મિની બૅન્કિંગ ક્રાઇસિસને અવગણીને ફેડે વ્યાજના દર વધાર્યા : અમેરિકાને મંદી ચાલશે, ભાવવધારો હરગિજ નહીં

27 March, 2023 03:02 PM IST  |  Mumbai | Jitendra Sanghvi

રિઝર્વ બૅન્ક નાછૂટકે ફેડને અનુસરે તો નવાઈ નહીં, ભારત આ કટોકટીમાંથી હેમખેમ પાર ઊતરશે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

અમેરિકા મિની બૅ​ન્કિંગ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યું હોવા છતાં ફેડરલ રિઝર્વે ગયે અઠવાડિયે અપેક્ષાથી વિપરીત વ્યાજના દરનો વધારો ચાલુ રાખ્યો છે. ટે​ક્નિકલી અમેરિકા મંદીનો સામનો કરી રહ્યું છે ત્યારે આવી પડેલી નાણાકીય ક્ષેત્રની આ કટોકટી માત્ર અમેરિકાના જ નહીં, પણ વિશ્વના અર્થતંત્ર માટે પણ મોટી સમસ્યા સર્જી શકે. એની અવગણના કરીને પણ વ્યાજના દર વધારવાનું એકમાત્ર કારણ છે અમેરિકા એના ભાવવધારાના બે ટકાના લક્ષ્યાંકથી હજી બહુ દૂર હોવાનુ. કોઈ પણ ભોગે આ લક્ષ્યાંક સિદ્ધ કરવા અમેરિકા કટિબદ્ધ છે.

ફેડને પગલે બૅન્ક ઇંગ્લૅન્ડે પણ વ્યાજના દર વધારવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. બની શકે બ્રિટનના ફેબ્રુઆરીના ભાવવધારા (૧૦.૪ ટકા)એ ઇંગ્લૅન્ડની કેન્દ્રવર્તી બૅન્કને આમ કરવાની ફરજ પાડી હોય. 

સમગ્ર વિશ્વમાં કંપનીઓ ખાસ કરીને આઇટી કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને છૂટા કરવા (લે-ઑફ)ની પ્રક્રિયા આગળ વધતી જાય છે. અન્કટાડના તાજેતરના અહેવાલ પ્રમાણે ૨૦૨૨ના ડિસેમ્બર ક્વૉર્ટરમાં વિશ્વવેપારનો દર નેગેટિવ હતો. ૨૦૨૩ના પ્રથમ ક્વૉર્ટરમાં પણ સ્લોડાઉન ચાલુ રહેશે (ચીજવસ્તુઓના વેપારમાં માત્ર એક ટકાનો નજીવો વધારો થશે). વિકસતા દેશોનો વેપાર વધુ નબળો રહ્યો છે.

વિશ્વવેપાર માટેની આ વૈશ્વિક સંસ્થાના મતે વર્તમાને ચાલી રહેલ જિયો-પૉલિટિકલ તણાવ અને ધાતુઓ, ખાદ્ય પદાર્થો અને ઊર્જા માટેના ઊંચા ભાવોને લઈને પ્રવર્તમાન ભાવવધારાની સ્થિતિ વિશ્વવેપારની ભારે અનિશ્ચિતતા માટે જવાબદાર ગણાય. વ્યાજના ઊંચા દર અને જાહેર ક્ષેત્રના ઊંચા દેવાને કારણે ઘણા દેશોના મેક્રો-ઇકૉનૉમિક પૅરામીટર્સ પરનું જોખમ વધ્યું છે. 
ચીનના પ્રમુખ જિનપિંગની રશિયાની મુલાકાત પછી જપાનના વડા પ્રધાનની યુક્રેનની મુલાકાતના રશિયા-યુક્રેન યુદ્ધ પર શું પ્રત્યાઘાત પડે છે એ જોવું રહ્યું. 

