26 June, 2023 03:16 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અલ નીનોનાં ડાકલાં વાગવાનાં શરૂ થયાં છે. દુનિયાના દરેક દેશોમાં અલ નીનોની વધતી-ઓછી અસર દેખાવાની શરૂ થતાં કૃષિ પાકોની સ્થિતિ દિવસે-દિવસે બગડવા લાગી છે અને હવે અમેરિકા સહિત અનેક દેશોની વેધર એજન્સીઓએ પોતાના દેશની સ્થિતિનું સાપ્તાહિક અવલોકન ચાલુ કરી દીધું છે. અલ નીનો અને લા નીના બે વેધર પૅટર્નનો અનુભવ હવે ગ્લોબલ વૉર્મિંગને કારણે દર બે-ત્રણ વર્ષે જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે બ્રાઝિલમાં અલ નીનોની અસરે સોયાબીનના પાકનો અંદાજ શરૂઆતમાં ૧૪૫૦ લાખ ટનનો મુકાયો હતો જે છેલ્લે માત્ર ૧૨૭૮ લાખ ટનનો થયો હતો. ચાલુ વર્ષે આર્જેન્ટિનામાં સોયાબીનના પાકનો અંદાજ શરૂઆતમાં ૪૨૦ લાખ ટનનો મુકાયો હતો, પણ છેલ્લા અંદાજ અનુસાર હવે માત્ર ૧૯૦ લાખ ટન સોયાબીનનો પાક થશે. બે વર્ષ અગાઉ કૅનેડામાં કનોલાનો પાક અલ નીનોની અસરે ૧૪ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં છેલ્લાં પાંચ વર્ષમાં અલ નીનોની અસરે ઓછામાં ઓછા બે વખત દુકાળની અસર જોવા મળી છે અને ચણા, અન્ય કઠોળ, કપાસ, શેરડી વગેરે પાકોની સ્થિતિ એકાએક બગડી છે અને ઉત્પાદનમાં મોટું ગાબડું પડયું છે. છેલ્લા માર્ચમાં ભારતમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં માવઠારૂપી છ વખત વરસાદ પડ્યો હતો. રાજસ્થાન અને ઉત્તરીય રાજ્યોમાં બરફના કરા પડ્યા હતા. જીરું, ધાણા, વરિયાળી, ઇસબગુલ વગેરે સંવેદનશીલ પાકોના ઉત્પાદનમાં મોટાં ગાબડાં પડ્યાં હતાં. આવી અસરને કારણે હાલ જીરુંના ભાવ દરરોજ સવાર પડેને નવી ઑલટાઇમ ઊંચી સપાટીએ પહોંચી રહ્યા છે. જીરું સામાન્ય રીતે બજારમાં એક કિલો ૧૫૦ રૂપિયામાં મળતું આવ્યું છે એ જીરુંના ભાવ એક કિલોના ૫૫૦ રૂપિયા છે. વરિયાળી ૧૦૦ રૂપિયામાં એક કિલો મળતી આવી છે એના હાલ ભાવ ૨૪૫ રૂપિયા છે. આ તમામ ગ્લોબલ વૉર્મિંગની અસર છે અને અલ નીનો એ પણ ગ્લોબલ વૉર્મિંગના પરિપાકરૂપે ઊભી થયેલી સ્થિતિ છે. અલ નીનોની અસરે અગાઉનાં વર્ષોમાં દુનિયાના એક છેડે આવેલા દેશોમાં ભારે વરસાદ પડે છે અને બીજા છેડે આવેલા દેશોમાં દુકાળની સ્થિતિ જોવા મળે છે.
અમેરિકામાં અલ નીનોની સૌથી વધુ અસર
અમેરિકામાં અલ નીનોની અસરે અનેક વિસ્તારમાં દુકાળ જેવી સ્થિતિ નિર્માણ પામી હોવાથી અમેરિકા દર સપ્તાહે ડ્રાઉટ (દુકાળ) મૉનિટર રિપોર્ટ બહાર પાડે છે. બે દિવસ અગાઉ અમેરિકાના ડ્રાઉટ મૉનિટર અનુસાર છેલ્લા એક સપ્તાહમાં મકાઈના ઊભા પાકની સ્થિતિ સાત ટકા વધુ બગડીને હાલ ૬૪ ટકા પાકની સ્થિતિ અત્યંત નબળી બતાવી છે. કપાસના ૧૬ ટકા પાકની સ્થિતિ અલ નીનોની અસરે બગડી છે. સોયાબીનના પાકની સ્થિતિ છેલ્લા એક સપ્તાહમાં છ ટકા બગડીને હાલ કુલ ૫૭ ટકા ઊભા પાકની સ્થિતિ ખરાબ છે. ઘઉંના પાકની સ્થિતિ છેલ્લા એક અઠવાડિયામાં ૧૧ ટકા બગડતાં હાલ ૧૫ ટકા પાકની સ્થિતિ ખરાબ છે. અમેરિકા સોયાબીનનું વિશ્વનું બીજા ક્રમનું ઉત્પાદક છે. રૂનું સૌથી મોટું નિકાસકાર છે. મકાઈનું બીજા ક્રમનું ઉત્પાદક છે ત્યારે અલ નીનોની અસરે આ તમામ પાકોની સ્થિતિ અત્યારથી દર સપ્તાહે સતત બગડી રહી હોવાથી આ તમામ પાકોના ઉત્પાદનમાં મોટા ઘટાડાની શકયતા અત્યારથી સામે દેખાય છે. અમેરિકાનો સોયાબીનનો પાક સીઝનના પ્રારંભે ૧૨૨૩ લાખ ટન થવાનો અંદાજ મુકાયો હતો, પણ હવે આ પાક ઘટીને ૧૧૫૦ લાખ ટનથી પણ ઓછો થવાની શક્યતા બતાવાઈ રહી છે. મકાઈના પાકની સ્થિતિ સોયાબીન કરતાં પણ વધારે ખરાબ હોવાથી મકાઈના ઉત્પાદનમાં મોટું ગાબડું પડવાની ધારણા છે. કપાસના ઊભા પાકમાં બગાડ ઓછો છે, પણ ચાલુ વર્ષે કપાસનું આઠ ટકા વાવેતર વધ્યું છે હવે એની અસર જોવા મળે એવી શક્યતા ઓછી છે. ઘઉંના પાકની શરૂઆતની સ્થિતિમાં બગાડ વધી રહ્યો છે.
