10 January, 2023 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વૈશ્વિક ઘઉંના ભાવમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વૈશ્વિક બજાર માટે બેન્ચમાર્ક ગણાતા શિકાગો ઘઉંના ભાવમાં વિતેલા સપ્તાહમાં છેલ્લા છ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો હતો.
ઘઉંના ભાવમાં ઘટાડો થવાનું કારણ જણાવતાં ઍનૅલિસ્ટો કહે છે કે સરેરાશ કાળા સમુદ્રના દેશોમાંથી પુરવઠો વધ્યો હોવાથી ઘઉંના ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ૦.૭ ટકા વધીને ૭.૫૨ ડૉલર પ્રતિ બુશેલની સપાટી પર પહોંચ્યો હતો. ઘઉંના ભાવમાં વીતેલા સપ્તાહમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જે ૧૫મી જુલાઈ બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો હતો.
ઘઉં માટે રશિયા અને યુક્રેન તરફથી વિપુલ પ્રમાણમાં ઓછી કિંમતના પુરવઠાની ઉપલબ્ધતા, અન્ય વૈશ્વિક નિકાસકારોને સખત સ્પર્ધા આપી રહી છે, એમ વેપારીઓએ જણાવ્યું હતું.
વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અનાજ-નિકાસકાર ઑસ્ટ્રેલિયામાં વિક્રમી પાકની ધારણાના અહેવાલોએ પણ કિંમતો પર ઘટાડાને ટેકો આપ્યો હતો. વિશ્લેષકો અને વેપારીઓએ જણાવ્યું હતું કે દેશ આગામી મહિનાઓમાં રેકૉર્ડ વૉલ્યુમ મોકલવા માટે તૈયાર છે.
કૉમર્ઝ બૅન્કે કૉમોડિટી રિસર્ચ નોટમાં લખ્યું હતું કે ઘઉંના બજારને ટૂંકા ગાળામાં પૂરતા પ્રમાણમાં પુરવઠો પૂરો મળતો રહેશે, જેને કારણે સરેરાશ ઘઉંના ભાવમાં ઘટાડો થાય એવી ધારણા છે.
વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાથી ભારતીય બજારમાં પણ ઘટાડાની ધારણા છે. સરેરાશ ભારતીય બજારમાં કેન્દ્ર સરકાર ચાલુ સપ્તાહ દરમ્યાન ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત ઘઉંનો ૨૦થી ૩૦ લાખ ટનનો ક્વોટા જાહેર કરે એવી સંભાવના છે અને સરેરાશ સરકાર ક્યાં કેન્દ્રમાં જાહેર કરે છે એના ઉપર બજારનો મોટો આધાર રહેલો છે.
ઘઉંના ભાવ ભારતીય બજારમાં સરેરાશ ક્વિન્ટલના ૨૯૦૦થી ૩૦૦૦ રૂપિયા વચ્ચે સેન્ટરવાઇઝ ચાલે છે, જેમાં આગામી દિવસોમાં ક્વિન્ટલે ૫૦થી ૧૦૦ રૂપિયાની મંદી આવી શકે છે. સરેરાશ ઘઉંની બજારમાં હવે બહુ તેજી થાય એવા સંજોગો દેખાતા નથી. જો સરકાર દ્વારા એફસીઆઇના ઘઉં રિલીઝ કરવામાં નહીં આવે તો સરેરાશ ઘઉંના ભાવમાં સુધારો આવશે, પરંતુ વેપારીઓના કહેવા પ્રમાણે એવી શક્યતા બહુ ઓછી છે. દરમ્યાન દેશમાં ઘઉંનું વાવેતર પણ વિક્રમી ૩૨૫ લાખ હેક્ટરને પાર પહોંચ્યું છે, જેને પગલે નવી સીઝનમાં બમ્પર ઉત્પાદનનો અંદાજ છે. વર્તમાન સંજોગોમાં તમામ રાજ્યોમાં ઘઉંના ઊભા પાકની સ્થિતિ સારી છે અને જો આગામી દિવસોમાં કોઈ વાતાવરણમાં બદલાવ ન આવે તો ઘઉંના પાકમાં ઉતારા સારા આવશે અને બમ્પર પાક થાય એવી પૂરી સંભાવના દેખાઈ રહી છે.