21 December, 2022 04:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશમાં ઘઉંના ભાવ અત્યારે વિક્રમી સપાટીએ છે, પંરતુ બીજી તરફ વાવેતર સારાં થયાં હોવાથી ઉત્પાદન વિક્રમી થવાની વાતો થવા લાગી છે, પરંતુ દેશમાં ડિસેમ્બર પૂરો થવાની તૈયારીમાં હોવા છતાં ઠંડી પડવી જોઈએ એટલી ન પડતાં અને ગરમ વાતાવરણને કારણે ઘઉંના ઊભા પાક પર ખતરો છે અને ઉતારામાં ઘટાડો થાય એવી સંભાવના છે.
રાજસ્થાનના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. જી. એસ. કૌશલે જણાવ્યું હતું કે તાપમાન નીચું ન આવવાને કારણે ઘઉંના દાણામાં ભરાવો થતો નથી અને આને કારણે ઘઉંના ઉત્પાદનમાં ૧૦ ટકાનો ઘટાડો થઈ શકે છે. વળી ઠંડી પણ જોઈએ એટલી પડતી ન હોવાથી પાકમાં ઈયળનો ઉપદ્રવ શરૂ થાય એવી પણ ધારણા છે. જેમ હાલમાં રાયડાના પાકમાં માહુ મચ્છરથી પાકને મોટું નુકસાન પહોંચ્યુ છે એમ ઘઉંના પાકને પણ અસર થઈ શકે છે.
સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડતી હોય છે, પંરતુ એની તુલનાએ આ વર્ષે ડિસેમ્બરના ૨૦ દિવસ પૂરા થઈ ગયા હોવા છતાં ઠંડી પડતી નથી. રાતે માત્ર અમુક કલાક ઠંડી પડે છે, પરંતુ દિવસ દરમ્યાન ગરમ વાતાવરણ રહે છે. પરિણામે ઘઉં સહિતના પાકને અસર પહોંચી છે.
દેશમાં સરકારી આંકડા મુજબ ૧૬ ડિસેમ્બર સુધી સમગ્ર દેશમાં ઘઉંનું કુલ વાવેતર ૨૮૬.૫ લાખ હેક્ટરમાં થયું હતું, જે ગયા વર્ષે આ જ સમયે ૨૭૮.૨૫ લાખ હેક્ટરમાં થયું હતું. આમ વાવેતરમાં ત્રણ ટકાનો વધારો થયો છે. ઘઉંનાં વાવેતર હજી ચાલુ છે અને સરેરાશ ૩૦૦ લાખ હેક્ટરની ઉપર વાવેતર થવાનો અંદાજ છે.
ઘઉંના ઊભા પાકમાં જો આગામી દસેક દિવસમાં ઠંડી નહીં પડે તો દાણો ભરાવદાર નહીં બને અને ઉતારામાં ઘટાડો થાય એવી પૂરી સંભાવના છે.