HDFC બૅન્કની આગેવાની હેઠળ બજારમાં સામાન્ય સુધારો, અદાણીમાં ઉછાળો

28 November, 2024 08:32 AM IST  |  Mumbai | Anil Patel

HDFC બૅન્ક ૧૮૧૭ની નવી ટૉપ બનાવી દોઢ ટકો વધીને ૧૮૧૧ બંધ આપી બજારને ૧૬૭ પૉઇન્ટ ફળ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

૨૦૨૫માં સોનું ૩૧૫૦ ડૉલર અને ક્રૂડ ૧૦૦ ડૉલર થવાનો ગોલ્ડમૅન સાક્સનો વરતારો : બુધવારે પોણાઆઠ કરોડ રૂપિયાની નેટ ખરીદી સાથે FII સતત ત્રીજા દિવસે નેટ બાયરની ભૂમિકામાં : પ્રમોટર્સની બ્લૉક ડીલ મારફત આંશિક એક્ઝિટમાં ઝેડએફ કમર્શિયલ ૧૯૭૮ રૂપિયા કે પોણાચૌદ ટકા તૂટ્યો : HDFC બૅન્ક નવા બેસ્ટ લેવલે જઈ બજારને ૧૬૭ પૉઇન્ટ ફળી : વિપ્રો બે વર્ષની નવી ટૉપ બતાવી નરમાઈમાં બંધ : માર્કેટ બ્રેડ્થ મજબૂત : વર્ષે બસ્સો કરોડની આવક રળતી સુરક્ષા ડાયગ્નોસ્ટિક ૧૦૦ના પીઈ સાથે ૮૪૬ કરોડનો ઇશ્યુ શુક્રવારે કરશે

બ્રાઇબરી સ્કૅમમાં બચાવનામા પાછળ અદાણીના શૅર પોરસાયા

HDFC બૅન્ક ૧૮૧૭ની નવી ટૉપ બનાવી દોઢ ટકો વધીને ૧૮૧૧ બંધ આપી બજારને ૧૬૭ પૉઇન્ટ ફળ્યો છે. નિફ્ટી ખાતે અદાણી એન્ટરપ્રાઇઝ ૧૧.૫ ટકા કે ૨૪૭ રૂપિયાની તેજીમાં ૨૩૯૮ અને સેન્સેક્સ ખાતે અદાણી પોર્ટ્સ ૬.૩ ટકાના ઉછાળે ૧૨૦૦ બંધ આપીને ટૉપ ગેઇનર બન્યા છે. અદાણી ગ્રીન તરફથી ગૌતમ અદાણી, સાગર અદાણી તથા વિનીત જૈનનું નામ અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ તરફથી ફાઇલ કરેલી ચાર્જશીટમાં નથી એ વાતનો ખાસ ઉલ્લેખ કરતું સ્પષ્ટીકરણ જારી કરી બ્રાઇબરી કેસમાં અદાણી આણી પાર્ટીનો બચાવ કરાયો છે, આની આડમાં કે અસરમાં અદાણી ગ્રુપના શૅર ગઈ કાલે ખાસ્સા લાઇમલાઇટમાં હતા. અદાણી પાવર ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૫૨૫ તો અદાણી ટોટલ ૧૧૪ રૂપિયા કે ૧૯.૮ ટકાની તેજીમાં ૬૯૪ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો હતો. અદાણી એનર્જી ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૬૬૧ બંધ થતા પૂર્વે ૫૮૮ના ઐતિહાસિક તળિયે ગયો હતો. અદાણી ગ્રીન પણ ૮૭૦ની નવી બૉટમ બનાવી ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૯૮૯ વટાવી ગયો છે. અદાણી વિલ્મર સાડાઆઠ ટકા, એસીસી સવાચાર ટકા, અંબુજા સિમેન્ટ્સ સાડાચાર ટકા નજીક, સાંધી ઇન્ડસ્ટ્રીઝ પોણાપાંચ ટકા
અને NDTV સવાનવ ટકા ઊચકાયા હતા.

