25 September, 2024 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તાજેતરના દિવસોમાં ઇથેરિયમમાં ખરીદીનાં ઊભાં ઓળિયાં વધી ગયાં હોવાનું કૉઇનગ્લાસના ડેટા દર્શાવે છે. આથી આગામી દિવસોમાં ઇથેરિયમના ભાવમાં ઉછાળો આવવાની શક્યતા નિષ્ણાતોને દેખાઈ રહી છે. નોંધનીય છે કે ઇથેરિયમનો ભાવ મંગળવારે ૧.૭૫ ટકાના ઘટાડા સાથે ૨૬૧૦ ડૉલરની આસપાસ ચાલી રહ્યો હતો. જોકે પાછલા સપ્તાહમાં ઇથેરિયમમાં ૧૫ ટકાની વૃદ્ધિ થઈ છે. પાછલા એક વર્ષમાં એમાં ૬૬ ટકાનો ઉછાળો આવ્યો છે. આગામી દિવસોમાં ભાવ ૩૦૦૦ ડૉલર થઈ જવાનો અંદાજ વ્યક્ત થયો છે.
દરમ્યાન ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બાયબિટે ઇસ્લામના શરિયા કાયદાને અનુરૂપ નવી ક્રિપ્ટો પ્રોડક્ટ્સ લૉન્ચ કરી છે. ધર્મની શરતોને આધારે એમાં રોકાણ કરી શકાય એવી સુવિધા આપવામાં આવી છે. આ પ્રોડક્ટ્સ લૉન્ચ કરવામાં એણે મલેશિયાસ્થિત સલાહકારી કંપની ઝિકો શરિયાની મદદ લીધી છે.
મંગળવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બિટકૉઇનમાં ૦.૧ ટકાનો મામૂલી વધારો થયો હતો, જ્યારે બાઇનૅન્સમાં ૨.૬૭ ટકા, સોલાનામાં ૨.૦૬ ટકા, રિપલમાં ૦.૧ ટકા, ડોઝકૉઇનમાં ૧.૫૬ ટકા અને કાર્ડાનોમાં ૬.૪૧ ટકાનો વધારો થયો હતો. ટ્રોનમાં ૦.૨૬ ટકા તથા અવાલાંશમાં ૦.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો.