બૅન્કિંગની આગેવાની હેઠળ સેન્સેક્સ ૪૨૭ પૉઇન્ટ ઘટી ૮૦ની અંદર

31 October, 2024 07:43 AM IST  |  Mumbai | Anil Patel

પાકિસ્તાની શૅરબજાર ૯૧,૮૭૩ની નવી વિક્રમી સપાટી બનાવી ૫૫૬ પૉઇન્ટના ઘટાડે ૯૦,૩૦૮ બંધ: વિશ્વબજારમાં સોનું નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું, બિટકૉઇનમાં ૭૩,૦૦૦ ડૉલરનું લેવલ જોવા મળ્યું

શેરબજારની પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાની શૅરબજાર ૯૧,૮૭૩ની નવી વિક્રમી સપાટી બનાવી ૫૫૬ પૉઇન્ટના ઘટાડે ૯૦,૩૦૮ બંધ: વિશ્વબજારમાં સોનું નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું, બિટકૉઇનમાં ૭૩,૦૦૦ ડૉલરનું લેવલ જોવા મળ્યુંઃ મલ્ટિબૅગરનો બાપ પુરવાર થયેલી એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટમાં વેચુની ગેરહાજરીને લઈ કોઈ કામકાજ ન થયું: રિઝલ્ટની તેજીમાં ફોર્સ મોટર્સ ૨૦ ટકા કે ૧૨૭૬ રૂપિયા ઊછળ્યો: MCXમાં ૪૩૪ રૂપિયાની ખરાબી, બીએસઈ સુધર્યો: પુનાવાલા ફીનકૉર્પ સતત ત્રીજા દિવસે જોરમાં: એફકૉન્સનું લિસ્ટિંગ ચોથીએ, પ્રીમિયમ રીતસર ઝીરો થઈ ગયું: ગોદાવરી બાયોનું નબળું લિસ્ટિંગ, આશાપુરા માઇનકેમમાં તગડો બાઉન્સબૅક

અમેરિકા ખાતે પ્રમુખપદની ચૂંટણી સાવ નજીકમાં છે ત્યારે ડાઉ ઇન્ડેક્સ મંગળવારે સાધારણ ઘટીને ૪૨,૨૩૩ બંધ થયો છે. આ સાથે છેલ્લા પાંચ દિવસમાં અત્રે દોઢેક ટકા કે ૬૦૧ પૉઇન્ટ બજાર નરમ થઈ ચૂક્યું છે. સામે નૅસ્ડૅક મંગળવારે ૧૮,૭૫૩ની ટૉપ બનાવી પોણા ટકાના સુધારામાં ૧૮,૭૧૩ નજીક બંધ રહ્યો છે. આ આંક પાંચ દિવસમાં સવા ટકો તો મહિનામાં ત્રણેક ટકા પ્લસ થયો છે. ડાઉ મન્થ્લી ધોરણે સાધારણ માઇનસ ઝોનમાં છે. અમેરિકા ખાતે ટૂંકમાં જાહેર થનારા થર્ડ ક્વૉર્ટરના જીડીપીના આંકડા કેવા આવે છે એના પર બધાની નજર છે. વિશ્વબજારમાં હાજર સોનું ૨૭૯૦ ડૉલર નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી રનિંગમાં ૨૭૮૧ નજીક રહ્યું છે. કોમેક્સ ગોલ્ડ ૨૮૦૧ ડૉલરની નવી વિક્રમી સપાટી બતાવી ૨૭૯૩ દેખાતું હતું. ઘરઆંગણે સોનું ૧૦ ગ્રામદીઠ ૮૦,૬૩૦ રૂપિયા તો ચાંદી ૧.૦૨ લાખ રૂપિયા પર ક્વોટ થતી હતી. બ્રેન્ટક્રૂડ આગલા દિવસના ધબડકા બાદ પોણો ટકો સુધરી ૭૧ ડૉલર ઉપર જોવાયું છે.

