બ્રૉડબેઝ્ડ રૅલીની આગેકૂચ સાથે શૅરબજારમાં સુધારાની હૅટ-ટ્રિક

04 December, 2024 08:16 AM IST  |  Mumbai | Anil Patel

નવા શિખર સાથે પાકિસ્તાની શૅરબજાર એક લાખ પાંચ હજાર પૉઇન્ટ નજીક: ચાઇના નવા સ્ટિમ્યુલસ ડોઝની વેતરણમાં, તમામ એશિયન બજાર વધ્યાં: સિગારેટ પર ૩૫ ટકાનો જીએસટી લાદવાની હિલચાલથી બીડીવાળાના શૅરોમાં તેજી આવી

શૅરબજારની પ્રતીકાત્મક તસવીર

નવા શિખર સાથે પાકિસ્તાની શૅરબજાર એક લાખ પાંચ હજાર પૉઇન્ટ નજીક: ચાઇના નવા સ્ટિમ્યુલસ ડોઝની વેતરણમાં, તમામ એશિયન બજાર વધ્યાં: સિગારેટ પર ૩૫ ટકાનો જીએસટી લાદવાની હિલચાલથી બીડીવાળાના શૅરોમાં તેજી આવી: યુએસ એફડીએની ધાકમાં ગ્રેન્યુઅલ ઇન્ડિયાનો શૅર લથડ્યો, નિવા બુપા તગડા ઉછાળે નવી ટોચે: ઑલટાઇમ થયેલી સ્વિગી પરિણામ પછી ખરડાઈ: સુરક્ષા ડાયગ્નોસ્ટિકનો આઇપીઓ છેલ્લા દિવસે પાર પડ્યો, પ્રીમિયમ બે રૂપિયાનું: NTPC ગ્રીન ૧૦ ટકાની તેજી સાથે નવા બેસ્ટ લેવલે

માઠા સમાચાર સદંતર અવગણીને બજારે સુધારાની હૅટ-ટ્રિક નોંધાવી છે. સેન્સેક્સ મંગળવારે ૫૯૮ પૉઇન્ટ વધીને ૮૦,૮૪૬ તથા નિફ્ટી ૧૮૧ પૉઇન્ટની આગેકૂચમાં ૨૪,૪૫૭ બંધ થયો છે. માર્કેટ આગલા બંધથી ૨૮૧ પૉઇન્ટના ગૅપમાં ઉપર, ૮૦,૫૨૯ ખૂલી તરત નીચામાં ૮૦,૨૪૫ થયું હતું, પરંતુ ત્યાર પછી આખો દિવસ સ્ટ્રૉન્ગ હતું જેમાં સેન્સેક્સ ઉપરમાં ૮૦,૯૪૯ થયો હતો. બન્ને બજારના લગભગ તમામ સેક્ટોરલ વધ્યા છે. FMCG ઇન્ડેક્સ સાધારણ અને નિફ્ટી ફાર્મા નજીવો નરમ હતો. બૅન્ક નિફ્ટી એક ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી અઢી ટકા, નિફ્ટી મીડિયા અઢી ટકા, ફાઇનૅન્સ મેટલ, ઑઇલ અને ગૅસ પાવર, કૅપિટલ ગુડ્સ, યુટિલિટીઝ બેન્ચમાર્ક એકથી સવા ટકા આસપાસ પ્લસ હતા. માર્કેટ બ્રેડ્થમાં મજબૂતી જળવાઈ રહેતાં NSE ખાતે વધેલા ૨૦૪૭ શૅર સામે ૭૭૨ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૩.૮૨ લાખ કરોડના ઉમેરામાં ૪૫૩.૫૨ લાખ કરોડ રૂપિયા થયું છે.

