30 December, 2024 09:03 AM IST | Mumbai | Jayesh Chitalia
ડોનલ્ડ ટ્રમ્પ, નિર્મલા સીતારમણ
જાન્યુઆરીમાં અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ સત્તા ગ્રહણ કર્યા બાદ કેવાં પગલાં લે છે, શું સંકેત આપે છે તેમ જ ભારતમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ કેવું બજેટ રજૂ કરે છે અને ફૉરેન-ગ્લોબલ ઇન્વેસ્ટર્સનો રોકાણપ્રવાહ કઈ તરફ અને કેવો વહે છે એના આધારે ભારતીય શૅરબજારની ચાલ નિયત થશે
આગલા સપ્તાહમાં હેવી સેલિંગ-પ્રેશર સાથે માર્કેટમાં હેવી કરેક્શન જોવાયું હતું જે છેલ્લાં બે વર્ષનું સૌથી મોટું વીકલી કરેક્શન હતું અને એક જ સપ્તાહમાં રોકાણકારોની ૧૭ લાખ કરોડ રૂપિયાથી વધુ મૂડીનું ધોવાણ થયું હતું. એ પછી ડિસેમ્બરના આ છેલ્લા-વીતેલા સપ્તાહમાં બજારના કરેક્શનની ગતિ ઘટી એ ખરું, પરંતુ હવે વર્ષ ૨૦૨૫માં શું થશે અને કયાં પરિબળો બજાર પર હાવી રહેશે અને માર્કેટનો મૂડ કેવો ચાલશે એના પર સૌની મીટ મંડાઈ છે.
સૌપ્રથમ જાન્યુઆરી પર નજર કરીએ તો ૨૦ જાન્યુઆરીએ અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ સત્તા ગ્રહણ કરશે. આની પહેલાંના અને પછીના દિવસો વધુ સંવેદનશીલ બનશે. વિવિધ ધારણાઓ-શંકા અને આશા પણ જોર પકડશે. ટ્રમ્પની નીતિવિષયક જાહેરાતો કે નિર્ણયો પર સમગ્ર વિશ્વ મીટ માંડીને બેઠું છે, જેમાં આપણો દેશ સંભવત: વધુ આશાવાદી કહી શકાય. ટ્રમ્પ માટે અમેરિકા ફર્સ્ટનો નારો મહત્ત્વનો હોવાથી તે કયા દેશો સાથેના વેપાર બાબતે કેવા નિયમો તેમ જ ડ્યુટી-સ્ટ્રક્ચર જાહેર કરે છે એ આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે ચર્ચાનો વિષય તો ક્યારનો બની ચૂક્યો હતો, હવે એને આકાર મળવાનો હોવાથી એની અસરનો સામનો કરવા માટે દરેકે તૈયાર રહેવાનું છે. આ સંભવિત અસરો દરેક દેશના અર્થતંત્ર અને માર્કેટને સ્પર્શ કરશે એ નિશ્ચિત છે. ભારત માટે ટ્રમ્પને સૉફ્ટ-કૉર્નર હોવાનું કહેવાય છે, પણ ટ્રમ્પનું ગણિત ભારત માટે પણ ચોક્કસ ગણતરીવાળું હશે એમ માની શકાય. મોટું આશ્વાસન ભારત માટે એ છે કે અમેરિકા ભારતને બહુ હાનિ પહોંચે એવાં પગલાં નહીં ભરે અને ભારત સાથેના વેપાર-સંબંધો વધુ બહેતર કરવાનો અભિગમ રાખશે, કેમ કે અમરિકાને ભારતની વિશાળ બજારની જરૂર છે.
જોકે શૅરબજાર માટે સૌથી મહત્ત્વની બાબત ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII)નો અભિગમ ભારતીય સ્ટૉક્સ માટે કેવો રહેશે એ છે. અમેરિકન સ્ટૉક માર્કેટ બુલિશ બન્યું છે જેને પરિણામે ભારતનાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ પણ અમેરિકન કંપનીઓમાં રોકાણ કરવા વધુ ઉત્સુક બન્યાં છે એમ ગ્લોબલ કે અમેરિકન ઇન્વેસ્ટર્સ પણ અમેરિકા ફર્સ્ટ કરે તો તેમનો રોકાણપ્રવાહ ભારતમાં ઓછો થઈ શકે. ઑક્ટોબરથી ડિસેમ્બરમાં આ ગ્લોબલ રોકાણકારોના ભારે વેચાણને લીધે જ ભારતીય માર્કેટમાં હેવી કરેક્શન આવ્યું હતું.
