રેટ-કટની આશા અને હરિયાણામાં હૅટ-ટ્રિક કામે લાગતાં બજારમાં છ દિવસની નરમાઈને બ્રેક

09 October, 2024 08:41 AM IST  |  India | Anil Patel

ચાઇનીઝ સ્ટિમ્યુલસની આશા અધૂરી નીવડતાં એશિયા-યુરોપનાં અગ્રણી બજાર નરમાઈમાં, હૉન્ગકૉન્ગ ખાતે ૧૦.૪ ટકા કે ૨૧૭૩ પૉઇન્ટનો ૧૬ વર્ષનો મોટો કડાકો: પાકિસ્તાની શૅરબજાર સતત છઠ્ઠા દિવસની આગેકૂચમાં ૮૫,૮૨૪ના નવા શિખરે

શેરબજાર

ચાઇનીઝ સ્ટિમ્યુલસની આશા અધૂરી નીવડતાં એશિયા-યુરોપનાં અગ્રણી બજાર નરમાઈમાં, હૉન્ગકૉન્ગ ખાતે ૧૦.૪ ટકા કે ૨૧૭૩ પૉઇન્ટનો ૧૬ વર્ષનો મોટો કડાકો: પાકિસ્તાની શૅરબજાર સતત છઠ્ઠા દિવસની આગેકૂચમાં ૮૫,૮૨૪ના નવા શિખરે: પેટીએમ ૨૦ મહિનાના મોટા જમ્પ સાથે એ-ગ્રુપમાં ઝળક્યો: હ્યુન્દાઇનો મેગા ઇશ્યુ ૧૫મીએ, પ્રાઇસ બૅન્ડ ૧૮૬૫થી ૧૯૬૦ હોવાની શક્યતા, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ તૂટીને ૧૮૦ રૂપિયા બોલાયું:  બજાજ હાઉસિંગ ૧૦ ટકા અને ઓલા ઇલેક્ટ્રિક પાંચ ટકા બાઉન્સબૅક થયાઃ ધિરાણનીતિની પૂર્વસંધ્યાએ બૅન્કિંગના ૪૧માંથી ૩૮ શૅર વધીને બંધ:  રિલાયન્સ પાંચ દિવસ બાદ સુધારામાં

કૉર્પોરેટ પરિણામની સીઝન શરૂ થવામાં છે. રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ માથે છે જેમાં આ વેળા ફેડને અનુસરતાં અહીં પણ રેટ-કટની સાઇકલ આરંભાશે એવો આશાવાદ પ્રબળ બન્યો છે. એમાં જબ્બર ટ્વિસ્ટ સાથે સત્તારૂઢ પક્ષની હરિયાણામાં વિજયની વિક્રમી હૅટ-ટ્રિકનું ફૅક્ટર આવી જતાં શૅરબજારની છ દિવસની નબળાઈ મંગળવારે અટકી છે. બજાર આગલા બંધથી સવાબસ્સો પૉઇન્ટ નરમ, ૮૦,૮૨૬ ખૂલી નીચામાં ૮૦,૮૧૩ થયા બાદ ચુનાવી પરિણામના રૂઝાનમાં બીજેપીની લીડ સાથે તાલ મિલાવતાં ક્રમશઃ વધતુંરહી ઉપરમાં ૮૧,૭૬૩ વટાવી અંતે ૫૮૫ પૉઇન્ટના સુધારામાં ૮૧,૬૩૫ બંધ થયું છે. નિફ્ટી ૨૧૭ પૉઇન્ટવધી ૨૫,૦૧૩ રહ્યો છે. માર્કેટકૅપ ૭.૫૦ લાખ કરોડ વધીને ૪૫૯.૫૧ લાખ કરોડ રૂપિયા નજીક પહોંચ્યું છે. માર્કેટ બ્રેડ્થ ઘણી સ્ટ્રૉન્ગ હતી. NSEમાં ૨૦૪૫ શૅર પ્લસ તો સામે ૪૭૪ જાતો નરમ હતી. મેટલને બાદ કરતાં બન્ને બજારના તમામ સેક્ટોરલ વધ્યા છે. 

