ફેડના ચૅરમૅન પૉવેલે ઇન્ફ્લેશન ઘટાડવાને પ્રાધાન્ય આપતાં સોનામાં આગળ વધતો ઘટાડો

23 June, 2023 10:54 AM IST  |  Mumbai | Mayur Mehta

જેરોમ પૉવેલની કમેન્ટનું બેતરફી મૂલ્યાંકન થતાં ડૉલર અને સોનું બન્ને મલ્ટિ-મન્થ લો સપાટીએ પહોંચ્યાં

પ્રતીકાત્મક તસવીર

જેરોમ પૉવેલે કૉન્ગ્રેસ સમક્ષ કરેલા વક્તવ્યમાં ઇન્ફ્લેશન ઘટાડવાની બાબતને પ્રાધાન્ય આપતાં સોનામાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૧૦ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૧૨૪ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહ

ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલની કમેન્ટને પગલે ડૉલર અને સોનું બન્ને ઘટ્યાં હતાં. જેરોમ પૉવેલે બેતરફી કમેન્ટ કરી હતી. બુલિયન માર્કેટે પૉવેલની ઇન્ફ્લેશન ઘટાડવાની બાબતને પ્રાધાન્ય આપ્યું હતું જ્યારે કરન્સી માર્કેટે ઇન્ટરેસ્ટ રેટ વધારતાં પહેલાં ડેટાનું મૂલ્યાંકન કરવાની બાબતને પ્રાધાન્ય આપ્યું હતું, જેને કારણે ડૉલર અને સોનું બન્ને ઘટ્યાં હતાં. ડૉલર ઘટીને એક મહિનાની નીચી સપાટીએ અને સોનું ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. સોનું ઘટીને ૧૯૧૮.૪૦ ડૉલરે પહોંચ્યું હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલે અમેરિકન કૉન્ગ્રેસ સમક્ષ કરેલા વક્તવ્યમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવા વિશે ઠંડું વલણ બતાવતાં ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૨ના લેવલે પહોંચ્યો હતો. ગઈ મીટિંગમાં જેરોમ પૉવેલે બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધારવાની વાત બહુ જ કોન્ફિડન્સથી કહી હતી, પણ કૉન્ગ્રેસ સમક્ષના વક્તવ્યમાં પૉવેલે જણાવ્યું હતું કે ફેડના બે ટકાના ટાર્ગેટ કરતાં ઇન્ફ્લેશન હજી ઘણું ઊંચું છે, પણ ઇન્ફ્લેશન ઝડપથી ઘટ્યું છે આથી દરેક મીટિંગ પહેલાં એ વખતની સિચુએશનનું અવલોકન કરીને જરૂર પડશે તો ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારશે. પૉવેલની આવી કમેન્ટ બાદ જુલાઈમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારા વિશે પણ શંકા જાગી હતી. જેરોમ પૉવેલના વક્તવ્ય બાદ જુલાઈમાં ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ ટકા વધારાના ચાન્સ ઘટીને ૭૨ ટકા થયા હતા, જે બુધવારે ૭૮ ટકા હતા. પૉવેલ ગુરુવારે ભારતીય સમય પ્રમાણે મોડી રાતે સેનેટની બૅન્કિંગ કમિટી સમક્ષ વક્તવ્ય આપવાના છે એની પર હવે બધાની નજર છે.

અમેરિકન ૩૦ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ રેટ ૧૬ જૂને પૂરા થયેલા સપ્તાહના અંતે ચાર બેસિસ પૉઇન્ટ ઘટીને ૬.૭૩ ટકા રહ્યા હતા જે સતત ત્રીજે સપ્તાહે ઘટાડો હતો અને હાલના મૉર્ગેજ રેટ છેલ્લા એક મહિનાના સૌથી નીચા હતા. જમ્બો લોન બૅલૅન્સ માટેના મૉર્ગેજ રેટ વધીને ૬.૮૦ ટકા થયા હતા જે અગાઉ ૬.૭૯ ટકા હતા. મૉર્ગેજ રેટ ઘટતાં મૉર્ગેજ ઍપ્લિકેશન ૦.૫ ટકા વધી હતી જે અગાઉના સપ્તાહે ૭.૨ ટકા વધી હતી. નવું મકાન લેવા માટેની ઍપ્લિકેશન ૧.૫ ટકા વધી હતી, જ્યારે રિફાઇનૅન્સ માટેની ઍપ્લિકેશન ૨.૧ ટકા ઘટી હતી.

