નવા નાણાકીય વર્ષમાં માર્કેટને નવી ઊંચાઈએ લઈ જવાનાં ઢગલાબંધ પરિબળો હાજર

01 April, 2024 07:21 AM IST  |  Mumbai | Jayesh Chitalia

આ એપ્રિલમાં પણ રિઝર્વ બૅન્ક એની મૉનિટરી પૉલિસીમાં વ્યાજદરના કોઈ ફેરફાર નહીં કરે એવી શક્યતા છે. 

પ્રતીકાત્મક તસવીર

 નવા નાણાકીય વર્ષે બજાર કેવું ચાલશે એની ચિંતા કરવાની જરૂર રહી નથી, તમે માત્ર એ જુઓ યા જાણો કે તમારા હાથ પરના અને તમે જે ખરીદવા માગો છો એ સ્ટૉક્સ કેવા ચાલશે? હવે તેજી સાથે વૉલેટિલિટી વધતી જઈ શકે, પરંતુ લાર્જ કૅપ પર ફોકસ રાખવામાં સાર રહેશે

નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ તો કેવું જબરદસ્ત બુલિશ રહ્યું એ જાહેર છે, ઉછાળાના-વૃદ્ધિના આંકડા આંખે ઊડીને વળગે છે, એક જ વર્ષમાં સવાસો લાખ કરોડ રૂપિયાથી વધુ મૂડીવૃદ્ધિની સિદ્ધિ સાવ પહેલી વારની દાસ્તાન છે. ટૂંકમાં આ વર્ષને એક વિક્રમી-ઐતિહાસિક વર્ષ ચોક્કસ કહી શકાય, પરંતુ હવે વર્ષ ૨૦૨૪-’૨૫ પાસે ઉમ્મીદ વધી છે. આ વર્ષે બજાર કેવી વૃદ્ધિ દર્શાવશે એ હાલ તો સવાલ છે, પણ સંજોગો અને સંકેતોના આધારે કહી શકાય કે માર્કેટ વધુ તંદુરસ્ત અને મજબૂત અવશ્ય બનશે. આગામી પાંચ વર્ષમાં સેન્સેક્સ-નિફ્ટીની નવી ઊંચાઈ નિશ્ચિત ગણી શકાય. એક માત્ર જોખમ યા ભય ગ્લોબલ સ્તરે કંઈક ગંભીર નેગેટિવ બનવાની અનિશ્ચિતતાનું રહી શકે. 

નવા વર્ષનાં નક્કર પરિબળો
વીતેલા નાણાકીય વર્ષનાં કંપનીઓનાં ક્વૉર્ટરલી અને પૂર્ણ વર્ષનાં પરિણામ આવવાનાં હવે શરૂ થશે, જેમાં મૅનેજમેન્ટનાં નિરીક્ષણો પણ હશે, જે નવા વર્ષ માટે સંકેત આપશે. સરકારે મૂડીખર્ચ જબ્બર વધારવાની તૈયારી કરી છે. ખાનગી ક્ષેત્ર તરફથી પણ કૅપિટલ ખર્ચ વધવાની શક્યતા ઊંચી છે, જેથી આ પરિબળ વિકાસમાં નક્કર ભૂમિકા ભજવશે. આગામી બેથી ત્રણ વર્ષમાં ઉત્પાદન, વપરાશ, ડિમાન્ડ વધશે, રોજગાર સર્જનને વેગ મળશે. રોકાણકારોની સંખ્યા સાથે બચત-રોકાણમાં પણ વધારો જોવાશે. ઇકૉનૉમીના ગ્રોથનો ગ્રાફ માર્કેટને વેગ આપ્યા વિના રહી શકે નહીં, જેને પરિણામે વિદેશી રોકાણપ્રવાહ અને સ્થાનિક રોકાણપ્રવાહને જોર અને જોશ મળશે. સીધા વિદેશી રોકાણનો પ્રવાહ, ચીનથી ભારત તરફ વળતો જશે. હાલ પણ આ મતલબના નિર્દેશો બહાર આવતા રહે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં જે વેગ આવી રહ્યો છે એને ધ્યાનમાં રાખતાં આ ક્ષેત્રે ગ્લોબલ પેન્શન ફન્ડ-સૉવરિન ફન્ડનું રોકાણ પણ આવશે. આ બધાં પરિબળોને સરકારના પ્રોત્સાહન પૅકેજ, પૉલિસી, બજેટ વગેરેમાંથી પર્યાપ્ત ઇંધણ મળશે, એમાં શંકા નથી. રિઝર્વ બૅન્ક અને યુએસ ફેડરલ બન્ને તરફથી વ્યાજદરના ઘટાડાની શક્યતા આ વર્ષે પાક્કી છે. વર્તમાન સરકારની વાપસી નક્કી છે, પરંતુ એ કેવા સ્વરૂપે આવે છે માત્ર એ જોવાનું રહેશે. બાકી ‘મોદી હૈ તો મુમકિન હૈ’નો વિશ્વાસ વધી રહ્યો છે. ઉદાહરણો-પુરાવા પણ વધી રહ્યાં છે. 

ફૉરેન ઇન્વેસ્ટર્સનો વિશ્વાસ
ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) ભારતની કન્ઝમ્પ્શન સ્ટોરીમાં વિશ્વાસ ધરાવે છે, જેમાં ઇકૉનૉમિક ગ્રોથના સંકેતો સ્પષ્ટ દેખાય છે. ભારતમાં ઑટોમોબાઇલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG), ટેલિકમ્યુનિકેશન વગેરે સેક્ટરમાં વપરાશનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા ૧૨ મહિનામાં FPI તરફથી ૧૧.૪ અબજ ડૉલરનું રોકાણ નૉન-ફૂડ કન્ઝમ્પ્શન સ્ટૉક્સમાં થયું છે, જે એના ૪૩ અબજ ડૉલરના કુલ રોકાણ સામે ૪૩ ટકા જેટલું થાય છે. હાલ માર્કેટ વૉલેટાઇલ રહેશે એ શક્યતાને સ્વીકારીને પણ FPI રોકાણપ્રવાહ વધારી રહ્યા છે.  

IPOના ભાવ-તાલ
સ્મૉલ કૅપ-મિડ કૅપ સ્ટૉક્સના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)ની વાત કરીએ તો આ IPO અને એમાંથી લિસ્ટિંગ ગેઇન પાછળ દોડતા રોકાણકારોએ તેમ જ રાહ જોતા રોકાણકારો માટે એક નોંધવા-સમજવા જેવી બાબત એ છે કે છેલ્લા ત્રણેક મહિના (જાન્યુઆરીથી માર્ચ)માં લિસ્ટેડ થયેલા ૨૧ IPOમાંથી ૧૦ IPO એના લિસ્ટિંગના દિવસે ઇશ્યુ ભાવ કરતાં નીચે બંધ રહ્યા હતા, જે અગાઉના સમાન ગાળામાં (ઑક્ટોબરથી ડિસેમ્બર) આવેલા ૨૮ IPOમાંથી માત્ર ચાર IPOના ભાવ ઇશ્યુ પ્રાઇસથી નીચે લિસ્ટેડ થયા હતા. હાલના ત્રણ મહિનાના ડેટા કહે છે, ૨૧માંથી ૯ IPOના ભાવ લિસ્ટિંગના દિવસે ઇશ્યુ ભાવથી નીચા રહ્યા અને અત્યારે પણ આવા ૧૦ સ્ટૉક્સના ભાવ ઇશ્યુ પ્રાઇસથી નીચા ચાલી રહ્યા છે. આ સ્મૉલ-મિડ કૅપ સ્ટૉક્સના ટ્રેન્ડના પરિણામ છે, જેને રિકવર થવા માટે સમય લાગશે. ૨૦૨૩-’૨૪માં આવેલા IPOમાંથી ૭૦ ટકા IPOના ભાવ ઇશ્યુ પ્રાઇસથી ઊંચા બોલાય છે એવું પણ નોંધાયું છે, જ્યારે કે ૨૦૨૪ના ફિસ્કલ યરમાં આશરે ૭૫ IPO માર્કેટમાં પ્રવેશવાના છે, જેમાંના મોટા ભાગના ઇલેક્શન બાદ માર્કેટમાં પ્રવેશ કરશે. 