બુધવારે જપાનના એક ટકા નજીકના સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન શૅરબજાર નેગેટિવ ઝોનમાં ગયાં છે. હૉન્ગકૉન્ગ દોઢ ટકો, સાઉથ કોરિયા એક ટકો નજીક, સિંગાપોર પોણો ટકો, તાઇવાન, ઇન્ડોનેશિયા અને ચાઇના અડધો ટકો કટ થયાં છે. ઑસ્ટ્રેલિયા એક ટકો નરમ હતું. યુરોપ ખાતે સ્પેન અને ફ્રાન્સનો ગ્રોથ-રેટ અપેક્ષા કરતાં સારો આવ્યો છે, પરંતુ યુરોપનાં શૅરબજાર એનાથી ખુશ થયાં નથી. ત્યાંની બજાર રનિંગમાં અડધાથી એક ટકો નીચે દેખાઈ છે. બિટકૉઇન સુધારાની ચાલમાં ઉપરમાં ૭૩,૫૪૫ ડૉલર બતાવી રનિંગમાં દોઢક ટકો વધી ૭૨,૨૫૫ જોવા મળ્યો છે.

ઘરઆંગણે FIIની વેચવાલી અવિરત ચાલુ રહી છે. ૨૯ ઑક્ટોબર સુધી ચાલુ મહિને તેણે કુલ મળીને ૧.૦૪ લાખ કરોડનું નેટ સેલિંગ કર્યું છે. સોમ અને મંગળવારે બજાર વધ્યું તો પણ FIIનો વેચવાલીનો મૂડ બદલાયો નથી. FIIની વેચવાલીના મામલે ઑક્ટોબર મહિનો ભારત માટે નવો વરવો વિક્રમ રચશે એ વાત હવે નક્કી છે. બે દિવસના સુધારા બાદ સેન્સેક્સ ગઈ કાલે સવાસો પૉઇન્ટની નબળાઈમાં ૭૯,૯૪૨ તથા નિફ્ટી ૧૨૧ પૉઇન્ટના ઘટાડામાં ૨૪,૩૪૧ બંધ થયો છે. શૅરબજારના મોટા ભાગના સેક્ટોરલ સુધર્યા છે. સેન્સેક્સ નિફ્ટીની અડધા ટકાની નરમાઈ સામે બૅન્કેક્સ, નિફ્ટી ફાઇ. સર્વિસિસ, આઇટી, ટેક્નૉ જેવા બેન્ચમાર્ક પોણાથી સવા ટકો નરમ હતા. સામે નિફ્ટી મીડિયા ૨.૩ ટકા અપ હતો. સ્મૉલકૅપ દોઢ ટકા અને FMCG આંક એક ટકો પ્લસ થયો છે. માર્કેટ બ્રેડ્થ વધુ સ્ટ્રૉન્ગ બની છે. NSEમાં વધેલા ૨૦૯૨ શૅર સામે ૬૮૬ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૧.૨૧ લાખ કરોડના વધારામાં ૪૩૬.૦૭ લાખ કરોડ રહ્યું છે.

બીએસઈ તરફથી પ્રાઇસ ડિસ્કવરી માટે યોજેલા સ્પેશ્યલ સિલિસ્ટિંગ સેશનમાં ૩.૨૧ રૂપિયાના તળિયાના ભાવ સામે ૭૧ લાખ ટકાથી વધુની તેજીમાં ૨.૩૬ લાખ રૂપિયા ઉપર બંધ આપી મલ્ટિબૅગરનો બાપ પુરવાર થયેલી મુમ્બૈયા ભાવ ત્યાં જ રહ્યો છે. ૨,૩૬,૨૫૦ રૂપિયાના મંગળવારે બંધ રહેલા ભાવથી ૨૦૮ શૅર ખરીદવાની બીડ સામે કોઈ જ સેલર ન હોવાથી ઊભી જ રહી ગઈ હતી.

અદાણી એન્ટરપ્રાઇઝિસ નિફ્ટીમાં ટૉપ ગેઇનર, ડિફેન્સ શૅર ડિમાન્ડમાં

અદાણી એન્ટરપ્રાઇઝિસ આઠેક ગણી નફાવૃદ્ધિના કૈફમાં ૪.૨ ટકા કે ૧૨૧ રૂપિયા ઊચકાઈ ૨૯૬૯ના બંધમાં નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. તાતા કન્ઝ્યુર ત્રણ ટકા, હીરો મોટોકૉર્પ અઢી ટકા અને બ્રિટાનિયા બે ટકા અત્રે મજબૂત હતા. સેન્સેક્સ ખાતે ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૮ ટકા, મારુતિ સુઝુકી ૧.૯ ટકા અને અદાણી પોર્ટ્સ એક ટકો વધીને મોખરે હતા. પરિણામ પૂર્વે આશરે દસ હજાર કરોડનો ઑર્ડર મળ્યો હોવાના અહેવાલ વચ્ચે લાર્સન ૩૩૫૨ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૩૪૩૮ થઈ ૦.૭ ટકાના સુધારામાં ૩૪૦૪ બંધ હતો.

