30 October, 2024 06:45 AM IST | Mumbai | Anil Patel
એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ
મુંબઈના ગુજરાતી વકીલ પરિવારની એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા નવો ઇતિહાસ રચાયો
BSE દ્વારા સ્પેશ્યલ રીલિસ્ટિંગ સેશનમાં શૅર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨,૩૬,૨૫૦ રૂપિયા બંધ થયો
કંપનીનો નીચો ભાવ જુલાઈ ૨૦૨૩માં ૩.૨૧ રૂપિયા હતો એ ધોરણે એક જ દિવસમાં ૭૧.૩૭ લાખ ટકાનો અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો
કંપનીના ૩૨૨ શૅરધારકો માટે ધનતેરસ ખરેખર છપ્પરફાડ માલામાલ કરનારી પુરવાર થઈ
ધનતેરસનો દિવસ એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સના શૅરધારકો માટે ખરેખર છપ્પરફાડ પુરવાર થયો છે. તેમનો શૅર દેશનો સૌથી મોંઘો શૅર બની ગયો છે. અત્યાર સુધી ચેન્નઈની MRFનો શૅર સવા લાખ રૂપિયા આસપાસના ભાવ સાથે સૌથી મોંઘો શૅર હતો. હવે મુંબઈની એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ ૨,૩૬,૨૫૦ રૂપિયાના ભાવ સાથે એનાથી ક્યાંય આગળ નીકળી ગઈ છે. મજાની વાત એ છે કે આ શૅરનો ભાવ ૨૦૨૩ની ૪ જુલાઈએ ફક્ત ૩.૨૧ (યસ, ત્રણ રૂપિયા એકવીસ પૈસા) હતો. એના મુકાબલે ગઈ કાલનો ભાવ ૭૧,૩૭,૩૬૨ ટકા (યસ, ૭૧ લાખ ૩૭ હજાર ટકાથીયે વધુ)નો ઉછાળો બતાવે છે. અને આ અભૂતપૂર્વ ઉછાળો એક જ દિવસમાં નોંધાયો છે.
વાત જાણે એમ છે કે મુંબઈ શૅરબજાર તરફથી હોલ્ડિંગ કંપનીઓની પ્રાઇસ ડિસ્કવરી માટે સ્પેશ્યલ રીલિસ્ટિંગ સેશન મંગળવારે યોજાયું હતું એમાં એલ્સિડનું રીલિસ્ટિંગ પણ સામેલ હતું. આ હોલ્ડિંગ કંપનીનું રિયલ વૅલ્યુએશન ઘણું મોટું હોવાથી ઑફ માર્કેટમાં એનો ભાવ લાખ રૂપિયા પ્લસનો બોલતો હતો. એની સામે BSEમાં છેલ્લો ભાવ સાડાત્રણ રૂપિયા જ હતો એથી સોદા પડતા જ નહોતા. એનાથી કંટાળી પ્રમોટર્સ તરફથી શૅરદીઠ ૧,૬૧,૦૨૩ના ભાવે સ્વૈચ્છિક ડીલિસ્ટિંગની ઑફર મુકાઈ હતી, પણ આ ભાવેય એને પૂરતો રિસ્પૉન્સ મળ્યો નહોતો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના સ્પેશ્યલ રીલિસ્ટિંગથી હવે આખો મામલો થાળે પડી જાય છે. BSEએ આ સેશન માટે અગાઉનો છેલ્લો ભાવ પ્રમોટર્સે કરેલી ઓપન ઑફર પ્રમાણે ૧,૬૧,૦૨૩ રૂપિયાને ધ્યાનમાં લીધો હતો. શૅર ૨.૨૫ લાખ ખૂલી ઉપલી સર્કિટમાં પાંચ ટકા વધી ૨,૩૬,૨૫૦ બંધ થયો છે. વૉલ્યુમ ૨૪૧ શૅરનું હતું.
એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સની સ્થાપના ૧૯૮૧માં થઈ હતી. કંપનીની રજિસ્ટર્ડ ઑફિસ વરલીના ઈ. મોઝેસ રોડ પરની શાહ ઍન્ડ નાહર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં છે. કંપનીની ઇક્વિટી માત્ર બે લાખ શૅરની કે ૨૦ લાખ રૂપિયાની છે. ગુજરાતી પ્રમોટર વકીલ ફૅમિલી પાસે ૭૫ ટકા હોલ્ડિંગ છે. કુલ શૅરધારક ૩૨૮ છે, જેમાં પ્રમોટર્સના ૬ સભ્યો સામેલ છે. કંપનીએ ગયા વર્ષે ૨૩૫ કરોડની આવક પર ૧૭૫ કરોડ નફો કરી શૅરદીઠ ૮૭૮૭ રૂપિયાની અર્નિંગ પર શૅર (EPS) હાંસલ કરી હતી. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૫.૮૪ લાખ (યસ પાંચ લાખ ચોરાશી હજાર રૂપિયા) કરતાં વધુની છે. કંપનીએ ક્યારેય બોનસ આપ્યું નથી, રાઇટ પણ કર્યો નથી. ગયા વર્ષે શૅરદીઠ કુલ ૧૯૭ રૂપિયા ડિવિડન્ડ આપ્યું હતું.
કંપનીના શૅરમાં ફૅન્સીનું મુખ્ય કારણ એનું ઇન્વેસ્ટમેન્ટ છે. એશિયન પેઇન્ટ્સમાં એ ૨.૮ ટકાથી વધુ હોલ્ડિંગ ધરાવે છે જેની માર્કેટ-વૅલ્યુ આશરે ૮૫૦૦ કરોડ બેસે છે. આ ઉપરાંત નલવા સન્સ, ટીવીએસ હોલ્ડિંગ, કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ, મહારાષ્ટ્ર સ્કૂટર્સ, પિલાણી ઇન્વેસ્ટમેન્ટ, GAFL, હરિયાણા કૅપફિન, બ્રેઇનબિઝ સૉલ્યુશન્સ, કોરોના સહિત સંખ્યાબંધ જાણીતી લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓમાં એલ્સિડનું હોલ્ડિંગ છે. એની સામે ૪૭૨૫ કરોડનું હાલનું માર્કેટકૅપ કશી જ વિસાતમાં નથી.