04 February, 2023 06:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
અમેરિકન ફર્મ હિંડનબર્ગ (Hindenburg)ના અહેવાલ બાદ અદાણી ગ્રૂપ (Adani Group)ની કંપનીઓના શેરમાં થયેલા જંગી ઘટાડાને કારણે વિપક્ષે દેશની સંસદમાં હોબાળો મચાવ્યો હતો. શેરોના ઘટાડાને કારણે અદાણી ગ્રૂપની માર્કેટ મૂડીમાં ભારે ઘટાડો નોંધાયો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ હવે અદાણીના કેસ પર સર્જાયેલા હંગામા પર મોટું નિવેદન આપ્યું છે. નાણાપ્રધાને કહ્યું છે કે, ‘ભારતની સ્થિતિને કોઈ પણ રીતે અસર થઈ નથી.’
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘છેલ્લા બે દિવસમાં અમારું ફોરેક્સ રિઝર્વ વધીને ૮ મિલિયન ડૉલર થઈ ગયું છે. FII આવે છે અને જાય છે અને FPO આવે છે અને જાય છે, પરંતુ અદાણીના કેસથી ભારતની છબી અને સ્થિતિને કોઈ અસર થઈ નથી. રેગ્યુલેટર તેમનું કામ કરશે. રિઝર્વ બેંકે તેનું નિવેદન જાહેર કર્યું છે. અગાઉ પણ FPO પાછા ખેંચી લેવામાં આવ્યા છે.’
શુક્રવારે, સંસદમાં વિપક્ષી સભ્યો અદાણી જૂથના મુદ્દા પર ચર્ચા અને સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માંગ કરી રહ્યા હતા.
રોકાણકારોની ચિંતાને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંકે કહ્યું હતું કે, દેશની બેંકિંગ સિસ્ટમ સ્થિર છે. તે સાવચેત છે અને દેશના બેંકિંગ ક્ષેત્રની સ્થિરતા પર નજર રાખવાનું ચાલુ રાખે છે. આરબીઆઈ વતી એવું કહેવામાં આવ્યું છે કે, એક નિયમનકાર અને સુપરવાઈઝર તરીકે આરબીઆઈ નાણાકીય સ્થિરતા જાળવવા માટે બેંકિંગ ક્ષેત્ર અને વ્યક્તિગત બેંકો પર સતત નજર રાખે છે.
આ પણ વાંચો - એસબીઆઈ અને એલઆઈસીનું અદાણી ગ્રુપમાં એક્સ્પોઝર નિયમ મુજબ : સરકાર
અદાણી ગ્રૂપે બુધવારે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસની ૨૦,૦૦૦ કરોડ રુપિયાની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) પાછી ખેંચી લીધી હતી. ૨૦,૦૦૦ કરોડનો આ એફપીઓ ૨૭ જાન્યુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો અને સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયા બાદ ૩૧ જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, FPOને સેકન્ડરી ઑફર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એવી પ્રક્રિયા છે કે, જેના હેઠળ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓ વર્તમાન શેરધારકો તેમજ નવા રોકાણકારોને નવા શેર જારી કરે છે.
આ પણ વાંચો - હિંડનબર્ગ રિપોર્ટનો દરેક શબ્દ ગૌતમ અદાણીને ૨૭ કરોડ રૂપિયામાં પડ્યો
નોંધનીય છે કે, હિંડનબર્ગનો રિપોર્ટ ૨૪ જાન્યુઆરીએ આવ્યો હતો. ત્યારથી અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો. હિંડનબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે, અદાણી ગ્રુપની લિસ્ટેડ સાત કંપનીઓ ૮૫ ટકા ઓવરવેલ્યુડ છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અદાણી જૂથ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને મની લોન્ડરિંગમાં વ્યસ્ત છે.