29 March, 2023 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સરકારી માલિકીની ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એફસીઆઇ) એ સોમવારે જણાવ્યું હતું કે આવતા મહિને નવા ઘઉંની ખરીદી શરૂ થતાં જથ્થાબંધ ગ્રાહકો, સંસ્થાઓ અને રાજ્ય સરકારોને ઈ-ઑક્શન દ્વારા ડિસ્કાઉન્ટ દરે ઘઉંનું વેચાણ હાલ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ એફસીઆઇએ ૧૫ માર્ચ સુધી ઈ-ઓક્શન દ્વારા ૩૩ લાખ ટન ઘઉંનું વેચાણ કર્યું છે, જેમાંથી ખરીદદારોએ અત્યાર સુધીમાં ૩૧ લાખ ટન અનાજ ઉપાડ્યું છે. તેમણે ૩૧ માર્ચ સુધીમાં બાકીનો જથ્થો ઉપાડવો પડશે.
એફસીઆઇના મૅનેજિંગ ડિરેક્ટર અશોક કે મીનાએ જણાવ્યું હતું કે ‘જથ્થાબંધ ગ્રાહકો માટે ઘઉંની છેલ્લી ઈ-ઑક્શન ૧૫ માર્ચે હાથ ધરવામાં આવી હતી. હરાજી હાલ માટે અટકાવી દેવામાં આવી છે, કારણ કે આગામી દિવસોમાં નવા પાકની ખરીદીમાં વેગ આવશે.’
આ યોજના હેઠળ નાફેડ અને રાજ્ય સરકારો જેવી સંસ્થાઓને ઘઉંનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ઘઉંની હરાજી ત્યારે જ શરૂ થશે જ્યારે બજારમાં હસ્તક્ષેપ કરવાની જરૂર પડશે, એમ તેમણે ઉમેર્યું હતું.
સરકારે જાન્યુઆરીમાં ઘઉં અને ઘઉંના લોટના વધતા ભાવને રોકવા માટે ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ એના બફર સ્ટૉકમાંથી ખુલ્લા બજારમાં ઘઉં વેચવાની યોજના જાહેર કરી હતી.