કૅનેડા સહિત રાયડાના પાકની સ્થિતિ બધે ખરાબ
કૅનેડામાં ઉગતા રાયડાને કનોલા કહેવામાં આવે છે. કૅનેડામાં અલ્બર્ટા અને સેસ્કચવાન સહિત રાયડો ઉગાડતા દરેક વિસ્તારમાં વરસાદની સ્થિતિ નબળી હોવાથી કનોલાના પાકની સ્થિતિ દિવેસે-દિવસે બગડી રહી છે. કૅનેડાના ઍગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે હાલ કનોલાના ઊભા પાકમાંથી ૬૪ ટકા પાકની સ્થિતિ નબળી છે. હજી બે વર્ષ અગાઉ કૅનેડાનો કનોલાનો પાક અલ નીનોની અસરે ૧૪ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ફરી બે વર્ષ પછી કૅનેડામાં કનોલાના પાકમાં મોટું ગાબડું પડવાની શક્યતા સામે દેખાય છે. યુરોપિયન દેશો સ્પેન, ફ્રાન્સ વગેરેમાં રાયડાના પાકની સ્થિતિ બગડી રહી છે. વિશ્વમાં સૌથી વધુ રાયડાનું ઉત્પાદન કૅનેડામાં થાય છે ત્યાર બાદ બીજા ક્રમે યુરોપિયન દેશો આવે છે. યુરોપિયન દેશોમાં પણ રાયડાના ઊભા પાકની સ્થિતિ ખરાબ છે. રશિયામાં રાયડાનું ઉત્પાદન બે લાખ ટન ઘટવાનો અંદાજ છે. આમ વિશ્વમાં રાયડાનું ઉત્પાદન અલ નીનોની અસરે ૧૮થી ૨૦ લાખ ટન ઘટવાનો અંદાજ વૈશ્વિક નામી એજન્સીઓ મૂકી રહી છે.
મલેશિયા-ઇન્ડોનેશિયામાં અલ નીનોની અસર
વિશ્વમાં કુલ પામતેલના ઉત્પાદનમાં ૮૦ ટકા કરતાં વધુ ફાળો આપતા મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પામતેલનું ઉત્પાદન ૨૦૨૪માં અલ નીનોની અસરે ઘટવાના અંદાજો આવવા લાગ્યા છે જેને કારણે મલેશિયન પામતેલ વાયદો ઘટીને ૩૨૦૦ રિંગિટ થયો હતો એ વધીને હાલ ૩૭૦૦થી ૩૮૦૦ રિંગિટ સુધી વધ્યો હતો. પામના ફ્રૂટને વર્ષના બારેબાર મહિના પાણીની જરૂરત પડે છે આથી અલ નીનોની અસરે જો વરસાદ ન પડે તો પામફ્રૂટના ઉત્પાદનને મોટી અસર પડી શકે છે. ખાદ્ય તેલોમાં પામતેલ સૌથી સસ્તું તેલ હોવાથી જ્યારે પામતેલના ભાવ વધે ત્યારે તમામ ખાદ્ય તેલોના ભાવ વધે છે. અલ નીનોની અસરે ૨૦૨૪માં પામતેલ સહિત તમામ ખાદ્ય તેલોના ભાવ ૧૮થી ૨૦ ટકા વધવાની આગાહી જર્મનીના અગ્રણી સામાયિક ઑઇલ વર્લ્ડે તાજેતરમાં કરી હતી.
ચીનમાં અલ નીનોની અસરે ત્રણ મહિનાથી ભારે વરસાદ
ચીનમાં અલ નીનોની અસરે ગયા ફેબ્રુઆરી મહિનાથી દેખાવાની શરૂ થઈ છે. ફેબ્રુઆરીથી મે મહિના દરમ્યાન ચીનના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડતાં મગફળી, કપાસ, તલ, જીરું, મરચા વગેરે પાકોને નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે. ચીન અનેક ઍગ્રિ-કૉમોડિટીનું સૌથી મોટું વપરાશકાર હોવાથી જો ચીનમાં કોઈ ઍગ્રિ-કૉમોડિટીનું ઉત્પાદન ઘટે તો એની અસર તમામ પાકો ઉપર થાય છે. ચીનમાં જીરુંનું વાવેતર ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં વધતાં જીરુંનું ઉત્પાદન ૩૫થી ૪૦ હજાર ટન થવાનો અંદાજ સીઝનના પ્રારંભે મુકાતો હતો, પણ ભારે વરસાદને કારણે જીરુંનું ઉત્પાદન માત્ર ૨૦થી ૨૫ હજાર ટન જ થયું છે. ચીનમાં કપાસના પાકને પણ મોટું નુકસાન થયું હોવાથી રૂનું ઉત્પાદન ઘટશે. મગફળીના પાકને પણ થોડી અસર થઈ હોવાના સમાચાર છે.