વિશ્વબજારની વાત કરીએ તો સપ્તાહ પૂર્વે ચાઇનીઝ સ્ટિમ્યુલસ ડોઝની જાહેરાત પછી જે કાંઈ આશા રખાઈ હતી એ મુજબનાં પગલાં જાહેર ન થતાં અગ્રણી વિશ્વબજારો ઘટ્યાં છે. સપ્તાહની રજા બાદ ખૂલેલું ચાઇનીઝ શૅરબજાર ઉપરમાં ૩૬૭૪ની વર્ષની ટોચે ગયા બાદ સવાચાર ટકા વધી ૩૪૯૦ બંધ થયું હતું, પણ હૉન્ગકૉન્ગ માર્કેટ ૧૦.૪ ટકા કે ૨૧૭૩ પૉઇન્ટના ૧૬ વર્ષના મોટા કડાકામાં ૨૦,૯૨૭ અંદર આવી ગયું છે.

જપાન એક ટકો તો સાઉથ કોરિયા અને તાઇવાન અડધો ટકો નરમ હતાં. યુરોપ રનિંગમાં સાધારણથી લઈ એક ટકો નીચે દેખાયું છે. વાય ધ વે, પાકિસ્તાની શૅરબજાર ૮૫,૮૨૪ની ઑલટાઇમ હાઈ બનાવી ૭૮૭ પૉઇન્ટ વધી ૮૫,૬૯૭ બંધથયું છે. આ સતત છઠ્ઠા દિવસની આગેકૂચ છે. 

દરમ્યાન હ્યુન્દાઇ તરફથી એનો ત્રણ અબજ ડૉલર અર્થાત આશરે ૨૫,૦૦૦ કરોડનો મેગા ઇશ્યુ ૧૫મીએ ખૂલવાની શક્યતા જાહેર કરાઈ છે જેમાં પ્રાઇસ બૅન્ડ ૧૮૬૫થી ૧૯૬૦ રૂપિયા હોઈ શકે એવો નિર્દેશ થયો છે. આના પગલે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ગગડી ૧૮૦ રૂપિયા બોલાયું છે. રેટ-કટની આશા પાછળ ગઈ કાલે બૅન્કિંગ સારું એવું વધ્યું છે. અત્રે ઉદ્યોગના ૪૧માંથી ૩૮ શૅર પ્લસ હતા. ફાઇનૅન્સ ઇન્ડેક્સ પણ ૧૫૨માંથી ૧૩૧ શૅરના સથવારેસવા ટકો વધ્યો છે જેમાં પેટીએમ મોખરે હતો. 