ટ્રમ્પના આગમન બાદ યુદ્ધનો તનાવ ઓછો થશે એવી આશા વ્યક્ત થાય છે, જે કેટલી સાર્થક નીવડે છે એ જોવાનું રહેશે; કેમ કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિનાં લક્ષણો દેખાતાં નથી. અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરના કપાતના જે સંકેત નવા વર્ષ માટે આપ્યા છે એ નિરાશાજનક કહેવાયા છે. ફુગાવા વિશે હજી અમેરિકામાં ચિંતા છે, જ્યારે જૉબ માર્કેટમાં ફેરફારનાં એંધાણ જોવાશે. રશિયા, યુક્રેન, ચીન, તાઇવાન, સાઉદી અરેબિયા વગેરે દેશો પણ અમેરિકાની ટ્રમ્પ સરકારના આ વખતના તેવર કેવા હશે એના વિશે ચિંતા અને ચિંતનમાં છે.
ભારતીય શૅરબજાર માટે અમેરિકાને બાદ કરતાં ૨૦૨૫નું સૌથી મોટું પરિબળ કે ટ્રિગર ૧ ફેબ્રુઆરીનું બજેટ હશે. આ વખતના બજેટમાં આર્થિક સુધારા સહિતનાં અનેક બોલ્ડ પગલાંની ધારણા છે. મૂડીખર્ચમાં વધારો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકૉનૉમિક ડેવલપમેન્ટને વેગ આપતાં કદમ અને વિદેશી રોકાણને આકર્ષતાં પગલાં તેમ જ કર-સુધારાની નીતિઓ, રાહતો અને પ્રોત્સાહનો કૅપિટલ માર્કેટને વેગ આપનારાં હશે. એક અર્થ એમ થઈ શકે કે હાલ જે પણ કરેક્શન બજારમાં થયું છે અથવા હજી થવાની સંભાવના ઊભી છે એની રિકવરીનો દોર બજેટ બાદ શરૂ થશે એવું અનુમાન છે. યાદ રહે, ભારતનો GDP દર ઊંચે લઈ જવા કેન્દ્ર સરકાર મક્કમ છે અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા કટિબદ્ધ છે; જેથી લૉન્ગ ટર્મ ગ્રોથ સ્ટોરી અકબંધ રહેવાની છે. રોકાણકારોએ આ દૃષ્ટિ સાથે બજાર પર અને સ્ટૉક્સ પર નજર રાખવી જોઈએ. નાણાપ્રધાને આગામી બજેટમાં બિગ ટિિકટ રિફૉર્મ્સ માટેના મજબૂત સંકેત આપ્યા છે, જેમાં આવકવેરા ધારામાં નોંધપાત્ર સુધારા-સરળીકરણ પણ અપેક્ષિત છે. આ રિફૉર્મ્સના ઇશારાને સમજીએ તો લાંબા ગાળાના વિકાસની ગાથા સાથે બજારની તેજીના સંકેતને પણ સમજી શકાય છે. એટલે પણ હાલ બજારમાં જ્યારે પણ કડાકા આવે ત્યારે સારા સ્ટૉક્સ ખરીદવાનો ઉત્તમ સમય છે એવું બેધડક માની શકાય.
૨૦૨૫માં ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)ની પણ કતાર લાગશે. જોકે એનો મોટો આધાર શૅરબજારના ટ્રેન્ડ તેમ જ બજેટના કદમ પર રહેશે. અનેક મોટાં ગ્રુપ પબ્લિક ઇશ્યુ લાવવાની તૈયારીમાં હોવાના અહેવાલ છે, જેમાં તાતા ગ્રુપથી માંડીને અનેક સ્ટાર્ટઅપ્સ પણ હશે. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)નો IPO પણ નિશ્ચિત મનાય છે. વર્તમાન ગ્રે માર્કેટનો ટ્રેન્ડ અત્યારથી એની સાક્ષી પૂરી રહ્યો છે.
૨૦૨૪માં ઇન્વેસ્ટર્સની સંખ્યા જબ્બર વધી
૨૦૨૪માં સેન્સેક્સ એકંદરે ૬૦૦૦ પૉઇન્ટ જેટલો વધ્યો છે, જેણે સપ્ટેમ્બરમાં ૮૬ હજાર નજીકની સર્વોચ્ચ સપાટી બનાવી હતી; જ્યારે નિફટીમાં ૧૭૦૦ પૉઇન્ટ્સ જેટલી વૃદ્ધિ નોંધાઈ છે. ૨૦૨૪ની એક રસપ્રદ વાત એ છે કે આ વર્ષે વળતર ઓછું રહ્યું હોવા છતાં બહુ મોટી સંખ્યામાં નવા રોકાણકારો માર્કેટમાં આવ્યા છે, જેમાં ઑનલાઇન બ્રોકિંગ કંપનીઓમાં ગ્રો નામની કંપનીએ ૨૦૨૩ની તુલનાએ આ વર્ષે પચાસ લાખથી વધુ ઇન્વેસ્ટર્સ-ક્લાયન્ટ્સ મેળવ્યા છે. બીજી કંપની ઝીરોધાએ ૨૦૨૩ના માત્ર બે લાખ સામે ૨૦૨૪માં ૧૪ લાખ નવા રોકાણકારો-ગ્રાહકો પ્રાપ્ત કર્યા છે. એન્જલ વનને આ વર્ષે ચોવીસ લાખ નવા ગ્રાહકો મળ્યા છે.