04 January, 2023 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં કપાસ-રૂના નીચા ભાવને લઈને ગુજરાત કે મહારાષ્ટ્રના ખેડૂતો હજી શાંત બેઠા છે, પરંતુ સાઉથના રાજ્ય એવા તેલંગણના ખેડૂતોએ નીચા ભાવને લઈને રાજ્યમાં વિરોધ-પ્રદર્શનો ચાલું કરી દીધાં છે અને કપાસના ક્વિન્ટલના ૧૫,૦૦૦ રૂપિયાના ભાવ એટલે કે મણના ૩૦૦૦ રૂપિયાના ભાવની માગણી કરી છે.
તેલંગણમાં નીચા ભાવ વિશે ખેડૂતોમાં અસંતોષ વ્યાપક છે અને શનિવારે સેંકડો ખેડૂતોએ રાજ્યમાં કપાસના મુખ્ય વિસ્તાર એવા આસિફાબાદ ખાતે ધરણાં કર્યાં હતાં. માર્કેટિંગ સીઝનની શરૂઆત સારી રીતે થઈ હોવા છતાં, કિંમતો ઘટવા લાગી અને ઘટીને ૬૮૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ. આ લઘુતમ ટેકાના ભાવથી થોડું વધારે છે, એમ ધરણામાં ભાગ લેનાર ખેડૂતે જણાવ્યું હતું.
તેલંગણમાં કપાસનું વાવેતર ગત સીઝનમાં વિક્રમી ઊંચા ભાવને કારણે સારું થયું હતું અને સીઝનની શરૂઆતમાં ભાવ ૯૮૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જેવા રહ્યા હતા. ભારે વરસાદ અને પૂરને કારણે પાકને નુકસાન થયું હોવા છતાં કેટલાક ખેડૂતોએ ફેરવાવણી પણ કરી હતી. આવી સ્થિતિમાં રાજ્યના ખેડૂતોની સારા ભાવની આશા હતી, પરંતુ એના પર પાણી ફરી ગયું છે.
ઑલ ઇન્ડિયા કિસાન સભાએ જાહેરાત કરી હતી કે ચોથી જાન્યુઆરીથી રાજ્યવાઇઝ વિરોધ-પ્રદર્શનો શરૂ કરવામાં આવશે અને ભાવવધારાની માગ કરવામાં આવશે. રાજ્યના ખેડૂતોની ૧૫,૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવની માગ છે, જેને પૂરી કરવા માટેના પ્રયાસ કરવામાં આવશે અને સરકાર સમક્ષ રજૂઆત કરાશે ઉલ્લેખનીય છે કે દેશમાં ગુજરાત કપાસ-રૂનો સૌથી મોટો ઉત્પાદક પ્રદેશ છે અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ વાવેતર થાય છે, પરંતુ આ રાજ્યમાંથી હજી ખેડૂત સંગઠનો કે કિસાન સંઘની કપાસના mભાવને લઈને હજી કોઈ રાજ્યવ્યાપી માગણીઓ આવી નથી.