્થાન ધરાવે છે. ગયા વર્ષે ભારતે છઠ્ઠા સ્થાનમાંથી પાંચમું સ્થાન હાંસલ કર્યું છે. હાલ ભારતીય અર્થતંત્રનું કદ ૩.૪૬ ટ્રિલ્યન ડૉલરનું છે. ભારતના અર્થતંત્રના કદને પાંચ ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. અઢાર દેશો સાથે રૂપી-ટ્રેડની મંજૂરી મળી છે, જેમાં ત્રણ દેશોના અર્થતંત્રનાં કદ ટોચનાં દસ સ્થાનોમાં છે. જર્મની, રશિયા અને બ્રિટન સાથે હવેથી તમામ વેપાર રુપી કરન્સીમાં થશે. આ ઉપરાંત ભારતના ટૉપ લેવલના દસ વેપાર-પાર્ટનરમાંથી ત્રણ પાર્ટનર યુએઈ, સિંગાપોર અને રશિયા સાથે હવે રૂપી કરન્સીમાં વેપારો થશે. રશિયા સાથેના વેપારો છેલ્લા એક વર્ષમાં પાંચ ગણા વધ્યા છે. છેલ્લા એક વર્ષથી રશિયાનું સ્થાન ભારતના ટૉપ દસ ટ્રેડ-પાર્ટનરમાં સામેલ થયું છે. યુએઈ ભારતનું ત્રીજા ક્રમનું અમેરિકા અને ચીન પછીનું ટ્રેડ-પાર્ટનર છે અને સિંગાપોર છઠ્ઠા ક્રમનું ટ્રેડ-પાર્ટનર છે ત્યાર બાદ રશિયાનો ક્રમ આવે છે.
ફાઇનૅન્શિયલ માર્કેટને રૂપી-ટ્રેડથી મોટો ફાયદો થશે
ભારતીય શૅરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો મોટે પાયે રોકાણ કરતાં આવ્યા છે. એશિયન ડેવલપમેન્ટ બૅન્કના ૨૦૧૪ના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું હતું કે જો ભારતનું અનેક દેશો સાથે રૂપી-ટ્રેડ થશે તો ભારતીય ફાઇનૅન્શિયલ માર્કેટને મોટો ફાયદો થશે. ફાઇનૅન્શિયલ માર્કેટનો કરન્સી મિસમૅચનો ભાર હળવો થશે જેને કારણે વિદેશી રોકાણકારોને ભારતમાં નાણાંનું રોકાણ કરવું વધુ સરળ બનશે, જેને કારણે ભારતીય ફાઇનૅન્શિયલ માર્કેટનો વિકાસ હરણફાળ ભરશે. ભારતીય શૅરબજારની ઊથલપાથલમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો હંમેશાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે ત્યારે રૂપી-ટ્રેડ જે અઢાર દેશો સાથે હવે થશે એ દેશોને રોકાણકારોને ભારતીય ફાઇનૅન્શિયલ માર્કેટમાં રોકાણ કરવા માટે સરળતા વધશે, જેનાથી અહીં વિદેશી રોકાણ વધશે.
ભારતમાં વિદેશી રોકાણ વધવાનો માર્ગ સરળ બનશે
ભારત ઝડપથી વિકસતું રાષ્ટ્ર હોવાથી દુનિયાના અનેક દેશોને ભારતીય કંપનીઓમાં રોકાણ કરવાનું ભારે આકર્ષણ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના જટીલ કાયદાઓનું સરળીકરણ કરતાં વિદેશી કંપનીઓને હવે ભારતમાં રોકાણ કરવા માટે રસ વધ્યો છે. આગામી દિવસોમાં ભારતમાં વિદેશી રોકાણ (એફડીઆઇ) અનેકગણું વધશે. ભારતમાં ૨૦૨૧-૨૨માં ૮૪.૮૪ અબજ ડૉલરનું વિદેશી રોકાણ આવ્યું હતું જે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં વધીને ૪૨.૮૬ અબજ ડૉલરે પહોંચ્યું હતું. ગયા વર્ષે પ્રથમ છ મહિનામાં વિદેશી રોકાણ ૩૯ અબજ ડૉલર હતું. કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે વિદેશી રોકાણનો પ્રવાહ સતત વધતો રહેવો જરૂરી છે. હવે ૧૮ દેશો સાથે રૂપી વ્યવહાર ચાલુ થતાં એ વધશે.
કૃષિ પેદાશોની નિકાસ વધશે, આયાત-ખર્ચ ઘટશે
ભારતના આર્થિક કદ (જીડીપી-ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં કૃષિ સેક્ટરનો ફાળો ૨૦ ટકા કરતાં વધારે છે જે અનેક દેશોની સરખામણીમાં ઘણો વધારે છે. ભારતની ૬૦ ટકા વસ્તી કૃષિ સેક્ટર સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલી છે. ખાસ કરીને ભારતની કુલ આયાતમાં ત્રીજો ક્રમ ખાદ્ય તેલોની આયાતનો છે, જેમાં આપણે મલેશિયાથી જંગી માત્રામાં દર વર્ષે પામતેલની આયાત કરીએ છીએ. મલેશિયા સાથે રૂપી-ટ્રેડ થતાં ઇન્ડોનેશિયા સાથે પણ આપણે ટૂંક સમયમાં રૂપી-ટ્રેડ શરૂ કરી શકીશું અને ભારતીય પામતેલની આયાત સસ્તી થશે. યુએઈ અને સિંગાપોરમાં ભારતની ઍગ્રિકલ્ચર પ્રોડક્ટની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. આ બન્ને દેશો સાથે રૂપી-ટ્રેડ શરૂ થતાં નિકાસનો ખર્ચ ઘટશે અને કરન્સી મિસમૅચ પણ ઘટશે. આમ રૂપી-ટ્રેડથી કૃષિ પેદાશોની નિકાસને ફાયદો થશે અને આયાત ખર્ચ ઘટશે.