23 May, 2023 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મજબૂત મેક્રો ઇકૉનૉમિક ફન્ડામેન્ટલ્સ, વ્યાજદરમાં ઘટાડાની સંભાવના, સકારાત્મક અર્નિંગ આઉટલુક અને શૅરોના ઘટતા વૅલ્યુએશનને કારણે વિદેશી રોકાણકારોએ મે મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય ઇક્વિટીમાં ૩૦,૯૪૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સાથે ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા ચોખ્ખો નાણાપ્રવાહ ૨૦૨૩માં અત્યાર સુધીમાં ૧૬,૩૬૫ કરોડ રૂપિયે પહોંચ્યો છે એમ ડિપોઝિટરીઝ પાસે ઉપલબ્ધ ડેટા દર્શાવે છે.
જિયોજિત ફાઇનૅન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રૅટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે આગળ જતાં ભારતમાં એફપીઆઇ રોકાણ ચાલુ રહેવાની અપેક્ષા છે, કારણ કે ભારતીય અર્થતંત્ર અને કૉર્પોરેટ અર્નિંગ વૃદ્ધિની સંભાવનાઓ હવે ઉજ્જવળ દેખાય છે. એપ્રિલમાં ઇક્વિટીમાં ૧૧,૬૩૦ કરોડ રૂપિયા અને માર્ચમાં ૭૯૩૬ કરોડ રૂપિયાના ચોખ્ખા રોકાણને પગલે આ બન્યું હતું.