વૈશ્વિક ખાંડના ભાવ ચાલુ વર્ષે ઊંચા રહેવાની આગાહી

14 February, 2023 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં ઇથેનૉલને પ્રોત્સાહન ખાંડના ઉત્પાદન પર અસર કરશે : વૈશ્વિક ખાંડના ભાવ ઉપરમાં ૨૨ સેન્ટ સુધી પહોંચી શકે

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

વૈશ્વિક ખાંડના ભાવ ચાલુ વર્ષે ઊંચા રહેવાની ધારણા છે. વિશ્વમાં ચાર વર્ષ બાદ ખાંડનો સ્ટૉક સરપ્લસ રહેવાની આગાહી હોવા છતાં બીજાં અનેક કારણોથી ભાવ ઊંચા રહેશે. હાલ કાચી ખાંડના ભાવ છ વર્ષની ઊંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યા છે.

યુરોપિયન યુનિયન અને ભારતમાં નીચા ઉત્પાદન વિશેની ચિંતાને કારણે નજીકના ગાળામાં વૈશ્વિક ખાંડના ભાવ ઊંચા રહેવાની સંભાવના છે, જે કદાચ કાચી ખાંડના ભાવને ૧૯થી ૨૨ સેન્ટ એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે ૩૩૦૭થી ૪૦૩૭  રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વચ્ચે રહી શકે છે. વિશ્લેષકો કહે છે કે બ્રાઝિલ અને થાઇલૅન્ડમાં વધુ ઉત્પાદન હોવા છતાં અમુક અંશે પુરવઠામાં ઘટાડાનું કામ કરી શકે છે. વૈશ્વિક બજારમાં કાચી ખાંડના ભાવ ૨૧.૫૮ સેન્ટ એટલે કે ૩૯૫૦ રૂપિયા પ્રતિ ટન પર ટ્રેડ કરી રહ્યા છે. ખાંડના ભાવમાં છેલ્લા એક મહિનામાં ૧૦ ટકાનો વધારો થયો છે. જોકે બ્રાઝિલમાં ઉત્પાદન આ સીઝનમાં ૭.૬ ટકા વધીને ૩૮૧ લાખ ટન થવાની આગાહી કરવામાં આવી છે અને અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટે દક્ષિણ અમેરિકન રાષ્ટ્રની નિકાસમાં ૮.૭ ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે એમ ફિચ ગ્રુપના એકમ, ફિચ સોલ્યુશન્સ કન્ટ્રી રિસ્ક ઍન્ડ ઇન્ડસ્ટ્રી રિસર્ચે જણાવ્યું હતું.

ફિચ સોલ્યુશન્સે જણાવ્યું હતું કે વૈશ્વિક ખાંડ બજારમાં વધુ નોંધપાત્ર ઘટના એ છે કે ભારતમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો અને નિકાસ પણ હવે બીજા તબક્કામાં ન આવે એવી સંભાવના છે.

આ પણ વાંચો: દેશમાંથી ખાંડની કુલ ૨૭.૮૩ લાખ ટનની નિકાસ સંપન્ન થઈ

ભારતે પહેલા તબક્કામાં ૬૦ લાખ ટનની નિકાસછૂટ આપી છે. બીજી તરફ ફિચે ભારતના ખાંડના ઉત્પાદનનો ૩૫૮ લાખ ટનનો અંદાજ આપતાં ફિચ સોલ્યુશન્સે જણાવ્યું હતું કે સરકાર સંભવતઃ વધારાના નિકાસ વૉલ્યુમને મંજૂરી આપશે નહીં, જેની મોટી અસર થશે.

મેરેક્સે જણાવ્યું હતું કે ખાંડના ભાવનો મોટો આધાર ઇથેનૉલની પેરિટી પર પણ રહેલો છે. હાલમાં ઇથેનૉલમાં ઉત્પાદકનો ખાંડની તુલનાએ પ્રીમિયમ મળે છે, પરિણામે ખાંડનો પુરવઠો ઘટી શકે છે. ભાવનો આધાર ઇથેનૉલ પર હોવાથી ખાંડના ભાવ ૧૯ સેન્ટ અથવા તો ઉપરમાં ૨૨ સેન્ટ સુધી પહોંચી શકે છે. ફિચ સોલ્યુશન્સે જણાવ્યું કે પેટ્રોલના મિશ્રણમાં વધારો કરવા માટેની ભારતની ઇથેનૉલ નીતિ ડાયવર્ઝનને પ્રોત્સાહન આપશે અને એ વૈશ્વિક ખાંડ બજાર માટે તેજીનું કારણ બનશે. અમેરિકન કૃષિ સંસ્થાએ ચાલુ મહિનાના એના માસિક અહેવાલમાં વૈશ્વિક ઉત્પાદન ૨૮ લાખ ટન વધીને ૧૮૩૨ ટન થવાનું અનુમાન લગાવ્યું હતું; જેમાં બ્રાઝિલ, ચીન અને રશિયામાં ઉત્પાદન ભારત અને અન્ય દેશોમાં ઘટાડાને સરભર કરે છે. જોકે તેણે વૈશ્વિક અંતના સ્ટૉક્સ ૫૯.૩ લાખ ટન ઘટીને ૩૮૬ લાખ ટન રહેવાનો અંદાજ મૂક્યો હતો.

business news commodity market