જીડીપી ગ્રોથમાં ધબડકા પછીય બજાર બે દિવસમાં કુલ મળી ૧૦૪૩ પૉઇન્ટ વધ્યું એ માટે વિશ્લેષકો હવે કહે છે કે ગ્રોથ-રેટ નબળો આવશે એ મુદ્દો બજારમાં પહેલેથી ડિસ્કાઉન્ટ થઈ ગયો હતો. ગ્રોથ-રેટ કમજોર રહેશે એવી ધારણા સાર્વત્રિક વહેતી હતી એ વાત ખરી, પરંતુ આ ધારણા એકંદર સાડાછ ટકાની હતી. આના બદલે જીડીપી ગ્રોથ આટલી હદે ગગડશે એની તો કોઈને કલ્પના નહોતી. વિશ્લેષકો ગમે ત્યારે ગમે એ દલીલ કરી શકે છે.

અમેરિકા ખાતે પ્રમુખપદે બિરાજમાન થવાની તારીખ નજીક આવતી જાય છે તેમ-તેમ ટ્રમ્પનાં તોફાન વધતાં જાય છે. રોજેરોજ એક નવી ધમકી દુનિયાને આપવાનું નક્કી કરી લીધું લાગે છે. ડૉલરની અવગણના નહીં કરવાની ધમકી બ્રિક્સ દેશોને આપ્યા પછી હવે હમાસ અને ગાઝાને જોઈ લેવાની ચેતવણી આપી છે. ૨૦ જાન્યુઆરી પહેલાં તમામ યુદ્ધકેદી તેમ જ બાન પકડેલા લોકોને છોડી દો નહીંતર જોઈ લઈશ. આ પ્રકારનાં નિવેદન વિશ્વસ્તરે અશાંતિ અને અજંપામાં વત્તા-ઓછા અંશે વધારો કરશે. આર્થિક વિકાસ દરને સતેજ કરવાનાં પગલાં સાથે નવા સ્ટિમ્યુલસ ડોઝની વિચારણા કરવા ચાઇનીઝ લીડર્સની બેઠક આગામી સપ્તાહે મળવાની છે. એશિયન બજારોનો મંગળવાર સારો ગયો છે. ઇન્ડોનેશિયા બે ટકા, સાઉથ કોરિયા પોણાબે ટકા, થાઇલૅન્ડ તથા તાઇવાન સવા ટકો, જૅપનીઝ નિક્કી બે ટકા નજીક, સિંગાપોર અને હૉન્ગકૉન્ગ એક ટકા નજીક તો ચાઇના અડધા ટકા જેવું મજબૂત બંધ થયું છે. યુરોપ રનિંગમાં સાધારણથી અડધો ટકો પ્લસ હતું. બ્રેન્ટ ક્રૂડ નીચલા મથાળેથી બાઉન્સબૅકમાં એક ટકો વધી ૭૨.૫૦ ડૉલર વટાવી ગયું છે. સોનું પૉઝિટિવ બાયસ સાથે ટકેલું હતું. ચાંદી વાયદો પોણાબે ટકા વધ્યો છે. બિટકૉઇન રનિંગમાં અડધા ટકાના ઘટાડે ૯૫,૨૭૧ ડૉલર દેખાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ સવાબે ટકા વધી ૩.૪૬ લાખ કરોડ ડૉલર થયું છે. પાકિસ્તાની શૅરબજાર રોજેરોજ નવા શિખર સર કરવાની ચાનકમાં છે. ગઈ કાલે કરાચી ઇન્ડેક્સ ૧,૦૪,૬૮૦ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૧૩૩૬ પૉઇન્ટ વધી રનિંગમાં ૧,૦૪,૬૧૧ દેખાયો છે. બાય ધ વે, આર્જેન્ટિનાનો માર્વેલ ઇન્ડેક્સ ૨૩ લાખ પૉઇન્ટની સાવ નજીક, ૨૨,૯૭,૩૫૨ના બેસ્ટ લેવલે જઈ દોઢ ટકો કે ૩૭,૧૩૭ પૉઇન્ટની આગેકૂચમાં ૨૨,૯૫,૪૩૧ બંધ આવ્યો છે.