BSEનો શૅર ૪૧૬ રૂપિયાની તેજીમાં નવી વિક્રમી સપાટીએ 

મૉક્ષ ઓવરસીઝ શૅરદીઠ ત્રણ બોનસમાં બુધવારે બોનસ બાદ થવાનો હોવાથી શૅર ગઈ કાલે ૭.૭ ટકાની મજબૂતીમાં ૧૯૧ બંધ થયો છે. પાવરમેક શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં ઉપરમાં ૩૧૮૦ બતાવી પોણો ટકો વધી ૩૧૫૦ રહ્યો છે. જિંદાલ સૉ બેના શૅરના એકમાં વિભાજનમાં એક્સ સ્પ્લિટની પૂર્વસંધ્યાએ ૫.૯ ટકા ઊચકાઈ ૭૪૭ હતો. ભારતી ઍરટેલ તરફથી તાતા ગ્રુપની અગાઉ તથા સ્કાય તરીકે જાણીતી તાતા પ્લેને હસ્તગત કરવાની યોજના હાથ ધરાઈ હોવાના અહેવાલ છે. આશરે ૨૦૮ લાખ ગ્રાહક સાથે તાતા પ્લે ડીટીએચ માર્કેટમાં ૩૨.૭ ટકા હિસ્સો ધરાવે છે. ભારતી ગ્રુપની ભારતી ટેલી મીડિયા ૨૭.૮ ટકા બજાર હિસ્સા સાથે બીજા ક્રમે છે. તાતા સન્સ કંપનીમાં ૭૦ ટકા હોલ્ડિંગ ધરાવે છે. અગાઉ તાતા ગ્રુપ તરફથી તાતા પ્લેનો ઇશ્યુ લાવવા વિચારાયું હતું. ભારતી ઍરટેલનો શૅર ગઈ કાલે સાધારણ ઘટાડે ૧૬૫૮ બંધ હતો. ભારતી હેક્સાકૉમ બમણા વૉલ્યુમે સવાછ ટકાની તેજીમાં ૧૪૭૨ થયો છે. સ્પાઇસજેટ દ્વારા એના કાફલામાં આગામી મહિને ૭ નવાં વિમાન સામેલ કરવાના કરાર થતાં ભાવ ઉપરમાં ૬૩ થઈ નવ ટકા ઊંચકાઈ ૬૩ નજીક બંધ આવ્યો છે. ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન પણ અઢી ટકા વધી ૪૫૯૭ હતો. બીએસઈ લિમિટેડ આગલા દિવસની નરમાઈને વ્યાજ સાથે સરભર કરતાં ૪૨૭૫ની ટોચે જઈ ૧૦.૯ ટકા કે ૪૧૬ રૂપિયા ઊછળી ૪૨૪૩ બંધ આવ્યો છે. એની ૧૫ ટકા માલિકીની સબસિડિયરી CDSL અડધો ટકો નરમ હતી. MCX ચાર ટકા વધીને ૫૯૯૬ થયો છે. પેટીએમ ફેમ વન ૯૭ કૉમ્યુ. ઉપરમાં ૭૭૨ બતાવી ૧૫.૭ ટકાના જમ્પમાં ૭૬૨ થયો છે. નવકાર કૉર્પોરેશને સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૪૩ ટકાનો રેવન્યુ ગ્રોથ જાહેર કરી ભાવ ૪.૬ ટકા વધી ૧૨૮ હતો. સામે શોભા લિમિટેડનું સપ્ટેમ્બર ક્વૉર્ટરનું વેચાણ ૩૧.૬ ટકા ઘટતાં શૅર પ્રારંભિક નરમાઈમાં ૧૬૭૫ દેખાડી બાઉન્સબૅકમાં ૧૭૬૪ બતાવી સવા ટકો સુધરીને ૧૭૬૦ બંધ થયો છે. 

માથે પરિણામ વચ્ચે ટીસીએસમાં નરમાઈનું વલણ

સપ્ટેમ્બર ક્વૉર્ટરની કૉર્પોરેટ રિઝલ્ટની મોસમ શરૂ થવાની તૈયારીમાં છે. આઇટી જાયન્ટ તાતા કન્સલ્ટન્સી કે TCS અને એની સબસિડિયરી તાતા ઍલેક્સીનાં પરિણામ ગુરુવારે આવશે. અન્ય આઇટી અગ્રણી લાર્સન ટેક્નૉલૉજીસ ૧૬મીએ, ઇન્ફી વિપ્રો તથા લાટિમ ૧૭મીએ અને ટેક મહિન્દ્ર ૧૯મીએ પરિણામ જાહેર કરવાની છે. HCL ટેક્નૉનાં રિઝલ્ટ ૧૪મીએ છે. આ ઉપરાંત ડી-માર્ટ, HDFC લાઇફ, બજાજ ઑટો, HDFC, નેસ્લે, HDFC બૅન્ક, કોટક બૅન્ક, MCX, પૉલિકૅબ, ICICI લૉમ્બાર્ડ, એમ્ફાસિસ, એન્જલવન ઇત્યાદી સહિત સંખ્યાબંધ જાણીતી કંપનીઓનાં રિઝલ્ટ પણ આ સમયમાં આવવાનાં છે. મઝાની વાત એ છે કે નજીકમાં પરિણામ હોવા છતાં અને બજાર પૉઝિટિવ ઝોનમાં બંધ થવા છતાં ટીસીએસ ગઈ કાલે અડધો ટકો ૪૨૫૧ રહ્યો છે. ગઈ કાલે આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૪૫ શૅરના સુધારામાં ૨૩૮ પૉઇન્ટ કે અડધો ટકો પ્લસ હતો. ક્વીક હીલ ૧૦.૩ ટકાની તેજીમાં ૭૦૩ બંધ આવી મોખરે રહ્યો છે. BLS ઈ-સર્વિસિસ, નેલ્કો, વકરાંગી, સુબેક્સ ચારથી સાડાસાત ટકા મજબૂત હતા. સોનાટા સૉફ્ટવેર તેમ જ ડીલિન્ક પોણાબે ટકાની નરમાઈ સાથે ઘટાડામાં આગળ હતા. હેવી વેઇટ્સમાં વિપ્રો ૦.૯ ટકા નરમ તો ઇન્ફી પોણો ટકા સુધર્યો છે. લાટિમ અને તાતા ઍલેક્સી પોણાબે ટકા આસપાસ પ્લસ હતા. ૬૩ મૂન્સ ૩.૪ ટકા વધી ૩૮૧ રહ્યો છે. ટેક્નૉલૉજી સેગમેન્ટમાં જસ્ટ ડાયલનાં પરિણામ નજીકમાં છે. ભાવ સવાછ ટકા ઊચકાઈ ૧૨૧૭ બંધ થયો છે. HFCL આઠ ટકા, તેજસ નેટ ૬.૬ ટકા, આઇટીઆઇ ૩.૮ ટકા, તાતા ટેલિ ૩.૪ ટકા અને પીવીઆર આઇનોક્સ ૩.૭ ટકા મજબૂત હતા. સનટીવી ૩.૫ ટકા વધી ૮૨૨ રહ્યો છે. 

