પોણાબે મહિને પ્રથમ વાર FII નેટ બાયર બની, પણ બજારની રૅલી આગળ ન ચાલી

27 November, 2024 07:46 AM IST  |  Mumbai | Anil Patel

NTPCનું લિસ્ટિંગ આજે, ગ્રે માર્કેટમાં માંડ રૂપિયાનું પ્રીમિય

પ્રતીકાત્મક તસવીર

એક લાખના ઉંબરે પહોંચેલા બિટકૉઇન અને પાકિસ્તાની શૅરબજારમાં મોટો ધબડકો જોવાયો : NTPCનું લિસ્ટિંગ આજે, ગ્રે માર્કેટમાં માંડ રૂપિયાનું પ્રીમિયમ: : એન્વીરો ઇન્ફ્રા ૯૦ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો, પ્રીમિયમ ઢીલું પડ્યું: અદાણી એનર્જી અને અદાણી ગ્રીન નવા ઐતિહાસિક તળિયે, ગ્રુપના તમામ ૧૧ શૅર રેડ ઝોનમાં : બોનસની રેકૉર્ડ ડેટ નજીક આવતાં વિપ્રો નવા શિખરે, ઇન્ફી પોણાબે ટકા ઊંચકાઈને બજારને ૧૦૨ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો : માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ : એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ ૧૦ દિવસમાં ૩.૩૨ લાખથી ગગડી ૨.૧૯ લાખ રૂપિયા પર આવી ગયો

FIIની એકધારી અને આક્રમક વેચવાલી સોમવારના રોજ અટકી છે. સપ્ટેમ્બર પછીના છેલ્લા પોણાબે માસમાં પ્રથમ વાર એણે ૯૯૪૭ કરોડની નેટ લેવાલી કરી છે. આમ છતાં છેલ્લા બે દિવસમાં ત્રણેક હજાર પૉઇન્ટ વધેલું બજાર મંગળવારે ઘટીને બંધ થયું છે. મતલબ કે FIIના મોરચે આટલા સારા સમાચાર પણ મહારાષ્ટ્રમાં NDAની અભૂતપૂર્વ જીત પ્રેરિત માર્કેટ રૅલીને સપોર્ટ આપવામાં નિષ્ફળ ગયા છે. બજારનું પોત પાતળું પડી ગયું છે, આંતરપ્રવાહ કમજોર છે, માનસ ખરડાયેલું છે એ વાત ફરી એક વાર સાચી પુરવાર થઈ છે. સેન્સેક્સ આગલા બંધથી ગઈ કાલે ૩૦૫ પૉઇન્ટ પ્લસમાં ૮૦,૪૧૫ ખૂલી ઉપરમાં ૮૦,૪૮૨ વટાવી ગયા પછી હાંફી ગયો હતો. બજાર નીચામાં ૭૯,૭૯૯ની અંદર જઈ અંતે ૧૦૬ પૉઇન્ટની પીછેહઠમાં ૮૦,૦૦૪ તથા નિફ્ટી ૨૭ પૉઇન્ટની ઢીલાશમાં ૨૪,૧૯૪ બંધ રહ્યો છે. બજારના ઇન્ડાઇસિસ બહુધા મિશ્ર વલણમાં હતા. નિફ્ટી ઑટો, નિફ્ટી ફાર્મા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ એકથી સવા ટકો, પાવર ઇન્ડેક્સ દોઢ ટકો અને યુટિલિટીઝ પોણાબે ટકા ડૂલ થયા હતા. સામે આઇટી બેન્ચમાર્ક એક ટકાથી વધુ અને નિફ્ટી મીડિયા એક ટકા નજીક પ્લસ હતા. બૅન્કિંગ, રિયલ્ટી, ફાઇનૅન્સ, કૅપિટલ ગુડ્સ નહીંવત વધઘટે બંધ થયા છે. સ્મૉલકૅપ અડધો ટકો પ્લસ હતો. સરવાળે પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૪૩૭ શૅરની સામે ૧૦૪૨ શૅર નરમ રહ્યા છે. બજારનું માર્કેટકૅપ ૭૪,૦૦૦ કરોડના ઘટાડે ૪૩૯.૭૫ લાખ કરોડ રૂપિયા નોંધાયું છે.