HDFC બૅન્ક ઑલટાઇમ હાઈ, અદાણી પોર્ટ‍્સ લાઇમ લાઇટમાં
બિઝનેસ આઉટલુક સ્ટ્રૉન્ગ હોવાની થીમ ચાલતાં અદાણી પોર્ટ‍્સ છ ટકાની તેજીમાં ૧૨૮૯ બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ સવાબે ટકા વધી નિફ્ટી ખાતે ૨૫૧૪ વટાવી ગયો હતો. અદાણીના અન્ય શૅરમાં અદાણી વિલ્મર સવા ટકા નજીક, એસીસી અઢી ટકા, અંબુજા સિમેન્ટ્સ પાંચ ટકાથી વધુ, સાંધી ઇન્ડ. બે ટકાથી વધુ તથા NDTV અડધો ટકો પ્લસ હતા. અદાણી પાવર, અદાણી એનર્જી, અદાણી ગ્રીન તથા અદાણી ટોટલ અડધાથી સવા ટકો નરમ હતા.

HDFC બૅન્ક ૧૪૩૭ની ઑલટાઇમ હાઈ બનાવી સવા ટકો વધી ૧૮૨૭ બંધ થયો છે. એના કારણે બજારને સર્વાધિક ૧૪૬ પૉઇન્ટ મળી ગયા હતા. રિલાયન્સ એક ટકો વધી ૧૩૨૩ના બંધમાં બજારને ૮૪ પૉઇન્ટ તો લાર્સન બે ટકા વધી ૩૭૮૩ના બંધમાં ૮૦ પૉઇન્ટ ફળ્યો હતો. વિપ્રો એક્સ બોનસ થતાં નજીવા ઘટાડે ૨૯૨ નજીક રહ્યો છે. NTPC, સ્ટેટ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, શ્રીરામ ફાઇ, ONGC, અલ્ટ્રાટેક, સિપ્લા, ભારત ઇલે., તાતા મોટર્સ જેવી જાતો દોઢથી અઢી ટકા મજબૂત હતી. ભારતી ઍરટેલ ૧.૪ ટકાની નબળાઈમાં બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ લૂઝર બન્યો છે. હીરો મોટોકૉર્પ એક ટકો નરમ હતો.

GSTના રૅશનલાઇઝેશનના નામે સરકાર સિગારેટ, ટબૅકો તથા એરેટેડ ડ્રીન્ક્સ પર ૩૫ ટકાનો નવો સ્લૅબ ઊભો કરી ઊંચા દરે વેરો વસૂલ કરવા સક્રિય બની હોવાના અહેવાલમાં આઇટીસી પોણાબે ગણા વૉલ્યુમમાં નીચામાં ૪૬૩ થઈ એક ટકો ઘટી ૪૭૨ બંધ થયો છે. સંબંધિત ક્ષેત્રના અન્ય શૅરમાં વીએસટી ઇન્ડ. પોણા ટકા નજીક અને ગોલ્ડન ટબૅકો એક ટકો પ્લસ હતા, ગ્રોડફ્રે ફિલિપ્સ ૫૫૭૫ થઈ પોણાબે ટકા ગગડી ૫૬૫૯ રહ્યો છે. વરુણ બિવરેજિસ ૬૦૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૧.૯ ટકા ખરડાઈ ૬૨૧ હતો. સિન્નાર બીડી ઉદ્યોગ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૬૭૦ તથા એનટીસી ઇન્ડસ્ટ્રીઝ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૨૩૬ બંધ હતો. રઘુનાથ ઇન્ટરનૅશનલ સાડાત્રણ ટકા વધીને ૧૫ નજીક સરક્યો છે. સિગારેટ મોંઘી થાય તો બીડીવાળાને જલસા થવાના.

