02 January, 2025 07:40 AM IST | Mumbai | Kanu J Dave
પ્રતીકાત્મક તસવીર
મારુતિ અને મુથૂટ ત્રણ ટકા વધ્યા; એફઆઇઆઇની નેટ વેચવાલી ચાલુ, આજે નિફ્ટી વીક્લી ઑપ્શન્સનું સેટલમેન્ટ, ઇરેડાની મજબૂત લોન-બુક, માર્કેટ બ્રેડ્થ સુધરી
અમેરિકા અને યુરોપનાં બજારો ન્યુ યરની રજા પર હોવાના કારણે આપણાં બજારોને મામૂલી સુધારા સાથે બંધ રહેવાનો મોકો મળ્યો હતો. ઑટો અને ફાઇનૅન્સ શૅરોએ સુધારાની આગેવાની લીધી હતી. ડિસેમ્બરના વેચાણના આંકડાઓ બજાજ ઑટો, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, એસ્કોર્ટ્સ કુબોટા અને હ્યુન્દાઇ મોટર ઇન્ડિયાએ જાહેર કર્યા હતા. નિફ્ટી ફિફ્ટી 23,644ના પુરોગામી બંધ સામે 23,637 ખૂલી સવારે ૧૦ પહેલાં જ 23,562નો લો નોંધાવી, બપોરે બે આસપાસ 23,822નો હાઈ બનાવી દિવસના અંતે 0.41 ટકા, 98 પૉઇન્ટ્સ સુધરી 23,742 બંધ રહ્યો હતો. નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસનો દેખાવ સરખામણીએ વધુ સારો રહ્યો હતો. જાન્યુઆરી વાયદાનો આ આંકનો આજે પહેલો દિવસ હતો. 23,512 અને 23,715 વચ્ચે રમી બુધવારે એ 0.46 ટકા, 107 પૉઇન્ટ્સ વધી 23,619ના સ્તરે ક્લોઝ થયો હતો. નિફ્ટી બૅન્કમાં 0.39 ટકા અને નિફ્ટી નેક્સ્ટ 50માં 0.38 ટકાનો સુધારો થતાં આ ઇન્ડેક્સ અનુક્રમે 51,060 અને 62,247 બંધ રહ્યા હતા. નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 0.21 ટકા સુધરી 12,934 બંધ હતો. નિફ્ટીમાં આજની સાપ્તાહિક ઑપ્શન એક્સપાયરીમાં વેચાણો કપાય તો સુધારો આવે તો 23,800 ઉપર બંધ આવી શકે છે. નિફ્ટીના 50માંથી 37, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીના 50માંથી 32, મિડકૅપ સિલેક્ટના 25માંથી 16, નિફ્ટી ફાઇનૅન્શ્યલના 20માંથી 17 અને બૅન્ક નિફ્ટીના 12માંથી 10 શૅરો સુધારા સાથે બંધ રહ્યા હતા. બીએસઈ ખાતે 368 પૉઇન્ટ્સ વધી, 0.47 ટકાના ગેઇને સેન્સેક્સ 78,507ના સ્તરે અને બૅન્કેક્સ 0.30 વધી 57,912ના સ્તરે વિરમ્યા હતા. સેન્સેક્સના 30માંથી 22 અને બૅન્કેક્સના 10માંથી 9 શૅરો વધ્યા હતા. એકમાત્ર એસબીઆઇ રેડમાં બંધ હતો.
નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના મુથૂટ 3.33 ટકા ઊછળી 2207, એસબીઆઇ કાર્ડ 1.83 ટકા વધી 676, બજાજ ફાઇનૅન્સ પોણાબે ટકા સુધરી 6940 રૂપિયા અને શ્રીરામ ફાઇનૅન્સ તથા આઇસીઆઇસીઆઇ જનરલ ઇન્શ્યૉરન્સ એક-એક ટકો વધી અનુક્રમે 2920 અને 1807 રૂપિયાના સ્તરે બંધ હતા. આ ઇન્ડેક્સના બે પ્રતિનિધિ સ્ટેટ બૅન્ક 0.08 ટકા અને એચડીએફસી એએમસી 0.76 ટકા ઘટીને અનુક્રમે 794 અને 4166 રૂપિયા જેવા બંધ સમયે બોલાતા હતા. નિફ્ટીના મારુતિમાં 3 ટકાનો ઉછાળો આવતાં 11,185 રૂપિયા બંધ રહ્યો હતો. વાર્ષિક સરખામણીએ ડિસેમ્બર માસમાં વેચાણ 1,78,248 (1,37,551) અને એ જ રીતે નિકાસ વેચાણ 37,419 (26,884) વાહનોનું થયું હોવાનું કંપનીએ જણાવ્યું હતું. નાણાકીય વર્ષના પ્રથમ 9 માસમાં ડોમેસ્ટિક વેચાણ ગત વર્ષના 9 માસની તુલનાએ ઓછું હતું. જોકે નિકાસ વેચાણના નવ માસના આંકડા પ્રોત્સાહક હતા. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનાં વાહનોના વેચાણના આંકડામાં મિશ્ર ચિત્ર હતું. નિકાસો માસિક 70 ટકા અને નવમાસિક ધોરણે 22 ટકા વધી અનુક્રમે 3092 અને 24,101 વાહનોની થઈ હતી. સ્થાનિકમાં યુટિલિટી વેહિકલ્સનું વેચાણ ડિસેમ્બરમાં 41,424 અને પ્રથમ 9 માસમાં 4,02,360 વાહનોનું થતાં અનુક્રમે 18 અને 21 ટકાનો ગ્રોથ જોવાયો હતો. લાઇટ કમર્શિયલ વેહિકલ્સ (LCV)ના આંકડા એટલા પ્રોત્સાહક નહોતા. તાતા મોટર્સના આંકડામાં ગ્રોથ જોવા મળ્યો નહોતો. હ્યુન્દાઇ ઇન્ડિયાએ સમગ્રતયા વાહનોના વેચાણના નેગેટિવ આંકડા દેખાડ્યા એથી ભાવ અડધો ટકો ઘટી 1798 રૂપિયા રહ્યો હતો. એસ્કોર્ટ્સના વેચાણ આંકડા પણ ઘટાડો દર્શાવતા હોવાથી ભાવ એક ટકો ઘટી 3300 રૂપિયા બંધ રહ્યો હતો. નિફ્ટી પ્રતિનિધિ શૅરોમાંથી ઘટવામાં હિન્દાલ્કો 1.40 ટકા ડાઉન થઈ 594 રૂપિયા, ડૉ. રેડ્ડી સવા ટકો ઘટી 1372 રૂપિયા, અદાણી પોર્ટ્સ 1 ટકાના નુકસાને 1218 રૂપિયા, ઓએનજીસી પણ 1 ટકા ઘટી 236 રૂપિયા અને તાતા સ્ટીલ 0.85 ટકાના લોસે 136 રૂપિયાનો સમાવેશ થતો હતો. નિફ્ટી બૅન્કના પ્રતિનિધિ શૅરો એ.યુ. બૅન્ક 2 ટકા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક પોણાબે ટકા, ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક 1 ટકા, ઍક્સિસ બૅન્ક પોણો ટકો અને એચડીએફસી બૅન્ક 0.68 ટકા વધી અનુક્રમે 570, 64.25, 970, 1072 અને 1784 રૂપિયાની સપાટીએ બંધ થયા હતા. પંજાબ નૅશનલ બૅન્ક 0.03 ટકા ઘટી 102 રૂપિયા બંધ હતો. નિફ્ટી મિડકૅપ સિલેક્ટના વૉલ્ટાસ સવાબે ટકા સુધરી 1830 રૂપિયા, અરબિંદો ફાર્મા 1.31 ટકા વધી 1352 રૂપિયા અને અશોક લેલૅન્ડ સવા ટકો સુધરી 223 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. મિડકૅપ સિલેક્ટનો ક્યુમિન્સ દોઢ ટકો તૂટી 3225 રૂપિયા, એસઆરએફ સવા ટકો ઘટી 2211, એમઆરએફ એક ટકો ઘટી 1,29,300 રૂપિયા બંધ હતા.
એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 438.41 લાખ કરોડ રૂપિયાના સ્તરે તો બીએસઈ લિસ્ટેડ શૅરોનું 444.43 લાખ કરોડ રૂપિયા હતું. એનએસઈના 2892 ટ્રેડેડ શૅરોમાંથી 2048 તથા બીએસઈના 4071 ટ્રેડેડ શૅરોમાંથી 2718 વધ્યા હતા. એનએસઈ ખાતે 46 અને બીએસઈમાં 153 શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 34 અને 37 શૅરો 52 વીક લો પર હતા. એનએસઈના 142 શૅરો ઉપલી સર્કિટે અને 62 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.
ઍક્સિસ બૅન્ક બ્લૉકડીલના અને ઇરેડા મજબૂત લોન-બુકના કારણે સુધર્યા
ઍક્સિસ બૅન્કમાં 1062.65 રૂપિયાના ભાવે 7,47,772 શૅરોનો સોદો થયો હતો. 1064 રૂપિયાના પ્રીવિયસ બંધ સામે એ જ સ્તરે ખૂલીને ભાવ ઘટીને પોણાદસ આસપાસ 1053 રૂપિયા થયા બાદ વધીને 1076 રૂપિયા થયા પછી છેલ્લે 1072 બંધ રહ્યો હતો. ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ (ઇરેડા) 2.29 ટકા વધીને 221.05 રૂપિયા રહ્યો હતો. લોન મંજૂરીનું પ્રમાણ ઑક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિકમાં ગત વર્ષના સમાન પિરિયડના 13,558 કરોડ રૂપિયાની તુલનાએ 31,087 કરોડ રૂપિયાનું થયું હોવાનું કંપનીએ જણાવ્યું હતું. ડિસેમ્બર ક્વૉર્ટરના અંતે કંપનીની લોન-બુક 69,000 કરોડ રૂપિયા થઈ હતી જે ડિસેમ્બર 2023ના અંતે 50,580 કરોડ રૂપિયાના સ્તરે હતી. કંપનીના બોર્ડે 4500 કરોડ રૂપિયા ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા ઊભા કરવાનો નિર્ણય પણ લીધો છે. જોકે એ માટેની ટાઇમ લાઇન નક્કી કરાઈ નથી. 32 રૂપિયાના ભાવે કંપનીનો આઇપીઓ આવ્યો હતો. કંપની રિન્યુએબલ એનર્જી માટેની રિટેલ લોન સબસિડિયરી મારફત આપવાની મંજૂરી પણ ધરાવે છે. ૨૦૨૩ની ૨૯ નવેમ્બરે લિસ્ટિંગ થયું એ દિવસે ઘટીને 50 રૂપિયાનો ભાવ જોવા મળ્યો એ જ ઐતિહાસિક લો ભાવ રહ્યો છે. ઐતિહાસિક હાઈ ભાવ 310 રૂપિયાનો ૨૦૨૪ની ૧૫ જુલાઈએ થયા પછી બાવીસમી નવેમ્બરે 181.40 રૂપિયાનું બૉટમ બનાવી ૨૦૨૪ની ૧૧ ડિસેમ્બરે 221.69 રૂપિયાનો હાઈ બનાવી એ પછીના ઘટાડામાં 195.32 રૂપિયાનું હાયર બૉટમ બનાવી હવે ભાવ 221 રૂપિયા આસપાસ આવી ગયો છે.
FIIની નેટ વેચવાલી સામે DII લેવાલ
2025ના પહેલા દિવસે FIIની 1783 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહી હતી. સામે DIIની 1690 કરોડ રૂપિયાની નેટ લેવાલી રહેતાં સમગ્રતયા 93 કરોડ રૂપિયાની નેટ વેચવાલી કૅશ સેગમેન્ટમાં જોવા મળી હતી.