વર્તમાન સંદર્ભમાં ઓવરઑલ ભારતની પરિસ્થિતિ અપેક્ષાએ ઘણી સારી છે. આપણી બૅન્કો સહીસલામત, સ્થિર અને સ્થિતિસ્થાપક છે. છેલ્લાં દસ વર્ષમાં આપણે આપણી બૅન્કોની બૅલૅન્સ-શીટ (એનપીએ માટેની જોગવાઈઓ કડક બનાવીને) મજબૂત બનાવી છે. ભારતમાં યોજાયેલ G20ની તાજેતરની મીટિંગમાં પણ અમેરિકા અને થોડે અંશે યુરોપની હાલની ક્રાઇસિસ સિસ્ટમિક ક્રાઇસિસમાં નહીં પરિણમે એવો વિશ્વાસ વ્યકત કર્યો છે. રિઝર્વ બૅન્ક અને નાણા મંત્રાલયના અહેવાલ પ્રમાણે, વર્તમાન ક્રાઇસિસ પછી પણ ભારતના આર્થિક વિકાસનો દર ફિસ્કલ ૨૪ માટે આર્થિક સર્વેના અંદાજ પ્રમાણે ૬.૫ ટકા (પ્લસ માઇનસ અડધો ટકો) રહેશે. 

દરમ્યાન લોકસભામાં ૬૪ સુધારાઓ સાથેનું ફાઇનૅન્સ બિલ કોઈ પણ જાતની ચર્ચા સિવાય પસાર કરાયું છે. 

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટેના મોંઘવારી-ભથ્થા અને મોંઘવારી-રાહતમાં ચાર ટકાનો (૩૮ ટકામાંથી ૪૨ ટકા) વધારો કરાયો છે જેનો ફાયદો ૧.૨ કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. ફિસ્કલ ૨૪માં આ માટે ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજ સરકારી તિજોરી પર પડશે.

ફેડના વધતા જતા વ્યાજના દર વચ્ચે વિદેશી પોર્ટફોલિયો મૂડીનો આઉટફ્લો ચાલુ છે, એમ છતાં માર્ચ ૧૭ના અઠવાડિયે આપણા વિદેશી હૂંડિયામણમાં અત્યાર સુધીનો સૌથી મોટો ત્રીજા નંબર (૧૩ બિલ્યન ડૉલર)નો જંગી વધારો થયો છે. 

દેશના અમુક ભાગોમા થઈ રહેલા કમોસમી વરસાદ (માવઠાં) અને હીટવેવ આપણા ખરીફ પાકને નુકસાન પહોંચાડી શકે. રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં કરાયેલી બે વર્ષની જેલની સજાને પગલે તેમનું સંસદસભ્યપદ રદ કરાતાં તેમના હાઈ કોર્ટ/ સુપ્રીમ કોર્ટમાં અપીલ માટે જવાના મુદ્દે આપણું રાજકારણ ગરમાયું છે. જોકે એની કોઈ ખાસ અસર આપણા અર્થતંત્ર પર નહીં પડે.

ફેડરલ રિઝર્વે સતત નવમી વાર વ્યાજના દર વધાર્યા

વ્યાજના સતત વધારાઈ રહેલા દરને લીધે અમેરિકામાં ઉદ્‌ભવેલી બૅ​ન્કિંગ ક્રાઇસિસને કારણે ફેડરલ રિઝર્વ આ વખતે વ્યાજના દર નહીં વધારે એવી ધારણા વચ્ચે તેણે વ્યાજના દરમાં સતત નવમી વખત વધારો કર્યો છે. ૨૫  બેસિસ પૉઇન્ટના વધારા સાથે અમેરિકામાં વ્યાજના દર ૪.૭૫થી ૫ ટકાએ પહોંચ્યા છે. જે સપ્ટેમ્બર ૨૦૦૭ પછીનાં ૧૬ વરસના સૌથી ઊંચા છે. અંહી એ નોંધવું પડે કે ૧૯૮૦માં ભાવવધારાના અંકુશ માટે ફેડરલ રિઝર્વે વ્યાજના દર સતત વધારતાં રહી ૨૦ ટકાની ઐતિહાસિક સપાટીએ પહોંચાડ્યા હતા. જેને કારણે પછીનાં બે ક્વૉર્ટરમાં જીડીપીના વિકાસનો દર નેગેટિવ રહ્યો હતો. 

વધતા જતા વ્યાજના દરને કારણે અમેરિકામાં ઉદ્‌ભવેલ બૅ​ન્કિંગ કટોકટીમાં બીજી નાની બૅન્કો પણ સપડાય અને આ કટોકટી વ્યાપક બને એ સંભાવના નકારી શકાય એમ નથી, પણ ડૉલરની સુપ્રીમસી જાળવી રાખવી હોય (અને અમેરિકાને તો એ કોઈ પણ હિસાબે જાળવવી જ હોય) તો વ્યાજના દર વધાર્યા સિવાય ફેડ પાસે બીજો કોઈ ટકાઉ વિકલ્પ નથી. 

