08 February, 2023 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચાલુ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર થયું છે ત્યારે કેન્દ્ર સરકાર ભારતમાંથી જાડાં ધાન્ય પાકોની નિકાસ વધારવા પર ભાર મૂકી રહી છે અને સરકારનો એક અંદાજ છે કે હાલમાં જાડાં ધાન્યોનું મૂલ્ય નવ અબજ ડૉલર છે, જે ૨૦૨૫માં વધીને ૧૨ અબજ ડૉલરે પહોંચે એવી ધારણા છે. આ ઉપરાંત જાડાં ધાન્યોની વૅલ્યુ એડેડ પ્રોડક્ટની નિકાસ પર પણ ભાર મૂકવાનું આયોજન છે.
બરછટ અનાજ અને એના મૂલ્યવર્ધિત ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહિત કરવાના હેતુથી સંવેદનાત્મક કાર્યક્રમોની શ્રેણીના ભાગરૂપે અપેડાએ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં નિકાસ પ્રોત્સાહન કાર્યક્રમ શરૂ કર્યો છે અને આ માટે વર્ચ્યુઅલ ખરીદનાર વિક્રેતા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય મિશનના સહયોગથી યુએઈ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુદીરની અધ્યક્ષતામાં બાયર-સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.
અપેડાના ચૅરમૅન એમ. અંગુમુથુએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં બાજરીને પ્રોત્સાહન આપવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મિશન અને વિઝન છે. અપેડા ટીમ નિકાસકારો, બરછટ અનાજ ઉત્પાદકો, મહિલા એફપીઓ વગેરેને સમગ્ર વિશ્વમાં ભારતીય બરછટ અનાજને પ્રોત્સાહન આપવા માટે તમામ જરૂરી સહાય પૂરી પાડવા તૈયાર છે.
આ પણ વાંચો: દેશમાં ઘઉંનું વાવેતર ગયા વર્ષ જેટલું જ થયું : ચણામાં મામૂલી વધારો જોવા મળ્યો
વૈશ્વિક ઉત્પાદનમાં અંદાજિત ૪૧ ટકા હિસ્સા સાથે ભારત વિશ્વમાં બરછટ-જાડાં અનાજના અગ્રણી ઉત્પાદકોમાંનું એક છે. ફાઓ મુજબ વર્ષ ૨૦૨૦માં ૩૦૪.૬૪ લાખ મેટ્રિક ટનનાં વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૧૨૪.૯ લાખ ટન હતો, જે કુલ ઉત્પાદનના ૪૧ ટકા હતો. ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં જાડાં ધાન્ય પાકોનાં ઉત્પાદનમાં ૨૭ ટકાનો વધારો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષમાં ૧૫૯.૨ લાખ ટન ઉત્પાદનની સરખામણીએ હતો.
ભારતમાં જાડાં ધાન્ય પાકોનું ઉત્પાદન કરતાં ટોચનાં પાંચ રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશ છે. બરછટ અનાજની નિકાસનો હિસ્સો કુલ જાડાં ધાન્યોનાં ઉત્પાદનમાં લગભગ એક ટકા જેટલો છે. ભારતમાંથી બરછટ અનાજની નિકાસમાં મુખ્યત્વે આખા અનાજનો સમાવેશ થાય છે અને ભારતમાંથી બરછટ અનાજનાં મૂલ્યવર્ધિત ઉત્પાદનો નગણ્ય છે.
જોકે એવો અંદાજ છે કે અનાજનું બજાર વર્તમાન બજારમૂલ્ય નવ અબજ ડૉલરથી વધીને વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૨ અબજ ડૉલરથી પણ વધુ વધી જશે.