લાર્જકૅપમાં પીછેહઠ વચ્ચે એનર્જી, પાવર અને રોકડું મજબૂત; પીએસયુ સુધારામાં

25 July, 2024 09:40 AM IST  |  Mumbai | Anil Patel

આઇડીબીઆઇ બૅન્ક વૉલ્યુમ સાથે પોણાતેર ટકા ઊછળી, સ્ટેટ બૅન્કનાં પરિણામો ત્રીજી ઑગસ્ટે

પ્રતીકાત્મક તસવીર

પરિણામના વસવસામાં બજાજ ફીનસર્વ ટૉપ લૂઝર, ટેક મહિન્દ્ર પરિણામની પૂર્વસંધ્યાએ સુધારામાં : એલઆઇસી મજબૂત વલણ જાળવી રાખતાં નવી વિક્રમી સપાટી ભણી, એનટીપીસી ઑલટાઇમ હાઈ : એમટીએનએલ તેજીની સર્કિટની હારમાળામાં નવ દિવસમાં બમણાથીયે વધુ થઈ નવી ટોચે : કટારિયા ઇન્ડસ્ટ્રીઝમાં ૯૯.૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો : આઇડીબીઆઇ બૅન્ક વૉલ્યુમ સાથે પોણાતેર ટકા ઊછળી : સ્ટેટ બૅન્કનાં પરિણામો ત્રીજી ઑગસ્ટે

 

અર્થહીન બજેટ પછી બજાર માટે ઘરઆંગણે હમણાં કોઈ ટ્રિગર મોજૂદ નથી. કૉર્પોરેટ પરિણામ એકંદરે વાઉ-ફેક્ટર વિહોણાં આવી રહ્યાં છે. બસ ઇન્ફ્લો જારી છે. મ્યુચ્યુઅલ ફન્ડોની અવનવી સ્કીમોની ભરમાર છે. SIPનો ક્રેઝ વધવા માંડ્યો છે. આ ભંડોળ બજારમાં અવિરત ઠલવાતું જાય છે. સરવાળે વધ-ઘટે તેજી આગળ વધી રહી છે. લિક્વિડિટી કે નાણાંનો પ્રવાહ બજારનો ઑક્સિજન છે. ઑક્સિજન ચાલુ છે ત્યાં સુધી માર્કેટ ધબકતું રહેશે, પરંતુ બજારમાં નવી લિક્વિડિટી કે નવા ભંડોળનો પ્રવાહ જ્યાં સુધી રિટર્ન છે ત્યાં સુધી ચાલુ રહેવાનો છે. જેવું વળતર કે ગેઇન ઘટશે કે ગાયબ થશે કે તરત ઇન્ફ્લોની સરવાણી સૂકાવા માંડશે, એટલું યાદ રાખજો.

સેન્સેક્સ બુધવારે સાધારણ નરમ ખૂલી છેવટે ૨૮૦ પૉઇન્ટ ઘટી ૮૦,૧૪૯ તથા નિફ્ટી ૬૫ પૉઇન્ટની પીછેહઠમાં ૨૪,૪૧૩ બંધ થયો છે. આરંભથી અંત સુધી લગભગ નેગેટિવ ઝોનમાં રહેલા બજારના બહુધા તમામ સેક્ટોરલ પ્લસ હતા. સ્મૉલકૅપ બેન્ચમાર્ક સર્વાધિક બે ટકા નજીક કે ૧૦૦૯ પૉઇન્ટ મજબૂત થયો છે. એના ૯૯૬માંથી કેવળ ૧૬૯ શૅર નરમ હતા. ઑઇલ-ગૅસ, એનર્જી, ટેલિકૉમ, યુટિલિટીઝ, પાવર સવાથી પોણાબે ટકા મજબૂત થયા છે. નિફ્ટી મીડિયા અઢી ટકા અપ હતો. બૅન્ક નિફ્ટી, FMCG, નિફ્ટી ફાઇનૅન્સ અડધાથી એકાદ ટકો ઘટ્યો છે. ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૭૪૮ શૅરની સામે ૫૯૬ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૩.૨૦ લાખ કરોડ વધી ૪૪૯.૬૧ લાખ કરોડે આવી ગયું છે.

એશિયા ખાતે તમામ અગ્રણી બજારો ઢીલાં હતાં. જપાન તથા હૉન્ગકૉન્ગ એક ટકા આસપાસના ઘટાડે મોખરે રહ્યાં છે. યુરોપ રનિંગમાં પોણાથી એક ટકો નીચે હતું. લંડન ફુત્સી અપવાદમાં નામપૂરતો નરમ હતો. ઍક્સિસ બૅન્ક પરિણામ પૂર્વે પોણાબે ટકા ઘટી ૧૨૪૦ નીચે બંધ હતો. બજાર બંધ થયા પછી બૅન્કે ૬૦૩૫ કરોડના નેટ ત્રિમાસિક નફા સાથે સારી કામગીરી દર્શાવી છે. એકંદર અપેક્ષા ૫૭૯૭ કરોડના ચોખ્ખા નફાની હતી. જોકે ગ્રોસ અને નેટ NPA નહીંવત્ વધી છે.

