દેશમાં ૧૩૦ કરોડ રૂપિયાના ઈ-રૂપી ચલણમાં : સીતારમણ

14 March, 2023 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાઇલટ પ્રોજેક્ટમાં હાલમાં ૯ બૅન્કો કાર્યરત

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે દેશમાં ૨૮ ફેબ્રુઆરીએ પ્રાયોગિક ધોરણે ૧૩૦  કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના ડિજિટલ અથવા ઈ-રૂપી ચલણમાં છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગઈ પહેલી નવેમ્બરે હોલસેલ સેગમેન્ટમાં ડિજિટલ રૂપી અને પહેલી ડિસેમ્બરથી રીટેલ સેગમેન્ટમાં પાઇલટ્સ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો. 

નવ બૅન્કો, જેમ કે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ બરોડા, યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા, એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક, યસ બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક અને એચએસબીસી, ડિજિટલ રૂપિયાના હોલસેલ પાઇલટ ભાગ લઈ રહી છે એમ નાણાપ્રધાને જણાવ્યું હતું.  દેશમાં ૨૮ ફેબ્રુઆરીની સ્થિતિએ ડિજિટલ ઈ-રૂપી રીટેલમાં ૪.૧૪ કરોડ રૂપિયા અને હોલસેલમાં ૧૨૬.૨૭ કરોડ રૂપિયા ચલણમાં છે એમ નાણાપ્રધાને લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું. ઈ-રૂપિયા એ ડિજિટલ ટોકનના સ્વરૂપમાં છે જે કાનૂની ટેન્ડરનું પ્રતિનિધિત્વ કરે છે. હાલમાં પેપર કરન્સી અને સિક્કા જારી કરવામાં આવે છે એ જ રીતે આ જારી કરવામાં આવે છે. ઈ-રૂપી હાલમાં ચાના વિક્રેતાઓ, ફળ વિક્રેતાઓ, સ્ટ્રીટ વેન્ડર અને ફુટપાથના વિક્રેતાઓ (રિઝર્વ બૅન્કના હેડક્વૉર્ટર, મુંબઈની સામેની ફુટપાથ પર વેચાણ કરતા સ્થળાંતરિત ફળ વિક્રેતાઓ સહિત), નાના દુકાનદારો વગેરે જેવા વિવિધ વિભાગોમાં કાર્યરત છે એમ સીતારમણે જણાવ્યું હતું.

business news nirmala sitharaman finance ministry indian rupee