શુક્રવારના સુધારાથી દોરવાઈને સોમવારે સોદો કરવા જેવું નથી

08 June, 2024 08:15 AM IST  |  Mumbai | Kanu J Dave

રિઝર્વ બૅન્ક : વ્યાજદર યથાવત્, પહેલો રેટ-કટ ઑક્ટોબરમાં આવવાની સંભાવના

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારથી શુક્રવાર સુધીમાં ભારતીય બજારોમાં જોવા મળેલા સનસનાટીસભર ચડાવ-ઉતાર અને આ વધ-ઘટને લઈને કૉન્ગ્રેસ તરફથી થયેલી આક્ષેપબાજી અને છેવટે શુક્રવારે NDAના સંસદસભ્યોની દિલ્હીમાં મળેલી બેઠકમાં મોદીનો સાથીપક્ષો પ્રત્યેનો પ્રેમાલાપ જોયા પછી પણ આ એક સપ્તાહ લાંબી ફિલ્મનો ક્લાઇમૅક્સ ‘હૅપી એન્ડ’નો હશે કે પોર્ટફોલિયોના બંટવારાને લઈને ‘નૉટ સો હૅપી’ રહેશે એ રહસ્ય અકબંધ છે. શુક્રવારે રિઝર્વ બૅન્કની પૉલિસીમાં વ્યાજદર યથાવત્ રખાયા છે, પણ આ બહુમતી નિર્ણયમાં MPCના બે સભ્યોએ ભિન્ન મત આપીને પા ટકાના ઘટાડાનું સૂચન કર્યું એ વાતની નોંધ લેવી ઘટે. વૈશ્વિક સ્તરે વ્યાજદર ઘટાડાની શરૂઆત કૅનેડાથી થઈ અને હવે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક (ECB)એ પણ પાંચ વર્ષ પછી પા ટકાનો ઘટાડો કરી વ્યાજદર 3.75 ટકા કર્યો છે. ECB હેઠળના દેશોમાં ઇન્ફ્લેશન આગામી ૩ વર્ષમાં 2.5 ટકાથી ઓછો રહેવાનો અને ગ્રોથ-રેટ 1.4 ટકાથી વધુ રહેવાનો ECBનો અંદાજ છે. રિઝર્વ બૅન્કના ગવર્નરે જોકે સોય ઝાટકીને કહી દીધું છે કે ઇન્ફ્લેશન 4 ટકાના લક્ષ્યે પહોંચે અને એ સ્તરે સ્થિર થયો હોવાની અમને ખાતરી ન થાય ત્યાં સુધી અમે ઘટાડાનો વિચાર નહીં કરીએ. આમ ઑગસ્ટમાં પણ નહીં, પરંતુ ઑક્ટોબરમાં જો ઇન્ફ્લેશન ૪ ટકાથી નીચે જૂન અને સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રહ્યો હોવાની રિઝર્વ બૅન્કને ખાતરી થાય તો દિવાળીની ભેટરૂપે પહેલો વ્યાજકાપ આપી શકે છે. ત્યાં સુધીમાં યુએસ ફેડરલ રિઝર્વે પણ એકાદ ઘટાડો જાહેર કરી દીધો હશે.

સમાચારની અસરવાળા શૅરો

- IDBI બૅન્કને ૨૭૦૨ કરોડ રૂપિયાનું આવકવેરાનું રીફન્ડ મળવાના સમાચારે શૅર શુક્રવારે બે ટકા વધી ૮૫.૪૬ રૂપિયા બંધ રહ્યો હતો.  

- બોરોસિલ રિન્યુએબલ્સ રાઇટ ઇશ્યુ મારફત ૪૫૦ કરોડ રૂપિયા ઊભા કરશે. શૅરે સાડાત્રણ ટકા પ્લસ થઈ ૪૯૧ રૂપિયાના સ્તરે બંધ આપ્યું હતું.

- રિઝર્વ બૅન્ક દ્વારા કરવામાં આવેલ ગોલ્ડ લોન સંબંધિત સ્પેશ્યલ ઑડિટ પૂરું થયું હોવાના સમાચારે 13 ટકાના ઉછાળે IIFL ફાઇનૅન્સ ૪૭૦ રૂપિયા બંધ રહ્યો હતો.

- વેદાંતા બંધ ભાવ ૪૬૦ રૂપિયા, +2.22 ટકા (અંદાજે ૨૦ અબજ ડૉલર)ના ડીમર્જરનો માર્ગ મોકળો થયો છે. સપ્ટેમ્બર ૨૦૨૩માં વેદાંતાએ સંભવિત મૂલ્યને અનલૉક કરવા માટે ધાતુઓ, પાવર, ઍલ્યુમિનિયમ અને તેલ તથા ગૅસના વ્યવસાયને ડીમર્જ કરવાની જાહેરાત કરી હતી. ડીમર્જરની કવાયત બાદ વેદાંતા ગ્રુપનાં ૬ સ્વતંત્ર વર્ટિકલ્સ – વેદાંતા ઍલ્યુમિનિયમ, વેદાંતા ઑઇલ ઍન્ડ ગૅસ, વેદાંતા પાવર, વેદાંતા સ્ટીલ અને ફેરસ મટીરિયલ્સ, વેદાંતા બેઝ મેટલ્સ અને વેદાંતા લિમિટેડ – બનાવવામાં આવશે. વેદાંતાના દરેક શૅર માટે શૅરધારકોને પાંચ નવી લિસ્ટેડ કંપનીઓમાંથી દરેકમાંથી એક શૅર પ્રાપ્ત થશે. ડીમર્જર પછી હિન્દુસ્તાન ઝિન્કના વ્યવસાય તેમ જ ઇલેકટ્રૉનિક્સ બિઝનેસ વેદાંતા લિમિટેડ પાસે રહેશે.