બજેટના વળતા દિવસે પણ જ્વેલરી શૅર ઝમકમાં રહ્યા

સોના-ચાંદીમાં ડ્યુટી ઘટતાં બજેટના દિવસે ઝમકમાં રહેલા જ્વેલરી શૅર વળતા દિવસે પણ એકંદર ડિમાન્ડમાં રહ્યા છે. કલ્યાણ જ્વેલર્સ સવાછ ટકા, થંગમયિલ ત્રણ ટકા, પીસી જ્વેલર ૫ ટકાની ઉપલી સર્કિટે, સ્કાય ગોલ્ડ પાંચ ટકા, મોતીસન્સ સવાપાંચ ટકા, એશિયન સ્ટાર સવાચાર ટકા, ખજાનચી જ્વેલર્સ પોણાત્રણ ટકા, રાધિકા જ્વેલ્સ દસ ટકા, આરબીઝેડ જ્વેલર્સ પાંચ ટકા, રેનેસા ગ્લોબલ બે ટકા, આશાપુરી ગોલ્ડ ચાર ટકા, ભક્તિ જેમ્સ સવાબાર ટકા ઝળક્યા હતા. ટાઇટન નહીંવત, વૈભવ ગ્લોબલ અને ગોલ્ડિયમ એક ટકો તથા રાજેશ એક્સપોર્ટ્સ અડધો ટકો અપ હતી. સેન્કો ગોલ્ડ તેમ જ ટીબીઝેડમાં સવા ટકાની નરમાઈ દેખાઈ છે.

બૅન્કિંગના ૪૧માંથી ૨૬ શૅર વધ્યા છે. સૂર્યોદય બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્ક, યુકો બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, આઇઓબી અઢીથી સવાત્રણ ટકા મજબૂત હતી. પંજાબ સિંધ બૅન્ક સાડાછ ટકા ઊંચકાઈ ૬૫ વટાવી ગઈ છે, જ્યારે IDBI બૅન્ક સાડાપાંચ ગણા કામકાજે પોણાતેર ટકાની તેજીમાં ૯૭ને વટાવી ગઈ હતી. બંધન બૅન્ક પોણાચાર ટકા કપાઈ છે. સ્ટેટ બૅન્કનાં પરિણામ ત્રીજી ઑગસ્ટે નક્કી થયાં છે. શૅર પ્રારંભિક સુધારામાં ૮૫૮ વટાવી પ્રૉફિટ બુકિંગમાં ૧.૪ ટકા ઘટીને ૮૫૨ રહ્યો છે.

મુંબઈની ક્લીનટેક લૅબોરેટરીઝ SME ઇશ્યુ માટે મૂડીબજારમાં

રતલામની કટારિયા ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૯૬ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૧૦૫ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૮૨ ખૂલી ૫ ટકાની ઉપલી સર્કિટે ૧૯૧ ઉપર બંધ થતાં અત્રે ૯૯.૫ ટકાનો તગડો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. જ્યારે અમદાવાદી મેકોબ્સ ટેક્નૉલૉજીઝ ૭૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ૧૪ના પ્રીમિયમ સામે ૯૬ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૦૧ નજીક બંધ થતાં એમાંય ૩૪.૪ ટકાનું અપેક્ષાથી સારું રિટર્ન મળ્યું છે. મંગળવારે લિસ્ટેડ થયેલી પુણેની ટુનવાલ ઈ-મોટર્સ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૫૮ નીચે ગઈ છે. મુંબઈના મમાઝગાવની એલિયા કૉમોડિટીઝ ૫ ટકાની તેજીની સર્કિટમાં ૧૯૧ બંધ હતી. જ્યારે વડાલાની થ્રીએમ પેપર બોર્ડ્સ નહીંવત ઘટીને ૭૬ નજીક રહ્યો છે. સતી પોલિપ્લાસ્ટ ૫ ટકાની મંદીની સર્કિટે ૨૩૪ તો પ્રાઇઝોર વાઇઝટેક ૧૯૧ની ટોચે જઈ પોણાચાર ટકા વધી ૧૮૯ નજીક સરક્યો છે.