સુબમ પેપર્સ અને પૅરેમાઉન્ટ ડાયનું નબળું લિસ્ટિંગ

મુંબઈના બાંદરા-ઈસ્ટ ખાતેની ગરુડા કન્સ્ટ્રક્શનનો પાંચના શૅરદીઠ ૯૫ની અપર બૅન્ડ સાથે ૨૬૪ કરોડનો મેઇન બોર્ડનો આઇપીઓ પ્રથમ દિવસે કુલ ૧.૯ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટી પાંચ રૂપિયા થયું છે. SME સેગમેન્ટમાં મુંબઈના સાંતાક્રુઝ-વેસ્ટ ખાતેની કેમિકલ કંપની શિવ ટેક્સકેમનો શૅરદીઠ ૧૬૬ની અપર બૅન્ડવાળો ૧૦૧ કરોડ પ્લસનો BSE SME ઇશ્યુ પણ પ્રથમ દિવસે ૩.૮ ગણો છલકાયો છે. ગ્રે માર્કેટમાં ૩૫નું પ્રીમિયમ છે. તો મુંબઈના જુહુ ખાતેની ખ્યાતિ ગ્લોબલ વેન્ચર્સનો શૅરદીઠ ૯૯ના ભાવનો ૧૮૩૮ લાખનો ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે કુલ ૧૫ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં કોઈ સોદા નથી. હ્યુન્દાઇ મોટરનો મેગા ઇશ્યુ આવવાનો છે. ઇશ્યુની તારીખ, પ્રાઇસ બૅન્ડ તથા સાઇઝની વિધિવત જાહેરાત હજી થઈ નથી, પણ ગ્રે માર્કેટમાં ૨૦૦ આસપાસનું પ્રીમિયમ બોલાય છે. સોદાની શરૂઆત જોકે ૫૭૦થી થઈ હતી. ૧૦ના શૅરદીઠ ૧૫૨ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૧૨ના પ્રીમિયમ સામે સુબમ પેપર્સ ગઈ કાલે ૧૪૨ ખૂલી નીચલી સર્કિટમાં ૧૩૫ની અંદર ગયા બાદ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪૮ વટાવી ત્યાં જ બંધ થતાં એમાં બે ટકાની લિસ્ટિંગ લોસ મળી છે. જ્યારે શૅરદીઠ ૧૧૭ની ઇશ્યુ પ્રાઇસ અને પાંચના પ્રીમિયમવાળી લુધિયાનાની પૅરેમાઉન્ટ ડાય ટેક ડિસ્કાઉન્ટમાં ૧૧૦ નજીક ખૂલી નીચામાં ૧૦૪ થઈ ૧૦૭ બંધ રહેતાં એમાંય ૮.૫ ટકાની લિસ્ટિંગ લોસ રોકાણકારોને મળી છે. બરોડાની નિઓ પૉલિટન પીત્ઝા ઍન્ડ ફૂડ્સનો ૧૦ના શૅરદીઠ ૨૦ની ઇશ્યુ પ્રાઇસવાળો BSE SME IPO આજે, બુધવારે લિસ્ટેડ થવાનો છે. ગ્રે માર્કેટમાં અહીં પહેલેથી કોઈ કામકાજ નથી. કલકત્તાના પ્રણિક લૉજિસ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૭૭ની અપર બૅન્ડમાં ૨૨૪૭ લાખ રૂપિયાનો NSE SME IPO ગુરુવારે કરવાની છે. ગ્રે માર્કેટમાં સોદા શરૂ થયા નથી. 