હૉન્ગકૉન્ગના નજીવા સુધારાને અપવાદ ગણતાં અન્ય તમામ અગ્રણી એશિયન બજાર મંગળવારે કમજોર હતાં જેમાં તાઇવાન સવા ટકો, જપાન તથા ઇન્ડોનેશિયા એક ટકા નજીક અને સાઉથ કોરિયા તથા સિંગાપોર અડધો ટકો માઇનસ હતાં. યુરોપ પણ રનિંગમાં અડધા ટકા આસપાસ ઢીલું હતું. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ સાતેક ટકા ગગડી ૩.૧૫ લાખ કરોડ ડૉલર થયું છે. કરાચી શૅરબજાર ૯૮,૦૭૯ના આગલા બંધ સામે ગઈ કાલે ૯૯,૮૧૯ની નવી સર્વોચ્ચ સપાટી બતાવી રનિંગમાં સવાત્રણ ટકા કે ૩૧૩૧ પૉઇન્ટની ખુવારીમાં ૯૪,૯૦૧ ચાલતું હતું.

સીટુસી ઍડ્વાન્સ્ડના SME IPOમાં ખેલ થઈ ગયો

એન્વીરો ઇન્ફ્રા એન્જિનિયર્સનો ૧૦ના શૅરદીઠ ૧૪૮ની અપર બૅન્ડ સાથે ૬૫૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે કુલ ૯૦ રિસ્પૉન્સમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં બાવનવાળું પ્રીમિયમ હાલમાં ઘટીને ૪૮ બોલાય છે. NTPC ગ્રીન એનર્જીનું લિસ્ટિંગ આજે, બુધવારે છે. શૅરદીઠ ૧૦૮ની ઇશ્યુ પ્રાઇસ સામે કસવગરનું એકાદ રૂપિયાનું પ્રીમિયમ ગ્રે માર્કેટમાં ચાલે છે. બૅન્ગલોરની સીટુસી ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સના SME ઇશ્યુમાં ખેલો થઈ ગયો છે. સેબી સમક્ષ ઇશ્યુ લાવનારી કંપની ડિફેન્સ સેક્ટરમાં પ્રવૃત્ત હોવાના કારણે ગ્રે માર્કેટમાં પહેલેથી ફેન્સી જામી હતી. ૨૨૬ની ઇશ્યુ પ્રાઇસ સામે પ્રીમિયમ ઊંચકાઈ ૨૪૫ થઈ ગયું હતું, પરંતુ કંપની તરફથી પૂરતું ડિસ્ક્લોઝર થયું નથી. આવક નફાના આંકડામાં ગોલમાલ છે ઇત્યાદી સંબંધે સેબીને ફરિયાદ થતાં સેબીએ સ્વતંત્ર ઑડિટર્સની નિમણૂક કરી રિપોર્ટ આપવાનો આદેશ જારી કર્યો છે. આ ઉપરાંત ઇશ્યુમાં અરજી કરનાર નાના રોકાણકાર, ઍન્કર ઇન્વેસ્ટર્સ સહિત અન્યને તેણે કરેલી અરજી ગુરુવાર સુધી પરત ખેંચવાની મંજૂરી આપી છે. આના પગલે પ્રીમિયમ ગગડી છેલ્લે ૭૫ રૂપિયા બોલાતું હતું. કુલ ૯૯ કરોડનું આ ભરણું એના મૂળ શેડ્યુલ્ડ પ્રમાણે ગઈ કાલે ૧૨૫ ગણા પ્રતિસાદમાં પૂરું થયું છે, પરંતુ અરજી પાછી ખેંચવાના વિકલ્પને લઈ ખરેખર ભરણું કેટલું ભરાયું એની ખબર ગુરુવારે પડશે. આથી કંપનીનું લિસ્ટિંગ ૨૯ નવેમ્બરના બદલે બેશક વિલંબમાં મુકાશે. રાજપૂતના બાયોડીઝલનો ૧૦ના શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૨૪૭૦ લાખનો SME ઇશ્યુ પ્રથમ દિવસે જ ૧૮.૮ ગણો છલકાયો છે. પ્રીમિયમ ૭૦થી વધીને ૯૦ બોલાવા માડ્યું છે. રાજેશ પાવર સર્વિસિસનો ૧૦ના શૅરદીઠ ૩૩૫ના ભાવનો ૧૬૦ કરોડનો BSE SME IPO આજે બંધ થશે. ભરણું પાંચ ગણું અત્યાર સુધી ભરાયું છે. પ્રીમિયમ ઘટીને ૬૦ ચાલે છે.