બુધવારે ભોપાલની મંગલમ ઇન્ફ્રાનો ૧૦ના શૅરદીઠ ૫૬ની અપરબૅન્ડ સાથે ૨૭૬૨ લાખનો SME ઇશ્યુ પ્રથમ દિવસે કુલ સાડાપંદર ગણો ભરાઈ ગયો છે, જ્યારે મુંબઈના ચેતના એજ્યુકેશનનો ૧૦ના શૅરદીઠ ૮૫ના ભાવનો ૪૫૯૦ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૨.૮ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં મંગલમ ઇન્ફ્રાના પ્રીમિયમ ૪૬ તો ચેતના એજ્યુકેશનના પ્રીમિયમ ૩૦ જેવા છે. ગુરુવારે મુંબઈના થાણેની ક્લીનટેક લૅબોરેટરીઝ શૅરદીઠ ૯૬ના ભાવે ૫૭૮ લાખનો, અમદાવાદ ખાતેની અપ્રમેય એન્જિનિયરિંગ શૅરદીઠ ૫૮ના ભાવથી ૨૯૨૩ લાખનો અને ગાંધીનગરની ટ્રોમ ઇન્ડસ્ટ્રીઝ શૅરદીઠ ૧૧૫ના ભાવે ૩૧૩૭ લાખનો SME ઇશ્યુ કરવાની છે. ટ્રોમ ઇન્ડ.માં ગ્રે માર્કેટ ખાતે ૧૧૧નું પ્રીમિયમ બોલાવાઈ રહ્યું છે. બજારમાં સોલરની થીમ ચાલે છે. એનો લાભ ખાટવા એક વધુ કંપની મૂડીબજારમાં આવી રહી છે.

MMTC, STC, IFCI જેવા સરકારી શૅર ૨૦-૨૦ ટકાની તેજીમાં

HDFC લાઇફ સાડાચાર ટકાની તેજીમાં ૬૭૩નો બંધ આપી નિફ્ટી ખાતે મોખરે હતો. ભારત પેટ્રો ત્રણેક ટકા વધ્યો છે. ટેક મહિન્દ્રનાં પરિણામ પચીસમીએ છે. શૅર સવાયા કામકાજે પોણાત્રણ ટકા ઊંચકાઈ ૧૫૩૪ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર હતો. NTPC ૩૯૫ના નવા શિખરે જઈ ૨.૭ ટકાની આગેકૂચમાં ૩૯૨ વટાવી ગયો છે. તાતા મોટર્સ અઢી ટકા મજબૂત હતો, SBI લાઇફ ૨.૪ ટકા ઊંચકાયો છે. ONGC, સનફાર્મા, કોલ ઇન્ડિયા એકથી પોણાબે ટકા અપ હતા. રિલાયન્સ અડધો ટકો સુધરી ૨૯૯૦ રહ્યો છે.

બજાજ ફીનસર્વનાં પરિણામ મોળાં પડતાં શૅર અઢી ટકા ગગડી બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. બજાજ ફાઇનૅન્સ પણ પોણાબે ટકા કે ૧૨૨ રૂપિયા ડૂલ થયો હતો. કોટક બૅન્ક, JSW સ્ટીલ, સ્ટેટ બૅન્ક, અદાણી પોર્ટ્સ, હિન્દુસ્તાન યુનિલીવર, તાતા કન્ઝ્યુમર, હીરો મોટોકૉર્પ, નેસ્લે, બજાજ ઑટો જેવી જાતો સવાથી બે ટકા કટ થઈ હતી. ઇન્ફી સાધારણ તો ટીસીએસ નજીવો નરમ હતો.

સરકારની ૭૧.૭ ટકા માલિકીની આઇએફસીઆઇ ત્રણ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૮૪ની ટોચે ગયો છે. ભાવ વર્ષ પૂર્વે સાડાબારના તળિયે હતો. શૅરદીઠ કમાણી માત્ર ૯૨ પૈસા છે. બુકવૅલ્યુ ૧૮ કરતાંય ઓછી છે, પણ શૅર વર્ષમાં ૫૫૮ ટકા વધી ગયો છે. ટૂંકમાં ત્રણ આંકડે જવાની હવા છે. સરકારની લગભગ ૯૦ ટકા માલિકીની અન્ય કંપની MMTC પણ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૨ના શિખરે બંધ હતી. આની બુકવૅલ્યુ ૧૧ રૂપિયાય નથી ને EPS સવા રૂપિયાની છે છતાં ભાવ વર્ષમાં ૨૦૫ ટકા ઊંચકાયો છે. ગઈ કાલે અન્ય સરકારી શૅરમાં એસટીસી ૨૦ ટકા, એન્ડ્રુયેલ ૧૩.૭ ટકા, ભારત ઇમ્યુનૉલૉજી સાડાસાત ટકા, એમએમટીસી પોણાસાત ટકા, એમઆરપીએલ સાત ટકા ઊછળ્યા હતા. એમટીએનએલ પાંચ ટકાની નવી લિમિટમાં ઉપલી સર્કિટ ચાલુ રાખી ૮૮ ઉપર નવી ટોચે બંધ હતો. એલઆઇસી બમણા વૉલ્યુમે સાડાછ ટકાની આગેકૂચમાં ૧૧૬૦ નજીક પહોંચ્યો છે. આ કાઉન્ટર ઑલટાઇમ હાઈ થવાની તૈયારીમાં છે.

business news share market stock market national stock exchange bombay stock exchange sensex nifty