નિફ્ટી ખાતે ટ્રેન્ટ અઢી ટકા, ભારત ઇલેક્ટ્રિક સવાત્રણ ટકા તો સેન્સેક્સમાં NTPC બે ટકાથી વધુ મજબૂત થયો છે. મારુતિ તથા બજાજ ફાઇનૅન્સ એકથી સવા ટકો, કોલ ઇન્ડિયા ૧.૪ ટકા અને JSW સ્ટીલ, બજાજ ઑટો, ટેક મહિન્દ્ર, હીરો મોટોકૉર્પ, ઍક્સિસ બૅન્ક અડધાથી પોણો ટકો અપ હતા. રિલાયન્સ મામૂલી ઘટાડે ૧૨૯૩ રહ્યો છે. વિપ્રો ૫૯૬ની બે વર્ષની નવી ટૉપ બતાવી એક ટકો ઘટી ૫૮૩ હતો. અપોલો હૉસ્પિટલ્સ, ટાઇટન, શ્રીરામ ફાઇ, ઇન્ડ્સઇન્ડ બૅન્ક પોણાથી સવા ટકા જેવા નરમ હતા. આગલા દિવસનો હીરો ઇન્ફોસિસ ગઈ કાલે નજીવો સુધરી ૧૯૨૬ થયો છે. ટીસીએસ અડધો ટકો ઘટ્યો છે. HCL ટેક્નૉ ઉપરમાં ૧૯૧૬ થયા બાદ અડધા ટકા જેવી નબળાઈમાં ૧૮૯૦ બંધ હતો.

ટ્રમ્પના ટૅરિફ-વૉરની ભીતિ વચ્ચે ગઈ કાલે ચાઇનીઝ માર્કેટ દોઢ ટકો અને હૉન્ગકૉન્ગ સવાબે ટકો વધ્યાં છે. તાઇવાન દોઢ ટકા, જપાન અને સાઉથ કોરિયા પોણા ટકા આસપાસ તથા થાઇલૅન્ડ અડધા ટકો નરમ હતું. યુરોપ રનિંગમાં પોણાથી સવા ટકો નીચે દેખાયું છે, લંડન ફુત્સી ફ્લૅટ હતો. બિટકૉઇન લાખ ડૉલરના દરવાજે પહોંચી પાછો પડ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ભાવ નીચામાં ૯૦,૭૩૦ ડૉલર બતાવી રનિંગમાં સવા ટકાના સુધારે ૯૩,૩૫૪ ડૉલર રહ્યો છે. મંગળવારે પાકિસ્તાની શૅરબજાર ૯૯,૮૧૯ની ઑલટાઇમ હાઈ બતાવી તગડા ધબડકામાં લથડી ૯૪,૫૭૪ બંધ થયા પછી વળતા દિવસે એટલે કે બુધવારે સવાપાંચ ટકા કે ૪૯૪૮ પૉઇન્ટના જબ્બર બાઉન્સબૅકમાં ૯૯,૫૨૨ નજીક સર્વોચ્ચ સપાટીએ બંધ થયું છે. હવે બિટકૉઇન અને કરાચી શૅરબજારમાંથી પહેલું લાખેણું કોણ બને છે એ જોવું રહ્યું. ગોલ્ડમૅન સાક્સ તરફથી ૨૦૨૫ના વર્ષમાં સોનું વિશ્વસ્તરે ૩૧૫૦ ડૉલરના બેસ્ટ લેવલે જવાની તેમ જ ક્રૂડ ૧૦૦ ડૉલર થવાની આગાહી કરાઈ છે. બ્રેન્ટ ક્રૂડ ગઈ
કાલે રનિંગમાં સાધારણ સુધારે ૭૩ ડૉલર ઉપર હતું. હાજર  સોનું પોણો ટકો વધીને ૨૬૫૩ ડૉલર તો ગોલ્ડ વાયદો એક ટકો ઊચકાઈ ૨૬૭૫ દેખાયો છે.