તેજીની ચાલ જાળવી રાખતાં ૬૩ મૂન્સ ૧૧ વર્ષના શિખરે
ગ્રેન્યુઅલ ઇન્ડિયાના તામિલનાડુના ગગીલાપુર પ્લાન્ટને અમેરિકન એફડીએ તરફથી વાંધાજનક લેખાવાયો હોવાના અહેવાલમાં શૅર ૬૨૭ની ઇન્ટ્રા-ડે હાઈથી નવ ગણા વૉલ્યુમે નીચામાં ૫૨૮ થઈ દસ ટકાથી વધુના કડાકામાં ૫૩૪ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે. મૅપમાય ઇન્ડિયા ૯ ટકા કે ૧૫૧ રૂપિયા તથા ઝેન ટેક્નૉલૉઝિસ સવાપાંચ ટકા લથડી હતી. ટેક્સટાઇલ કંપની જિંદલ વર્લ્ડવાઇડ ૨૦ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૮૮ નજીક બંધ આપી ‘એ’ ગ્રુપમાં બેસ્ટ ગેઇનર હતો. HEG લિમિટેડ ૨૩ ગણા વૉલ્યુમે પોણાચૌદ ટકા, ગ્રેફાઇટ ઇન્ડિયા સવાનવ ટકા તો આરએચઆઇ મેગ્નેસિટા સવાછ ટકા ઊચકાયા છે. EPL ૧૦ ટકા નજીકના ઉછાળે ૨૮૫ ઉપર નવા શિખરે બંધ આપ્યો છે.

ઓલા ઇલેક્ટ્રિક સુધારાની આગેકૂચમાં દોઢા વૉલ્યુમે ૧૦૨ નજીક જઈ ૯૮ વટાવી ગયો છે. ૬૩ મૂન્સ તેજીની ચાલમાં ૭૧૭ની ૧૧ વર્ષની નવી ઊંચી સપાટી નોંધાવી અઢી ટકા વધી ૭૦૩ નજીક હતો. પાંચમી જૂનના રોજ અહીં ૩૧૪ની વર્ષની બૉટમ બની હતી. MCX દોઢ ટકાથી વધુ અને BSE એક ટકાથી વધુ નરમ હતા. તાજેતરમાં આઇપીઓ કરનારી સ્વિગી લિમિટેડે ૩૦ ટકાના વધારામાં ૩૬૦૨ કરોડની ત્રિમાસિક આવક મેળવી છે પણ એની ચોખ્ખી ખોટ માત્ર પાંચ ટકા ઘટી ૬૨૬ કરોડ રહી છે. પરિણામ પૂર્વે શૅર ૫૪૨ના બેસ્ટ લેવલે ગયો હતો એ પરિણામ બાદ નીચામાં ૪૮૭ થઈ છેલ્લે સવા ટકા જેવા સુધારામાં ૫૦૧ બંધ થયો છે. વૉલ્યુમ બમણું હતું. ઝોમાટો એક ટકાની નરમાઈમાં ૨૮૦ હતો. વેચાણ નબળું રહેવાનો વસવસો જારી રાખતાં હ્યુન્દાઇ મોટર વધુ પોણાબે ટકા બગડી ૧૮૪૮ દેખાયો છે. મારુતિ સુઝુકી સાતેક રૂપિયાના પરચૂરણ સુધારે ૧૧,૨૪૯ હતો.

બૅન્કિંગના ૪૧માંથી ૩૭ શૅર પ્લસ હતા. યુનિયન બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, જેકે બૅન્ક, RBL બૅન્ક, કર્ણાટકા બૅન્ક, યસ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, પીએનબી ત્રણેક ટકાથી લઈ સવાપાંચ ટકા મજબૂત હતા. આઇટીમાં તાતા ઍલેક્સી પોણાછ ટકા કે ૩૮૫ની તેજીમાં ૮૦૦૦ નજીક પહોંચ્યો છે. ઇન્ફી અને ટીસીએસ અડધો-પોણો ટકો સુધર્યા હતા. ટોરન્ટ પાવરે ૧૫૫૬ રૂપિયાની ફ્લોર પ્રાઇસથી ૫૦૦૦ કરોડનો ક્વીપ ઇશ્યુ લૉન્ચ કરતાં શૅર સાત ટકાના ઉજાસમાં ૧૬૯૮ થયો છે. આરોગ્ય વીમાના પ્રીમિયમ પર GST ઘટાડવાની દરખાસ્તમાં નિવા બુપા હેલ્થ ૮૫ના શિખરે જઈ સવાદસ ટકા ઊછળી ૮૨ થયો છે. સ્ટાર હેલ્થ અને ICICI લોમ્બાર્ડ સાડાત્રણ ટકા પ્લસ હતા. ગોડીજીટ પોણાબે ટકા વધી ૩૫૦ થયો છે.

