તમારું પ્રોવિડન્ટ ફન્ડ હવે ઓછું વ્યાજ રળશે

06 March, 2020 12:00 PM IST  |  Mumbai

તમારું પ્રોવિડન્ટ ફન્ડ હવે ઓછું વ્યાજ રળશે

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્કની એક વર્ષથી એવી ફરિયાદ હતી કે જ્યારે નાની બચત અને પ્રોવિડન્ટ ફન્ડ જેવી સ્કીમમાં ઊંચું વ્યાજ મળી રહ્યું હોય ત્યારે ધિરાણનીતિમાં કરવામાં આવતા વ્યાજદરના ઘટાડાની અસર ઓછી થાય છે. તેમણે સતત સરકારને નાની બચત પરના વ્યાજદર ઘટાડવા માટેના સંકેત આપ્યા હતા. ગુરુવારે, એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન દ્વારા ૨૦૧૯-’૨૦નો વ્યાજદર ઘટાડીને ૮.૫ ટકા કરવાની જાહેરાત કરી છે. આ સાથે વ્યાજદર છેલ્લાં ૭ વર્ષમાં સૌથી નીચો થઈ ગયો છે.

અંદાજે ૪.૫ કરોડ જેટલા સભ્યો પ્રોવિડન્ટ ફન્ડમાં દર મહિને રકમ જમા કરાવે છે. આ ઉપરાંત ૬.૩ કરોડ જેટલા પેન્શન મેળવતા સભ્યો પણ છે. ૨૦૧૮-’૧૯માં વ્યાજદર ૮.૬૫ ટકા હતો જે હવે ૦.૧૫ટકા ઘટીને ૮.૫૦ ટકા કરવામાં આવ્યો છે.

આ અગાઉનાં વર્ષોમાં ૨૦૧૭-’૧૮માં ૮.૫૫ ટકા, ૨૦૧૬-’૧૭માં ૮.૬૫ ટકા, ૨૦૧૫-’૧૬માં ૮.૮ ટકા, ૨૦૧૪-’૧૫માં ૮.૭૫ ટકા અને ૨૦૧૨થી ૨૦૧૪ વચ્ચે વ્યાજનો દર ૮.૫ ટકા હતો. સભ્યોને દર મહિને પોતાના પગાર અને જ્યાંથી પગાર મેળવતા હોય એ સંસ્થા દ્વારા જમા થતી રકમ પર વ્યાજ ચૂકવવામાં આવે છે. આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરવાની ફન્ડ પાસે ૭૦૦ કરોડ રૂપિયા જેટલી પુરાંત રહેવાની ધારણા છે.

ફન્ડના બોર્ડના ટ્રસ્ટીઓની બેઠક બાદ ૨૦૧૯-’૨૦માં વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે કરી હતી.

business news