ઘરઆંગણે ૩૮ દિવસની એકધારી અને આક્રમક વેચવાલી પછી ચાલુ સપ્તાહના આરંભે એટલે કે સોમવારે FII તરફથી પ્રથમ વાર ૯૯૪૭ કરોડની નેટ લેવાલી થઈ અને વળતા દિવસે પણ તેણે ૧૧૫૮ કરોડનું નેટ બાઇંગ કર્યું છે. આનાથી FIIના મોરચે હવે નેટ ખરીદીનો દોર જળવાઈ રહેવાની આશા જાગી છે. બુધવારે બજાર આગલા બંધથી ૧૧૭ પૉઇન્ટના ગૅપમાં ઉપર, ૮૦,૧૨૧ ખુલ્યા પછી ઘસાઈને નીચામાં ૭૯,૮૪૪ થયું ત્યારે બુધવારે રેડ ઝોનમાં જવાની દહેશત સેવાતી હતી, પરંતુ ૧૨ વાગ્યા પછી ચોઘડિયું બદલાયું, બજાર મૂડમાં આવ્યું. સેન્સેક્સ નીચલા મથાળેથી ૬૬૭ પૉઇન્ટના બાઉન્સબૅકમાં ઉપરમાં ૮૦,૫૧૧ બતાવી અંતે ૨૩૦ પૉઇન્ટના સામાન્ય સુધારામાં ૮૦,૨૩૪ તો નિફ્ટી ૮૦ પૉઇન્ટ વધી ૨૪,૨૭૫ બંધ રહ્યાં છે. બજારનું માર્કેટકૅપ ૪.૭૩ લાખ કરોડ રૂપિયા વધીને ૪૪૪.૪૮ લાખ કરોડ નોંધાયું છે. સેન્સેક્સ નિફ્ટીના મામૂલી સુધારા સામે ગઈ કાલે સ્મૉલકૅપ ઇન્ડેક્સ સવા ટકા નજીક, બ્રૉડર માર્કેટ અડધા ટકાથી વધુ, પાવર ઇન્ડેક્સ પોણાત્રણ ટકા, યુટિલિટીઝ ત્રણ ટકા, ટેલિકૉમ સવા ટકો, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક એક ટકાથી વધુ, ઑઇલ-ગૅસ તથા એનર્જી પોણો ટકો, નિફ્ટી મીડિયા એક ટકો પ્લસ થયા છે. પીએસયુ ઇન્ડેક્સ એક ટકા નજીક અપ હતો. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે ઘટેલા ૮૮૦ શૅર સામે ૧૯૦૯ જાતો વધીને બંધ આવી છે. દરમ્યાન પ્રોવિઝનલ ફીગર પ્રમાણે ગઈ કાલે FII દ્વારા આશરે પોણાઆઠ કરોડ રૂપિયાની નેટ ખરીદી થઈ છે જે સાવ નગણ્ય છે પણ નેગેટિવ નથી એ એક આશ્વાસન કહી શકાય.

NTPC ગ્રીન એનર્જી લિસ્ટિંગ સાથે જ લાખેણી કંપની બની

NTPC ગ્રીન ૧૦ના શૅરદીઠ ૧૦૮ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટ ખાતે એકાદ રૂપિયાના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૧૧ પ્લસ ખૂલી ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૨૩ નજીક જઈ ૧૨૨ બંધ થતાં અત્રે ૧૩ ટકાનું સારું રિટર્ન છૂટ્યું છે. કંપની લિસ્ટિંગ સાથે જ ૧,૦૨,૮૮૫ કરોડના માર્કેટકૅપ સાથે લાખેણી કંપનીઓના લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. મેઇન બોર્ડની એન્વીરો ઇન્ફ્રા તેમ જ SME સેગમેન્ટની લેમોસિક ઇન્ડિયાનું લિસ્ટિંગ શુક્રવારે છે. હાલ એન્વીરોમાં ૫૬ અને લેમોસિકમાં ઝીરો પ્રીમિયમ બોલાય છે. વિવાદાસ્પદ બનેલી સીટુસી ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સમાં ગુરુવાર સુધી ઇશ્યુમાં કરેલી અરજી પરત ખેંચવાનો વિકલ્પ અપાયો હોવાથી એનું લિસ્ટિંગ સંભવતઃ હવે ત્રીજી ડિસેમ્બર પર ગયું છે. પ્રીમિયમ ૧૪૫નું ચાલે છે.

કલકત્તાની સુરક્ષા ડાયગ્નોસ્ટિક બેના શૅરદીઠ ૪૪૧ની અપર બૅન્ડ સાથે ૮૪૬ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ ૨૯મીએ કરવાની છે. ગ્રે માર્કેટમાં જોકે સોદા શરૂ થયા નથી. કંપની વર્ષેદહાડે ૨૦૦-૨૨૫ કરોડની આવક પર ૨૦-૨૨ કરોડનો નફો કરે છે અને લગભગ ૧૦ના પીઇથી ઇશ્યુ કરી બજારમાંથી ૮૪૬ કરોડ લઈ જવા માગે છે. રોકાણકારો આઇપીઓ પાછળ ઘેલા થયા છે. પ્રમોટર્સ માટે તેમને બને એટલા નીચોવી લેવાની પૂરી તક મોજૂદ છે. બુધવારે SME સેગમેન્ટમાં બિલાસપુરની આભા પાવર ઍન્ડ સ્ટીલ ૧૦ના શૅરદીઠ ૭૫ના ભાવે ૩૮૫૪ લાખ તથા પુણેની ઍપેક્સ ઇકોટેક ૧૦ના શૅરદીઠ ૭૩ની અપર બૅન્ડમાં ૨૫૫૪ લાખનો ઇશ્યુ લાવી છે. આભા પાવર સવા ગણો તો ઍપેક્સ ૧.૯ ગણો પ્રથમ દિવસે ભરાયો છે. હાલ આભામાં પચીસ રૂપિયા અને ઍપેક્સમાં ૩૫નું પ્રીમિયમ બોલાય છે. રાજપૂતાના બાયોડીઝલનો SME IPO અત્યાર સુધીમાં ૮૬ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ વધીને ૧૦૦ થયું છે. ભરણું આજે બંધ થશે. અમદાવાદી રાજેશ પાવર સર્વિસિસનો ૧૦ના શૅરદીઠ ૩૩૫ની મારફાડ પ્રાઇસ સાથે ૧૬૦ કરોડનો BSE SME IPO કુલ ૫૯ ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. પ્રીમિયમ ૭૧ આસપાસ બોલાય છે.