આ વધારા દ્વારા ફેડ અમેરિકન અર્થતંત્રમાં વ્યાજના દરમા સર્વવ્યાપી વધારો થવાનું ધારે છે. જે દ્વારા વપરાશ અને માગ ઘટે; મૂડીરોકાણ ઘટે, નવી રોજગારી ઓછી ઊભી થાય અને વેતનના દર ઘટે. પરિણામે ભાવવધારો અટકે. ફેબ્રુઆરી મહિને સીપીઆઇનો ભાવવધારો છ ટકા હતો અને ૨૦૨૫ પહેલાં ભાવવધારો બે ટકાના લક્ષ્ય જેટલો થવાની સંભાવના નથી. ભાવવધારા પરનું ફેડનું ફોકસ નવું નથી. 

સામાન્ય રીતે લોનનું સમયસર રીપેમેન્ટ ન થાય (એનપીએ) એટલે બૅન્કો ડૂબે. અમેરિકાનો હાલનો કેસ જુદો છે. ફેલ ગયેલી બૅન્કોના સરકારી અને ખાનગી બૉન્ડમાંના રોકાણની કિંમત વ્યાજના દરના વધારાને લીધે ઘટી ગઈ છે. આ નાની બૅન્કોને ગ્રાહકોની ડિપોઝિટ પરત કરવા માટે બૉન્ડ ઓછા ભાવે વેચવાની નોબત આવી એટલે તેમને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. જોકે ફેડરલ રિઝર્વ નાની બૅન્કોની આ પ્રકારની મુશ્કેલીનું જોખમ લેવા તૈયાર છે; પણ ઊંચા ભાવવધારાના જોખમ માટે હરગિઝ નહીં. ફેડના અધ્યક્ષ પૉવેલના મતે ભાવવધારાની સૌથી વધુ ખરાબ અસર (ખરીદશકિતનો ઘટાડો) એ લોકો પર થાય છે જે ઊંચા ભાવે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે ઓછા સક્ષમ હોય છે. ભાવોની સ્થિરતા અને મહત્તમ રોજગારી જેવા બે લક્ષ્યાંકો ફેડરલ રિઝર્વે સિદ્ધ કરવાના હોય છે. 

ફેડ દ્વારા સતત વધારાતા વ્યાજના દરની ભારત પર શું અસર પડે? 

કદાચ ફેડના વ્યાજના દરના વધારાની અસર આપણી બૅન્કો પર ન પડે એમ બની શકે. આપણો છૂટક ભાવવધારો છ ટકાની ઉપર છે. કોર ઇન્ફ્લેશન જલદીથી ઘટે એમ નથી અને માત્ર ફેડરલ રિઝર્વ જ નહીં, પણ વિશ્વભરના દેશોની કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજના દર વધારી રહી છે. એ બધાને લઈને રિઝર્વ બૅન્ક માટે વ્યાજનો દરવધારો બંધ કરવાનું મુશ્કેલ બને. બીજી તરફ જો રિઝર્વ બૅન્ક વ્યાજના દરનો વધારો ચાલુ રાખે તો આપણી બૅન્કોમાંથી લેવાતી લોન (હોમ લોન કે વેહિકલ લોન) પરના માસિક હપ્તા વધવાના. વિદેશી મૂડીરોકાણકારોને મૂડીરોકાણના વધુ સારા વિકલ્પો પણ મળવાના. એટલે આપણા સ્ટૉકમાર્કેટની સે​ન્ટિમેન્ટ પણ ખરડાય. એથી પણ વધુ મહત્ત્વનું તો એ કે રૂપિયો ડૉલર સામે નબળો પડે તો આપણે ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશનના ભોગ બનીએ. 