સીટુસી અને રાજપૂતાનામાં ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો
સુરક્ષા ડાયગ્નોસ્ટિકનો બેના શૅરદીઠ ૪૪૧ની અપર બૅન્ડ સાથે ૮૪૬ કરોડનો આઇપીઓ છેવટે સવા ગણા પ્રતિસાદ સાથે પાર લાગતાં ગ્રે માર્કેટ ખાતે બે રૂપિયાના પ્રીમિયમથી કામકાજ શરૂ થયું છે. જયપુરની અગરવાલ ટફન્ડ ગ્લાસનો શૅરદીઠ ૧૦૮ના ભાવનો ૬૨૬૪ લાખનો SME IPO ગુરુવારે લિસ્ટિંગમાં જશે. પ્રીમિયમ સુધરી ૬ ચાલે છે. ગણેશ ઇન્ફ્રા વર્લ્ડનો પાંચના શૅરદીઠ ૮૩ના ભાવનો ૯૮૫૮ લાખનો SME ઇશ્યુ કુલ ૩૬૯ ગણાથી વધુના રિસ્પૉન્સમાં પૂરો થતાં પ્રીમિયમ વધીને ૭૮ બોલાય છે. ઍપેક્સ ઇકોટેકમાં હાલ ૪૫ અને આભા પાવરમાં ૧૫નું પ્રીમિયમ છે, લિસ્ટિંગ આજે થશે.

સોમવારે લગભગ ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન આપનારી અમદાવાદી રાજેશ પાવર ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૭૦૨ નજીક નવી ટોચે બંધ હતો. રાજપૂતાના બાયોડીઝલનો ૧૦ના શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૧૩૫ના પ્રીમિયમવાળો SME ઇશ્યુ મંગળવારે ૨૪૭ ખૂલી શૅરદીઠ ૧૨૯ રૂપિયા કે લગભગ ૧૦૦ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૨૫૯ ઉપર બંધ રહ્યો છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી જાતોમાં ઝિન્કા લૉજિસ્ટિક્સ આગલા દિવસની ૨૦ ટકાની તેજી પછી વળતા દિવસે ૩૪૧ના શિખરે જઈ બમણા વૉલ્યુમે દોઢ ટકો ઘટી ૩૨૦ બંધ આવ્યો છે. NTPC ગ્રીન એનર્જી ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪૨ના બેસ્ટ લેવલે ગયો છે. તો લેમોસેઇક ઇન્ડિયા નબળા લિસ્ટિંગ બાદ નીચલી સર્કિટની હારમાળામાં પાંચ ટકા તૂટી ૧૫૫ના તળિયે રહ્યો છે. એન્વીરો ઇન્ફ્રા ઉપરમાં ૨૬૪ નજીકની ટૉપ બનાવી પોણાસોળ ટકાની છલાંગ મારીને ૨૫૮ થયો છે. વિવાદાસ્પદ બનેલી સીટુસી ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સ ૧૦ના શૅરદીઠ ૨૨૬ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટ ખાતે ૨૪૦ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૪૨૯ ખૂલી ૪૫૧ નજીક બંધ થતાં એમાં પણ આશરે ૧૦૦ ટકાનો કે શૅરદીઠ ૨૨૫ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન છૂટી ગયો છે. ચેન્નઈની એફકૉમ હોલ્ડિંગ્સ ઑગસ્ટના આરંભે શૅરદીઠ ૧૦૮ના ભાવે ૭૩૮૩ લાખનો SME IPO લાવી હતી. શૅર લિસ્ટિંગ બાદ વધતો રહી ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૭૩૩ નજીકની ટોચે બંધ થયો છે.

share market stock market nifty sensex gdp brics donald trump pakistan business news