બ્રિટનનું ઇન્ફ્લેશન મે મહિનમાં ૮.૭ ટકા સ્ટેડી રહ્યું હતું જે એપ્રિલ મહિનામાં ૧૩ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. માર્કેટની ધારણા ૮.૪ ટકાની હતી, પણ એના કરતાં ઇન્ફ્લેશન ઊંચું રહ્યું હતું. ખાસ કરીને ઍર ટ્રાવેલ્સની પ્રાઇસમાં ૩૧.૪ ટકાનો વધારો થયો હતો જેમાં એપ્રિલમાં ૧૨.૬ ટકાનો વધારો થયો હતો. સેકન્ડ હેન્ડ કારના ભાવમાં ૩.૯ ટકાનો વધારો થયો હતો જેમાં એપ્રિલમાં ૧.૨ ટકાનો વધારો થયો હતો. જોકે ફ્યુઅલ કૉસ્ટ ૧૩.૧ ટકા ઘટી હતી જે એપ્રિલમાં ૮.૯ ટકા ઘટી હતી.

ફિચ રેટિંગ્સે વર્લ્ડ ગ્રોથનું પ્રોજેક્શન ૨૦૨૩ માટે વધારીને ૨.૪ ટકાએ પહોચાડ્યું હતું જે અગાઉ માર્ચમાં બે ટકા રાખ્યું હતું. ૨૦૨૪ માટે વર્લ્ડ ગ્રોથ ૨.૧ ટકા રહેવાનું પ્રોજેક્શન છે, જે માર્ચમાં ૨.૪ ટકાનું પ્રોજેક્શન હતું. બ્રાઝિલ, ભારત, મેક્સિકો અને રશિયાનો ગ્રોથ ધારણા કરતાં વધુ સારો રહેવાનું ચિત્ર આવતાં ફિચે ગ્રોથ પ્રોજેક્શન વધાર્યું હતું. ચીનનો ગ્રોથરેટ ૨૦૨૩માં ૫.૬ ટકા રહેવાનું પ્રોજેક્શન રજૂ કર્યું છે જે અગાઉ માર્ચમાં ૫.૨ ટકા રહેવાનો રિપોર્ટ આપ્યો હતો. અમેરિકન ગ્રોથ ૨૦૨૩માં ૧.૨ ટકા રહેવાનું પ્રોજેક્શન છે જે માર્ચમાં એક ટકા હતું, પણ ૨૦૨૪માં અમેરિકન ગ્રોથ માત્ર ૦.૫ ટકા રહેવાનું પ્રોજેક્શન છે, જે અગાઉ ૦.૮ ટકા હતું. 

અમેરિકન સ્ટૉક ધારણાથી વધુ ઘટતાં ક્રૂડ તેલમાં બે ટકાનો ઉછાળો 

અમેરિકાનો ક્રૂડ તેલ સ્ટૉક ગયા સપ્તાહે ૧૨.૪૬ લાખ બેરલ ઘટ્યો હોવાનો રિપોર્ટ અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટે આપ્યો હતો. માર્કેટની ધારણા ૪.૩૩ લાખ બેરલ ઘટાડાની હતી. અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર ગૅસોલીનનો સ્ટૉક ૨૯.૩૫ લાખ બેરલ વધ્યો હતો, જ્યારે ડીઝલ-હિટિંગ ઑઇલનો સ્ટૉક ૩.૦૧ લાખ બેરલ ઘટ્યો હતો. અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ એનર્જીના રિપોર્ટ અનુસાર ૧૬ જૂને પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન સ્ટ્રૅટેજીક પેટ્રોલિયમ રિઝર્વમાંથી ૧૭ લાખ બેરલ ક્રૂડ તેલનો સ્ટૉક ઉપાડવામાં આવ્યો હતો, જેને કારણે સતત બારમા સપ્તાહે સ્ટ્રૅટેજીક પેટ્રોલિયમ રિઝર્વમાં ઘટાડો થયો હતો, જે હાલ ૪૦ વર્ષની નીચી સપાટીએ ૩૫ કરોડ બેરલ છે. અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ બાદ ક્રૂડ તેલ અને બ્રેન્ટમાં બુધવારે ઓવરનાઇટ બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૮,૬૫૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૮,૪૧૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૯,૦૦૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news inflation