સેન્સેક્સ ખાતે ઇન્ફોસિસ બે ટકા બગડી ૧૮૦૨ના બંધમાં બજારને ૧૧૬ પૉઇન્ટ નડ્યો છે. HCL ટેક્નૉ સવા ટકો, ICICI બૅન્ક દોઢ ટકો, કોટક બૅન્ક અને મહિન્દ્ર સવા ટકો ડાઉન હતા. HDFC લાઇફ અને એસબીઆઇ લાઇફ બે-અઢી ટકા ડૂલ થયા છે. રિલાયન્સ બેબી સ્ટેપમાં સુધરી ૧૩૪૪ રહ્યો છે. HDFC બૅન્ક પોણો ટકો પાછી પડી છે, સામે આઇટીસી પોણો ટકો સુધર્યો હતો. ૮મીએ જેમનાં પરિણામ છે એ સ્ટેટ બૅન્ક ગઈ કાલે સવા ટકા નજીક તો તાતા મોટર્સ સાધારણ નરમ હતા. ICICI બૅન્કની નરમાઈ બજારને સૌથી વધુ ૧૨૩ પૉઇન્ટ ભારે પડી છે.

ગઈ કાલે ડિફેન્સ સ્ટૉક ડિમાન્ડમાં હતા. પારસ ડિફેન્સ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં, ભારત ઇલેક્ટ્રિક પોણાબે ટકા, ગાર્ડન રિચ પોણાચાર ટકા, માઝગાવ ડૉક અને ભારત ડાયનેમિક્સ દોઢ-દોઢ ટકો, ઝેન ટેક્નૉ પોણાત્રણ ટકા, મિશ્ર ધાતુ નિગમ સવા ટકો, DCX સિસ્ટમ્સ પાંચ ટકા વધીને બંધ રહ્યા છે.

નફો કરોડ ઘટ્યો એમાં હનીવેલનું માર્કેટકૅપ ૩૩૬૮ કરોડ ડૂલ થયું

હનીવેલ ઑટો મેશને સાડાપાંચ ટકાના ઘટાડામાં અગાઉના ૧૨૨ કરોડની સામે આ વેળા ૧૧૫ કરોડ નેટ પ્રૉફિટ કરતાં શૅર પાંચ ગણા કામકાજે નીચામાં ૪૪,૬૩૦ થઈ પોણાઆઠ ટકા કે ૩૮૦૯ રૂપિયા લથડી ૪૫,૧૮૦ બંધ થયો છે. સાદી ભાષામાં કહીએ તો કંપનીનો ત્રિમાસિક નફો માત્ર સાત કરોડ રૂપિયા ઓછો થયો એમાં માર્કેટકૅપની રીતે રોકાણકારોને ગઈ કાલે ૩૩૬૮ કરોડનો ફટકો પડ્યો છે. ફોર્સ મોટર્સ દ્વારા ૪૪ ટકાના વધારામાં ૧૩૫ કરોડનો નેટ નફો હાંસલ થતાં શૅર ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૨૭૬ રૂપિયાના ઉછાળે ૭૬૫૪ બંધ રહ્યો છે. કેપ્રિ ગ્લોબલ પણ રિઝલ્ટ પાછળ ૧૪ ટકા જેવા જમ્પમાં ૨૧૦ વટાવી ગયો છે. નબળાં પરિણામને લઈ આગલા દિવસે ૧૯૯ની વર્ષની બૉટમ બનાવી ૧૧ ટકા તૂટેલી આશાપુરા માઇનકેમ બુધવારે તગડા બાઉન્સબૅકમાં સવાતેર ટકા ઊછળી ૨૪૫ થયો છે.

ફાઇવ સ્ટાર બિઝનેસ તરફથી નબળાં રિઝલ્ટ સાથે આગામી ક્વૉર્ટરમાં AUMનો ગ્રોથ મંદ રહેવાની કબૂલાત આવતાં શૅર તેર ટકાના ધબડકામાં ૭૬૪ બંધ આવ્યો છે. તાજેતરના બુલરન બાદ એમસીએક્સ ગઈ કાલે ત્રણ ગણા વૉલ્યુમે નીચામાં ૬૨૨૫ બતાવી સવાછ ટકા કે ૪૩૪ રૂપિયા ખરડાઈ ૬૪૦૦ બંધ થયો છે. બીએસઈ સવા ટકાની આગેકૂચમાં ૪૩૪૦ વટાવી ગયો છે. ગ્રાહકોના ડેટા લીક કરીને રોકડી કરવાના સ્કૅમમાં બાર ટકાના ઘટાડે ૧૧૧ કરોડ નેટ પ્રૉફિટના પગલે સાડાચાર ટકા બગડી ૫૧૧ રહ્યો છે.