બૅન્ક-ગૅરન્ટી રદ થતાં ટેલિકૉમ શૅરમાં સિલેક્ટિવ ફૅન્સી દેખાઈ

સરકારે ૨૦૨૨ પૂર્વે થયેલી સ્પેક્ટ્રમની ખરીદીના કિસ્સામાં ટેલિકૉમ ઑપરેટર્સ પર લાગુ પડતી બૅન્ક ગૅરન્ટીને રદ કરવાની જાહેરાત કરી છે. આના કારણે ટેલિકૉમ કંપનીઓને કુલ મળીને આશરે ૩૦ હજાર કરોડ રૂપિયાની જવાબદારી કે બોજામાંથી મુક્તિ મળી જશે. આના પગલે ગઈ કાલે તાતા ટેલિ ૧૭ ગણા કામકાજે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૮૩ નજીક જઈને ‘એ’ ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર બન્યો હતો. તો વોડાફોન સાડાત્રણ ગણા વૉલ્યુમે સવાઆઠ વટાવી છેલ્લે સવાનવ ટકાના જમ્પમાં સાડાસાત રૂપિયા ઉપર રહ્યો છે. ભારતી ઍરટેલ ૧૬૦૫ થઈ નામ કે વાસ્તે ઘટીને ૧૫૭૮ હતો. અન્ય ટેલિકૉમ શૅરમાં વિન્દય ટેલિ, MTNL, તેજસ નેટ, રાઉટ મોબાઇલ બેથી સાડાત્રણ ટકા મજબૂત હતા. રેલટેલ, ભારતી હેક્સા અને તાતા કમ્યુનિકેશન સવા ટકા આસપાસ કટ થયા છે.

આઇટી બેન્ચમાર્ક ૫૬માંથી ૪૫ શૅરના સથવારે ૪૮૦ પૉઇન્ટ કે એક ટકાથી વધુ પ્લસ થયો છે જેમાં ઇન્ફીનું પ્રદાન ૨૩૮ પૉઇન્ટ તથા ટીસીએસનો ફાળો ૭૩ પૉઇન્ટ હતો. વિપ્રો બોનસની રેકૉર્ડ ડેટ નજીક આવતાં ૫૯૦ના શિખરે જઈ એક ટકો વધી ૫૮૯ રહ્યો છે. HCL ટેક્નૉ સાધારણ, ટેક મહિન્દ્ર અડધો ટકો અને લાટિમ પોણાબે ટકા વધ્યા હતા. સાઇડ શૅરમાં ક્વીકહીલ, બિરલા સૉફ્ટ, કન્ટ્રોલ પ્રિન્ટ, સિગ્નિટી ટેક્નૉ, મૅપમાય ઇન્ડિયા, ડાયનાકૉન્સ સિસ્ટમ્સ, જેનેસિસ તથા સોનાટા સૉફ્ટવેર ચારથી આઠ ટકા તો રામકો સિસ્ટમ્સ પોણાનવ ટકા ઊછળ્યો હતો.

બૅન્ક નિફ્ટી ૧૬ પૉઇન્ટના સાવ મામૂલી ઘટાડે બંધ રહ્યો છે. એના ૧૨માંથી ૮ શૅર પ્લસ હતા પણ ઍક્સિસ બૅન્ક તથા સ્ટેટ બૅન્ક જેવા હેવીવેઇટ્સની નબળાઈ વચ્ચે HDFC બૅન્કની સુસ્તીનો ભાર વરતાયો છે. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના સુધારે ૧૧ પૉઇન્ટ જેવો પરચૂરણ વધ્યો છે. બૅન્કિંગના ૪૧માંથી ૨૭ શૅર પ્લસ થયા છે. યસ બૅન્ક પોણા પાંચ ટકા, ફીનો પેમેન્ટ બૅન્ક સાડાત્રણ ટકા, સિટી યુનિયન બૅન્ક તથા કરૂર વૈશ્ય સવાત્રણ ટકા મજબૂત બન્યા છે. સૂર્યોદય બૅન્ક પોણાબે ટકા, સેન્ટ્રલ બૅન્ક સવા ટકો, ઍક્સિસ બૅન્ક એક ટકો નરમ હતા.