વર્ષમાં ૩૧૫ ટકાની તેજી સાથે ટ્રેન્ટ ઑલટાઇમ હાઈ થયો 

તાતાની ૩૭ ટકા માલિકીની ટ્રેન્ટ લિમિટેડ બુલરનમાં દોઢા વૉલ્યુમે ૮૦૭૩ની ઑલટાઇમ હાઈ બનાવી આઠેક ટકા કે ૫૯૨ રૂપિયાના ઉછાળે ૮૦૪૨ બંધ આપી નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બની છે. ૨૦૨૩ની ૨૫ ઑક્ટોબરે ભાવ ૧૯૪૬ના વર્ષના તળિયે હતો. શૅરની ફેસવૅલ્યુ એકની છે, સામે બુકપૅલ્યુ ૧૧૫ જેવી છે. છેલ્લું બોનસ સપ્ટેમ્બર ૧૯૯૬માં આવ્યું હતું એ જોતાં બોનસ ક્યારનું પાકી ગયું છે. કંપની ઑર્ગેનાઇઝ્ડ રીટેલ બિઝનેસમાં છે. ગઈ કાલે આ સેગમેન્ટના બાવ‌ીસમાંથી ૧૭ શૅર પ્લસ હતા. સ્પેન્સર રીટેલ ૭.૮ ટકા, વી-ટુ રીટેલ પાંચ ટકા, ઇન્ડિયા માર્ટ ૭.૧ ટકા, વી-માર્ટ રીટેલ ૫.૮ ટકા, વેદાન્ત ફૅશન્સ ૪.૩ ટકા, શૉપર્સ સ્ટૉપ ત્રણ ટકા, આદિત્ય બિરલા ફૅશન્સ સવાત્રણ ટકા મજબૂત હતા. ડીમાર્ટ દોઢ ટકો ઘટ્યો છે. પુણેની PNGS ગાર્ગી ફૅશન્સ સાડાપાંચ ટકાની તેજીમાં ૮૬૫ બંધ થયો હતો. નિફ્ટી ખાતે ભારત ઇલેક્ટ્રિકલ પોણાપાંચ ટકા વધીને સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો છે. અદાણી એન્ટર ૪.૭ ટકા કે ૧૪૩ રૂપિયા ઊંચકાયો હતો. સેન્સેક્સ ખાતે અદાણી પોર્ટ્સ પોણાપાંચ ટકા ઊછળી ૧૪૧૮ના બંધમાં મોખરે હતો. મહિન્દ્ર ૧૦૫ કે ૩.૪ ટકા વધ્યો છે. રિલાયન્સ પાંચ દિવસની નબળાઈ બાદ બે ટકા વધી ૨૭૯૬ના બંધમાં બજારને ૧૬૨ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. તો HDFC બૅન્ક બે ટકા નજીકના જમ્પમાં સેન્સેક્સને સર્વાધિક ૨૦૭ પૉઇન્ટ ફળ્યો હતો. લાર્સન પોણાબે ટકા અને સ્ટેટ બૅન્ક દોઢ ટકો વધ્યા છે. તાતા સ્ટીલ ત્રણેક ટકાની ખરાબીમાં સેન્સેક્સ ખાતે તો SBI લાઇફ ૩.૫ ટકા ગગડી નિફ્ટીમાં ટૉપ લૂઝર બન્યા હતા. બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ આગલા દિવસના કડાકાને સરભર કરતાં ૧૦ ટકાની તેજીમાં ૧૫૦ નજીક ગયો છે. ઓલા ઇલેક્ટ્રિક નીચામાં ૮૫ થયા બાદ બાઉન્સબૅકમાં પાંચ ટકા ઊચકાઈ ૯૫ વટાવી ગયો છે. 

share market stock market worldwide nifty tata tcs reserve bank of india ipo Hyundai Paytm bajaj europe asia mumbai pakistan business news