ઇન્ડીકો રેમેડીઝની ઍન્ટિ-સ્મોકિંગ ડ્રગને અમેરિકન એફડીએની મંજૂરી મળી છે. શૅર ઉપરમાં ૩૧૮ નજીક જઈ પોણાબે ટકાના સુધારામાં ૩૦૬ વટાવી ગયો છે. વૉલ્ટાસનો નફો ૩૭ કરોડથી વધીને ૧૩૪ કરોડ થયો છે. આવક ૧૪ ટકા વધીને ૨૬૧૯ કરોડ રહી છે. શૅર પ્રારંભિક મજબૂતીમાં ૧૮૦૫ બતાવી હેવી પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં ૧૬૪૯ થઈ સવાચાર ટકા ગગડી ૧૬૯૬ બંધ આવ્યો છે. નબળાં રિઝલ્ટનો આંચકો પચાવી પુનાવાલા ફીનકૉર્પ તેજીની હૅટ-ટ્રિકમાં ૧૧ ટકા ઊછળી ૩૭૬ થયો છે. ત્રણ દિવસ પૂર્વે શૅર ૨૯૭ હતો.

સ્વિગીમાં પ્રીમિયમ ૨૫થી શરૂ થયું, રેટ ઘટી હાલ ૧૪ રૂપિયે

મુંબઈના ફોર્ટની ગોદાવરી બાયોરિફાઇનીઝ શૅરદીઠ ૩૫૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટમાં પાંચના પ્રીમિયમ સામે ડિસ્કાઉન્ટમાં ૩૧૦ ખૂલી ઉપરમાં ૩૫૪ થઈ ૩૪૩ બંધ રહેતાં એમાં અઢી ટકાની લિસ્ટિંગ લોસ મળી છે. એફકૉન્સનું લિસ્ટિંગ ચોથી નવેમ્બરે છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઝીરો થઈ ગયું છે. હવે ડિસ્કાઉન્ડ બોલાશે એમ લાગે છે. અગાઉ બર્કમીર ઇન્ડિયા તરીકે ઓળખાતી સેજીલિટી ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૨૮થી ૩૦ની પ્રાઇસ બૅન્ડમાં ૨૧૦૬ કરોડનો આઇપીઓ પાંચમી નવેમ્બરે કરશે. આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો છે. કંપનીના કર્મચારીઓ માટે ઇશ્યુ પ્રાઇસમાં બે રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. બૅન્ગલોર બેઝ્ડ આ કંપનીએ છેલ્લાં ત્રણમાંથી બે વર્ષ નેટ પ્રૉફિટ કર્યો છે. ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા હોવાથી રીટેલ માટે ૧૦ ટકાની જોગવાઈ છે. ગત વર્ષે ૪૭૮૧ કરોડની આવક પર ૨૨૮ કરોડ નેટ નફો કર્યો છે. ઇશ્યુનું ૨૧૦૬ કરોડ સમગ્ર ભંડોળ પ્રમોટર્સના ઘરમાં જવાનું છે. ગ્રે માર્કેટમાં સોદા નથી. સ્વિગીની ૩૯૦ની મારફાડ પ્રાઇસ રખાઈ છે. કંપની સતત ખોટ કરે છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમના સોદા પચીસથી શરૂ થયા બાદ હાલ રેટ ૧૪ આસપાસ બોલાય છે. ઉષા ફાઇનૅન્સ સર્વિસિસનું લિસ્ટિંગ ગુરુવારે છે. પ્રીમિયમ દબાઈને ૯ થઈ ગયું છે.

આગલા દિવસે લિસ્ટેડ થયેલ દાનિશ પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૬૨૮ની નવી ટોચે, યુનાઇટેડ હીટ ટ્રાન્સફર પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૬૭ના શિખરે તથા OBSC પર્ફેક્શન પણ પાંચ ટકાની અપર સર્કિટમાં ૧૨૧ના બેસ્ટ લેવલે બંધ થયો છે.

share market stock market sensex adani group india pakistan south korea japan america world news bitcoin gold silver price commodity market business news