અદાણીના શૅરમાં રાબેતા મુજબની ખરાબી ફરી શરૂ થઈ

નિફ્ટી ખાતે શ્રીરામ ફાઇનૅન્સ સવાત્રણ ટકા કે ૯૮ના ઉછાળે ૩૦૪૬ બંધ આપી ટૉપ ગેઇનર બન્યો છે. બ્રિટાનિયા સવાબે ટકા કે ૧૦૯ રૂપિયા અને ભારત ઇલેક્ટ્રિક બે ટકા નજીક ઊંચકાઈ હતા. સેન્સેક્સ ખાતે એશિયન પેઇન્ટ્સ પોણાબે ટકાથી વધુના સુધારામાં ૨૫૦૫ બંધ આપી મોખરે હતો. ઇન્ફોસિસ પોણાબે ટકા વધી ૧૯૨૨ના બંધમાં બજારને ૧૦૨ પૉઇન્ટ ફળ્યો છે. ટીસીએસ પોણા ટકાથી વધુ અને રિલાયન્સ, તાતા સ્ટીલ, ટાઇટન, ટેક મહિન્દ્ર તેમ જ ઇન્ડ્સઇન્ડ બૅન્ક અડધા ટકાથી વધુ સુધર્યા હતા. સામે પક્ષે અદાણી એન્ટરપ્રાઇઝ પોણાપાંચ ટકા કે ૧૦૭ રૂપિયા ખરડાઈને નિફ્ટી ખાતે અને અદાણી પોર્ટ્સ સવાત્રણ ટકા બગડીને સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બન્યા છે. અદાણીના અન્ય શૅરમાં અદાણી પાવર બે ટકા, અદાણી એનર્જી પોણાચાર ટકા તૂટી ૬૦૧ના મલ્ટિયર તળિયે, અદાણી ગ્રીન સાત ટકા લથડીને ૮૯૯ની ઐતિહાસિક નીચી સપાટીએ, અદાણી ટોટલ સાડાત્રણ ટકા, અદાણી વિલ્મર અઢી ટકા, એસીસી સવા ટકાથી વધુ અને અંબુજા સિમેન્ટ્સ સવાબે ટકાથી વધુ, સાંધી ઇન્ડસ્ટ્રીઝ સાફ થયા હતા. NDTV નહીંવત ઘટાડે ૧૬૬ હતો. પીએસપી પ્રોજેક્ટ્સ અડધો ટકો અને આઇટીડી સિમેન્ટેશન દોઢ ટકો ડાઉન હતા. ઓરિયેન્ટ સિમેન્ટ્સ અડધો ટકો વધ્યો છે.

સેન્સેક્સ નિફ્ટી ખાતે મહિન્દ્ર, NTPC, સન ફાર્મા, તાતા મોટર્સ પોણાબેથી અઢી ટકા અને અલ્ટ્રાટેક તેમ જ બજાજ ઑટો ત્રણથી સવાત્રણ ટકા ડૂલ થયા હતા. ટ્રેન્ટ, કોલ ઇન્ડિયા, ONGC, આઇશર, લાર્સન, પાવર ગ્રીડ સવાથી દોઢેક ટકો માઇનસ હતા. લાર્સન ૧.૪ ટકા ઘટી બજારને ૫૦ પૉઇન્ટ તો મહિન્દ્ર ૧.૯ ટકાના ઘટાડે ૪૮ પૉઇન્ટ નડ્યા છે. સેન્સેક્સ ખાતે ITC ૪૭૭ નજીકના બંધમાં યથાવત હતો. એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ જે રિ-લિસ્ટિંગમાં તોફાની તેજી બતાવી ૮ નવેમ્બરે ૩,૩૨,૪૦૦ના શિખરે ગયો હતો એ ત્યાંથી નીચલી સર્કિટની હારમાળામાં ગગડી ગઈ કાલે ૨,૧૯,૬૨૨ બંધ આવ્યો છે.

business news sensex nifty stock market share market national stock exchange bombay stock exchange