07 December, 2022 02:29 PM IST | Mumbai | Nisha Sanghvi
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં આજકાલ લાંબા સમયની બીમારીઓનું પ્રમાણ ઘણું વધી ગયું છે. ડાયાબિટીઝ, હાઈ બ્લડ-પ્રેશર, દમ અને મેદસ્વીપણું એ બધી તકલીફો લાંબા સમયની બીમારીઓ ગણાય છે. આપણે ત્યાં હવે લોકો બેઠાડું જીવન વધુ પ્રમાણમાં જીવવા લાગ્યા છે અને માનસિક તાણનું પ્રમાણ પણ વધી ગયું છે. આ સ્થિતિ લાંબા સમયની બીમારીઓને નોતરનારી હોય છે. આથી હવે આવા રોગો સામે આર્થિક રક્ષણ મેળવવા માટે આરોગ્ય વીમો હોવો આવશ્યક છે.
પ્રશ્ન એ છે કે ભારતમાં લાંબા સમયની બીમારીઓની સારવારનો ખર્ચ આરોગ્ય વીમા પૉલિસીમાં આવરી લેવાય છે કે નહીં.
અહીં સૌથી પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે જે બીમારી એક વર્ષ કરતાં વધુ લાંબો સમય ચાલતી હોય અને જેની નિયમિતપણે તબીબી સારવાર કરાવવી પડતી હોય એને લાંબા સમયની બીમારી એટલે કે ક્રૉનિક ડિસીઝ કહેવાય છે. જો એની સમયસર સારવાર કરાવવામાં આવે નહીં તો આ રોગોને લીધે દરદી રોજિંદી પ્રવૃત્તિઓ કરવા પણ અસમર્થ બની જાય છે. ભારતમાં આજની તારીખે જોવા મળતા સામાન્ય ક્રૉનિક ડિસીઝમાં ડાયાબિટીઝ, હાઈ બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ, દમ વગેરેનો સમાવેશ થાય છે. આ બીમારીઓ ગંભીર બનતાં જીવલેણ પણ સાબિત થતી હોય છે.
લાંબા સમયની બીમારીઓ થવા માટે તમાકુનું પ્રત્યક્ષ કે પરોક્ષ સેવન, બેઠાડું જીવન, વધુપડતું મદ્યપાન, અયોગ્ય ખોરાક વગેરેનો સમાવેશ થાય છે. મોટા ભાગની લાંબા સમયની બીમારીઓનો સંપૂર્ણ ઇલાજ શક્ય નથી. એને નિયંત્રણમાં રાખી શકાય છે. એની સારવાર પણ લાંબા સમય સુધી ચાલુ જ રાખવી પડે છે.
વર્તમાન યુગમાં કોઈ પણ બીમારીની સારવાર કરાવવાનું મોંઘું પડતું હોય છે. એમાંય લાંબા સમયના ઉક્ત રોગોની સારવારનો ખર્ચ તો અતિશય વધારે હોય છે. જીવનભરની બચત પણ એમાં ખલાસ થઈ જતી હોવાના દાખલા છે. આ સ્થિતિમાં કમાનાર વ્યક્તિ અને એના પરિવાર પર મોટો બોજ આવી જાય છે.
હવે આપણા આ લેખના મૂળ સવાલ પર આવીએ. શું લાંબા સમયની બીમારીઓ આરોગ્ય વીમા હેઠળ આવરી લેવાય છે? આ સવાલનો જવાબ ‘હા’ છે. મોટા ભાગની આરોગ્ય વીમા કંપનીઓ બેથી ચાર વર્ષનો વેઇટિંગ પિરિયડ વીતી ગયા બાદ ક્રૉનિક ડિસીઝને કવર કરે છે. જો તમે પૉલિસી લેતાં પહેલાં જ આ બીમારીઓથી પિડાતા હો તો એને પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ ગણવામાં
આવે છે. પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ પણ મોટા ભાગના પ્લાન હેઠળ આવરી લેવાયેલા હોય છે. કંપનીએ બહાર પાડેલા પ્લાનનાં નિયમો અને શરતો અનુસાર બેથી ચાર વર્ષના વેઇટિંગ પિરિયડ બાદ જ પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ કવર થાય છે. જો તમે ક્રૉનિક ડિસીઝ માટેનો પ્લાન લીધો હોય તો એમાં પહેલા જ દિવસથી પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ આવરી લેવાયેલા હોય છે.
આરોગ્ય વીમા કઢાવતી વખતે ક્રૉનિક ડિસીઝની જાણ કરી દેવી કેમ જરૂરી હોય છે?
પૉલિસી લેતી વખતે પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝની જાણ કરવી અત્યંત જરૂરી છે, કારણ કે જો તમે એ જાણ કરો નહીં અને વીમા કંપનીને પછીથી એની જાણ થાય તો તમારો ક્લેમ નામંજૂર કરવામાં આવે છે. તમે જ્યારે ક્રૉનિક ડિસીઝ માટે આરોગ્ય વીમાનો ક્લેમ કરો ત્યારે વીમા કંપની તમારા મેડિકલ રિપોર્ટ્સની ચકાસણી કરીને તમારી પાસે મેડિકલ હિસ્ટરી માગી શકે છે. જો તમે પ્રી-એક્ઝિસ્ટિંગ ક્રૉનિક ડિસીઝ વીમા કંપનીથી છુપાવીને રાખ્યો હોય તો તેમને હિસ્ટરી પરથી એની જાણ થઈ શકે છે. તમારું જુઠાણું પકડાઈ જવાને પગલે ક્લેમ નામંજૂર થઈ જાય છે.
અહીં ખાસ કહેવાનું કે પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ જાહેર કરવાથી પ્રીમિયમ વધી જાય અથવા વેઇટિંગ પિરિયડ વધી જાય તોપણ એ બીમારીને ક્યારેય છુપાવવી નહીં. તમે ક્લેમ કરતાં પહેલાં તમે ચૂકવેલું પ્રીમિયમ તમારો ક્લેમ નામંજૂર થવાને પગલે નકામું જવાનું જોખમ રહે છે.
નિષ્કર્ષઃ છેલ્લે, એટલું જ કહેવાનું કે આજકાલ નાની-મોટી દરેક ઉંમરના લોકોને ક્રૉનિક ડિસીઝ થવા લાગ્યા છે. જો પૂરતો આરોગ્ય વીમો ન હોય તો એ બીમારીઓની સારવાર ઘણી મોંઘી પુરવાર થાય છે અને એમાં તમારી જિંદગીભરની બચતનું પણ ધોવાણ થવાનું જોખમ હોય છે. આથી ક્રૉનિક ડિસીઝ માટેની આરોગ્ય વીમા પૉલિસી કઢાવી લેવી અને જે કોઈ તકલીફ કે બીમારી હોય એની જાણ પ્રામાણિકપણે વીમા કંપનીને કરી દેવી.