એનએસઈના સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ સેગમેન્ટમાં બીજી સંસ્થા એકલવ્ય ફાઉન્ડેશન લિસ્ટ થઈ

01 March, 2024 06:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકલવ્યના લિસ્ટિંગ પ્રસંગે સ્વૈચ્છિક સંસ્થાઓના અનેક પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટોક એક્સ્ચેંજ

એનએસઈના સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ સેગમેન્ટ (એસએસઈ) પર એકલવ્ય ફાઉન્ડેશને લિસ્ટિંગ મેળવ્યું છે. આ પૂર્વે ૨૦૨૩ની ૧૩ ડિસેમ્બરે ઉન્નતિ ફાઉન્ડેશન લિસ્ટ થયું હતું. એકલવ્યના લિસ્ટિંગ પ્રસંગે સ્વૈચ્છિક સંસ્થાઓના અનેક પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝેરોધા જેવા દાતાઓ, નાબાર્ડ અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઑફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું, ‘મને નાણાપ્રધાન નિર્મલા સીતારમણના ૨૦૧૯ના બજેટ વખતના ભાષણના શબ્દો યાદ આવે છે, જેમાં તેમણે મૂડીબજારને વિશાળ જનસંખ્યા સુધી લઈ જવાની અને સર્વાંગીણ અને સર્વસમાવેશક વિકાસ સહિતના સામાજિક કલ્યાણનાં લક્ષ્યો સિદ્ધ કરવાનું વિઝન રજૂ કર્યું હતું. એમાંથી એસએસઈનો પ્રાદુર્ભાવ થયો હતો. એસએસઈ હકીકત બની શક્યું એ માટે સેબીની ભૂમિકા પણ પ્રસંશનીય રહી છે.’ 

એકલવ્ય ફાઉન્ડેશને સફળતાપૂર્વક ૮૫.૩૦ લાખ રૂપિયા એકત્ર કર્યા હતા. આ ભંડોળ તેલંગણ રાજ્યના આદિવાસી ખેડૂતોને તાલીમ પ્રાપ્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ખેડૂતોને કૃષિ સંબંધિત ક્ષેત્રોની તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એસએસઈ પ્લૅટફૉર્મ સતત વૃદ્ધિ પામી રહ્યું છે અને અત્યારે અમારી પાસે ૫૦ રજિસ્ટર્ડ નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન્સ (એનપીઓ) છે. આમાંની કેટલીક એપીઓએ ફંડ એકત્ર કર્યું છે અને અન્ય ઘણી સંસ્થાઓ ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયામાં છે.

business news share market sensex nifty national stock exchange