તાતા ગ્રુપના પ્લાન
તાતા ગ્રુપ આગામી બે-ત્રણ વરસમાં એની વિવિધ કંપનીઓના IPO લાવવાની યોજના ધરાવે છે. છેલ્લા બે દાયકામાં માત્ર એકાદ IPO લાવનાર આ ગ્રુપની હોલ્ડિંગ કંપની તાતા સન્સ ભાવિ વિકાસ માટે એની વૅલ્યુ અનલૉક કરવા તેમ જ અન્ય શૅરધારકોને એક્ઝિટ ઑપ્શન મળી રહે એ હેતુથી IPO લાવવા માગે છે. તાતાની ટોચની પાંચ લિસ્ટેડ કંપનીઓમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), તાતા મોટર્સ, ટાઇટન, તાતા સ્ટીલ અને ટ્રેન્ટનો સમાવેશ થાય છે. ગ્રુપની જે કંપનીઓના IPOની શક્યતા છે એમાં તાતા કૅપિટલ, તાતા પૅસેન્જર્સ, ઇલેક્ટ્રિક મોબિલિટી, તાતા બૅટરીઝ, બિગ બાસ્કેટ, તાતા ડિજિટલ અને તાતા ઇલેક્ટ્રૉનિક્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બજાજ ગ્રુપની બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ હાલ IPO લાવવાની તૈયારી કરી રહી છે. 

૨૦૨૩-’૨૪ની વિદાય વેળાએ
સોમવારની રજા બાદ મંગળવારે કરેક્શન સાથે સેન્સેક્સ ૩૬૧ અને નિફ્ટી ૯૨ પૉઇન્ટ માઇનસ રહ્યા બાદ બુધવાર અને ગુરુવારે બજાર પૉઝિટિવ જ નહીં, બલકે સુપર બુલિશ રહ્યું. સેન્સેક્સ ૭૪,૦૦૦ની નજીક જઈ પાછો ફર્યો હતો. એ દિવસે ૧૦૦૦ પૉઇન્ટ વધી ગયેલો સેન્સેક્સ પ્રૉફિટ બુકિંગ નિમિત્તે કરેક્શન સ્વરૂપે અંતમાં ૬૦૫ પૉઇન્ટ ઊંચો બંધ રહ્યો હતો અને નિફ્ટી ૨૨,૪૫૦ સુધી જઈ પાછો ફર્યો અને ૨૦૩ પૉઇન્ટની વૃદ્ધિ સાથે ૨૨,૩૦૦ ઉપર બંધ રહ્યો હતો. ગુરુવારની આક્રમક તેજીનાં કારણોમાં FIIનો સૉલિડ રોકાણપ્રવાહ, ગ્લોબલ લેવલે મજબૂત સંકેતો, યુએસ તથા એશિયન-યુરોપિયન માર્કેટ્નો સુધારો, ભારતીય આર્થિક વિકાસદર માટે મૉર્ગન સ્ટૅનલીએ વ્યક્ત કરેલો આશાવાદ, બૅન્કો માટે હળવા કરાયેલા ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડના નિયમો વગેરે જેવાં પરિબળો જવાબદર બન્યાં હતાં. આમ બજારની દૃષ્ટિએ માર્ચના અંતે બજારે ૨૦૨૩-’૨૪ને જબરદસ્ત સલામી આપી હતી.  

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
આ એપ્રિલમાં પણ રિઝર્વ બૅન્ક એની મૉનિટરી પૉલિસીમાં વ્યાજદરના કોઈ ફેરફાર નહીં કરે એવી શક્યતા છે. 
અદાણી પરિવારે અંબુજા સિમેન્ટમાં ૬૬૬૧ કરોડનું રોકાણ કરીને પોતાનો હિસ્સો વધાર્યો છે.
અદાણી ગ્રુપ ફૉરેન કરન્સી બૉન્ડ્સ મારફત એક અબજ ડૉલર ઊભા કરવાનું લક્ષ્ય રાખે છે.
કોર સેક્ટર્સના ઉત્પાદનમાં જાન્યુઆરીના ૪.૧ ટકાની સામે ફેબ્રુઆરીમાં ૬.૭ ટકાનો ગ્રોથ નોંધાયો છે.
સેબીએ કાર્વિ ઇન્વેસ્ટર્સ સર્વિસિસનું મર્ચન્ટ બૅન્કર તરીકેનું રજિસ્ટ્રેશન રદ કર્યું છે. 
 

સ્પેશ્યલ ટિપ
કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા વ્યાજદર, ઇકૉનૉમી અને માર્કેટની ભાવિ દિશા વિશે આગાહી કરી શકે નહીં, આવી કોઈ પણ આગાહીની ઉપેક્ષા કરો અને તમે જે કંપનીઓમાં રોકાણ કર્યું છે એમાં શું થઈ રહ્યું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. 

business news share market stock market sensex nifty