નિફ્ટી ઑટો ઇન્ડેક્સ સાપ્તાહિક ૬.૮૩ ટકા વધ્યો

NSEના ઇન્ડેક્સમાં સાપ્તાહિક ધોરણે ઑટો ઇન્ડેક્સ સૌથી વધુ  6.83 ટકાનો સુધારો નોંધાવી 25020 બંધ રહ્યો હતો. દૈનિક હાઇએસ્ટ સુધારો મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રમાં પાંચ ટકાનો, ૩૦ દિવસમાં હાઇએસ્ટ વૃદ્ધિ બાલક્રિશ્ન ઇન્ડસ્ટ્રીઝમાં 27.19 ટકાનો તો ૩૬૫ દિવસમાં સૌથી વધુ સુધારો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝમાં 149 ટકાનો જોવા મળ્યો હતો.

DIIની નેટ વેચવાલી સામે શુક્રવારે FII/FPIની નેટ લેવાલી

કૅશ સેગમેન્ટમાં શુક્રવારે FIIની ૪૩૯૧ કરોડ રૂપિયાની નેટ લેવાલી સામે DIIએ ૧૨૯૦ કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરી હતી.

સેન્સેક્સ V શેપ રિકવરીએ વિક્રમી સપાટીએ

નિફ્ટી વીકલી ધોરણે 3.37 ટકા, દૈનિક ધોરણે 2.5 ટકા, ૩૦ દિવસમાં 2.33 ટકા અને ૩૬૫ દિવસમાં 21.87 ટકા સુધરી 22338.70ના ઑલટાઇમ હાઈથી માત્ર સાડાઅઢાર પૉઇન્ટ નીચે 23290 બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી ન કરી શક્યો એ નવો રેકૉર્ડ સેન્સેક્સે 76795.31નો નવો હાઈ શુક્રવારે બનાવીને પ્રસ્થાપિત કર્યો હતો. શુક્રવારે BSE લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૮ લાખ કરોડના વધારા સાથે ૪૨૩ લાખ કરોડે પહોંચતાં ભારે ઊથલપાથલ વચ્ચે પણ સ્થિતપ્રજ્ઞ રહી પોર્ટફોલિયો ઇન ટેક્ટ રાખનાર રોકાણકારોને હાશકારો થયો હતો. NSEના ૭૭ ઇન્ડેક્સમાંથી ૧૧ ઇન્ડેક્સે પણ શુક્રવારે બાવન સપ્તાહનો નવો હાઈ બનાવ્યો હતો; એમાં ઑટો, ઇન્ડિયા કન્ઝમ્પ્શન, સ્મૉલકૅપ 50, હેલ્થકૅર, મિડકૅપ લિક્વિડ 15, ફાર્મા, એમએનસી, નિફ્ટી ફિફ્ટી વૅલ્યુ 20, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મિડકૅપ 50નો સમાવેશ થાય છે.

નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ દૈનિક 1.04 ટકા, સાપ્તાહિક 1.67 ટકા, ૩૦ દિવસમાં 2.08 ટકા અને ૩૬૫ દિવસમાં 11.33 ટકા વધી 49803, તો નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ અનુક્રમે 1.24 ટકા, 2.06 ટકા, 1.63 ટકા અને 12.06 ટકા સુધરી 22166 બંધ રહ્યો હતો. એ જ રીતે  નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી અનુક્રમે 1.46 ટકા, 2.51 ટકા, 6.71 ટકા અને 58.67 ટકા વધી 69222ના સ્તરે વિરમ્યો હતો. મિડકૅપ સિલેક્ટ પણ અનુક્રમે 1.44 ટકા, 3.51 ટકા, 6.88 ટકા અને 46.30 ટકા વધીને 111756 રહ્યો હતો. બજારની નજર હવે રવિવારના શપથગ્રહણ અને કયાં ખાતાં NDAનાં કયા સાથીપક્ષોને ફાળવાય છે એના પર છે. સેન્સેક્સ આ સપ્તાહે સોમવારના 76738ના હાઈથી મંગળવારના 70234ના બૉટમ સુધીનો ઘટાડો સપ્તાહના ઉત્તરાર્ધમાં કવર કરી શુક્રવારે 76795નો હાઈ બનાવી V શેપ રિકવરી દેખાડી છે એથી સુધારો આગળ ધપવા વિશે ચાર્ટિસ્ટોનો આશાવાદ વધ્યો છે. સેન્સેક્સના તમામ ૩૦ શૅર સુધર્યા હતા. સેન્સેક્સના મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર શુક્રવારે 5.83 ટકા વધી 2857, વિપ્રો 5.09 ટકા વધી 484.45, ટેક મહિન્દ્ર સાડાચાર ટકાના સુધારાએ 1377, ઇન્ફોસિસ 4.13 ટકા પ્લસ થઈ 1533 અને તાતા સ્ટીલ ચાર ટકા વધી ૧૭૯ રૂપિયા રહ્યા હતા. સેન્સેક્સના 1619 પૉઇન્ટ્સના સુધારામાં મુખ્યત્વે રિલાયન્સનું 2.64 ટકા, ૭૬ રૂપિયા વધીને 2939 રૂપિયા બંધ આપી ૨૨૮ પૉઇન્ટ્સનું યોગદાન હતું એ જ રીતે ઇન્ફોસિસનો 190, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો ૧૩૨ અને ભારતી ઍરટેલનો ૧૨૦ પૉઇન્ટ્સનો ફાળો હતો.

business news share market stock market national stock exchange bombay stock exchange sensex nifty