ભારતની સ્થિરતા અને વિકાસ માટે છે આશાવાદ 

ગમે એવી વિકટ પરિસ્થિતિમાં કે અનેક જુદા-જુદા અભિપ્રાયો વચ્ચે પણ ભારતના ભાવિ માટે રિઝર્વ બૅન્કનો અભિગમ પૉઝિટિવ છે. ફિસ્કલ ૨૪ના આપણા આર્થિક વિકાસનો દર ચાલુ વરસના સ્તરે જળવાઈ રહેવા વિશે પણ રિઝર્વ બૅન્ક સ્પષ્ટ મત ધરાવે છે. વિશ્વના આર્થિક પ્રવાહોથી તદ્દન વિપરીત ભારતે હાલપૂરતું તો સ્લોડાઉનનો સામનો કરવાનો વારો નહીં આવે.  રિઝર્વ બૅન્કના માર્ચ મહિનાના માસિક બુલેટિન પ્રમાણે ભારતના આર્થિક વિકાસનો દર સાત ટકા જેટલો ઊંચો જઈ શકે, કારણ? કેન્દ્ર સરકારે ૨૦૨૩-૨૪ના વરસ માટે કરવેરામાં આપેલી ૩૫,૦૦૦ કરોડ રૂપિયાની રાહત અને મૂડીરોકાણના સંભવિત વધારાને લઈને ખાનગી (હાઉસ હોલ્ડ) વપરાશ ખર્ચ વધે તો એની સારી અસર આપણા આર્થિક વિકાસના દર પર પડે. ડિસેમ્બર ૨૦૨૨ના ક્વૉર્ટરનો ૪.૪ ટકાનો આર્થિક વિકાસનો દર વિશ્વના અનેક દેશો કરતાં ભારતના અર્થતંત્રનો પાયો મજબૂત હોવાની શાખ પૂરે છે. 

નાણાં મંત્રાલયના અહેવાલ પ્રમાણે પણ ધીમા પડતા જતા જથ્થાબંધ ભાવાંકના વધારાને પગલે છૂટક ભાવોનોવધારો પણ નજીકના ભવિષ્યમાં ધીમો પડશે. ક્રૂડના દબાતા ભાવો, સેવાઓની નિકાસનો વધારો અને આયાતી ચીજવસ્તુઓના વપરાશ અને માગમાં ઘટાડાને કારણે આપણી ચાલુ ખાતાની ખાધ (સીએડી) ફિસ્કલ ૨૩ અને ૨૪માં ઘટશે, જેને કારણે રૂપિયાની ઘટતી જતી બાહ્ય કિંમત સ્થિર થવામાં મદદ મળશે. 

રાજય સરકારો તેમના ખર્ચની કાર્યક્ષમતા વધારે તો આપણે ૮થી ૮.૫ ટકાનો આપણી ક્ષમતા પ્રમાણેનો વિકાસનો દર પણ હાંસલ કરી શકીએ. 

છટણીઓ વિશ્વમાં આવી રહી રહેલી સ્લોડાઉન-મંદીનાં ચિહ્‌નો ગણાય 

એક તરફ એક પછી એક કંપનીઓ કર્મચારીઓ ઓછા કરવાની રેસમા જોડાઈ રહી છે. ઍક્સેન્ચર (૭૦૦૦ કર્મચારીઓ ભારતમાં) અને ઍમેઝૉન તેમ જ અનેક ટેક્નૉલૉજી કંપનીઓ કર્મચારીઓને છૂટા કરી રહી છે અને નવી ભરતીમાં ધીમી ગતિ કરી રહી છે. બીજી તરફ ભારતને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ૪૫,૦૦૦ ઇજનેરોની જરૂર છે; તો આવતાં ૨૦ વર્ષમાં ૩૧,૦૦૦ નવા પાઇલટની જરૂર પડશે. મર્સિડીઝ કારની ઍસેમ્બલી અને જેટ વિમાનની ઍસેમ્બલી ભારતમાં શરૂ થવાની વાતો ચાલે છે જે ભારતને મૅન્યુફૅક્ચરિંગ હબ બનાવવાની દિશાનું પગલું છે.  આમ ચીલાચાલુ રોજગારીની તકો ઑટોમેશન અને ડિજિટાઇઝેશનને કારણે દિવસે-દિવસે ઘટતી જાય છે. તો બીજી તરફ ​​સ્કિલ્ડ જૉબ માટેની નવી તકો વધતી જાય છે. તો પણ ચીલાચાલુ રોજગારી ઘટે એટલા મોટા પ્રમાણમાં ​સ્કિલ્ડ જૉબ વધવાના નથી. એટલે આપણો રોજગારી-બેરોજગારીનો પ્રશ્ન તો વિકટ બનતો જવાનો. એનો માર્ગ ન શોધાય કે એ પ્રશ્ન હલ ન થાય તો વિકાસ ઇન્ક્લુઝિવ (બધા માટે) અને સસ્ટેઇનેબલ (ટકાઉ) ન બની શકે. 

business news commodity market inflation