સિટીવાળાના બુલિશ વ્યુમાં ઓલા ઇલેક્ટ્રિક ૨૦ ટકાની તેજીમાં

ઓલા ઇલેક્ટ્રિક દ્વારા Gig તથા એસવનઝેડ સિરીઝમાં નવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ લૉન્ચ કરવામાં આવ્યાં છે. સિટીવાળાએ ૯૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. શૅર નવ ગણા વૉલ્યુમે ૨૦ ટકાના લિસ્ટિંગ પછીના તગડા જમ્પમાં ૮૮ ઉપર બંધ આવ્યો છે. હ્યુન્દાઇ મોટર્સમાં જેપી મૉર્ગને ૨૨૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ આપ્યો છે. શૅર ઉપરમાં ૧૯૨૬ થઈ ૧૯૦૭ નજીક ગયો છે. બૅન્ક ગૅરન્ટી રદ કરવાના સરકારના નિર્ણયથી વોડાફોન સતત બીજા દિવસની મજબૂતીમાં બમણા વૉલ્યુમે ૧૧ ટકા જેવો ઊછળી ૮.૩૫ દેખાયો છે. એન્જિનિયર્સ ઇન્ડિયા સાડાચાર ગણા કામકાજે સાડાનવ ટકાના જમ્પમાં ૨૦૧ વટાવી ગયો હતો. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા સાડાત્રણ ટકા ઊચકાઈ છે પણ તેમના પરમ મિત્ર આનંદ જૈનની જયકૉર્પ સવાઆઠ ટકાની તેજીમાં ૩૬૬ બંધ આવ્યો છે.

રેલટેલ કૉર્પો.ને કાકીનાડા સ્માર્ટ સિટી માટે ૧૫ કરોડનો ઑર્ડર મળ્યો એમાં શૅર સવાચાર ટકા વધી ૪૦૯ થયો છે. જીએચબીએલ તરફથી ૩૫૦ કરોડની રોકાણ યોજના જાહેર થઈ છે, શૅર સવાપાંચ ટકાની મજબૂતીમાં ૬૦૫ નજીક બંધ રહ્યો છે. લાટિમમાં એમ્કે ગ્લોબલે ૬૧૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બેરિશ વ્યુ તો મોતીલાલ ઓસ્વાલે ૭૪૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ આપ્યો છે. શૅર અડધા ટકાના સુધારામાં ૬૨૫૯ નજીક રહ્યો છે. ઝેડએફ કમર્શિયલ વેહિકલ્સ સરેરાશ ૩૨૧ શૅરની સામે દોઢ લાખ શૅરના જંગી વૉલ્યુમે પોણાચૌદ ટકા કે ૧૯૭૮ રૂપિયા તૂટી ૧૨,૪૨૬ બંધ હતો. પ્રમોટર્સ વેબકો ઇન્ડિયાએ ૧૨,૪૦૦ની ફ્લોર પ્રાઇસથી સાડાત્રણ ટકા હિસ્સો બ્લૉક ડીલ મારફત વેચવા કાઢ્યો એનું આ પરિણામ છે.

એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટે ૧૫૦ ટકા જેવા વૃદ્ધિદરથી ૫૬૩૫ લાખની આવક પર ૧૭૯ ટકાના વધારા સાથે ૪૩૪૭ લાખ નેટ પ્રૉફિટ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં મેળવ્યો છે. શૅર રિ-લિસ્ટિંગ બાદ ૨,૦૮,૬૪૧ની સૌથી નીચી સપાટી બતાવી ગઈ કાલે ઉપરમાં ૨,૩૦,૬૦૩ થઈ અંતે અડધો ટકો સુધરી ૨,૨૧,૩૪૩ બંધ થયો છે.

business news share market stock market nifty sensex national stock exchange bombay stock exchange adani group