૨૦૨૩ના મૂડની ઝલક, સેન્સેક્સ ૬૩૭ પૉઇન્ટ ડાઉન, તમામ સેક્ટોરલ માઇનસ ઝોનમાં ગયાં

05 January, 2023 02:51 PM IST  |  Mumbai | Anil Patel

ઇન્ફોસિસ પોણાબે ટકા બગડી ૧૫૦૦ની અંદર, ઍક્સિસ બૅન્ક વિક્રમી સપાટીએ જઈ પાછો ફર્યો : બૅન્કિંગ બગડ્યું, ૩૭માંથી ફક્ત ૪ શૅર વધ્યા 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

એનએસઈ ખાતે એક શૅર વધ્યો, સામે ત્રણ ઘટ્યા, માર્કેટ કૅપમાં ૩.૧૧ લાખ કરોડ સાફ : રિલાયન્સનો દોઢ ટકાનો ઘટાડો બજારને ૧૧૮ પૉઇન્ટ નડ્યો, અદાણીના દસેદસ શૅર માઇનસમાં : ટીવીએસ ઇલે. ખરાબ બજારે ૨૦ ટકાની સર્કિટમાં, બીએફ ઇન્વે. સતત ત્રીજી તેજીની સર્કિટે નવી ટોચે : લૅન્ડમૉનેટાઇઝેશન ભારત ઍગ્રિ ફર્ટ માટે વિકાસનું એન્જિન બનશે, શૅર નવા શિખરે : રેડિયન્ટનું ધારણા કરતાં સારું લિસ્ટિંગ, દ્રોણાચાર્ય તેજીની આગેકૂચમાં નવા બેસ્ટ લેવલે : ઇન્ફોસિસ પોણાબે ટકા બગડી ૧૫૦૦ની અંદર, ઍક્સિસ બૅન્ક વિક્રમી સપાટીએ જઈ પાછો ફર્યો : બૅન્કિંગ બગડ્યું, ૩૭માંથી ફક્ત ૪ શૅર વધ્યા 

ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ તરફથી ૨૦૨૩ના વર્ષે ત્રીજા ભાગનું વિશ્વ મંદીનો ભોગ બનવાની અમંગળ આગાહી કરાઈ છે. જોકે વિશ્વબજારોએ એની ખાસ નોંધ લીધી હોય એમ લાગતું નથી. બુધવારે એશિયા ખાતે હૉન્ગકૉન્ગ સવાત્રણ ટકા, સાઉથ કોરિયા પોણાબે ટકા અને ચાઇના મામૂલી સુધારામાં હતા, સામે જપાન દોઢ ટકો, ઇન્ડોનેશિયા એક ટકો તથા અન્યત્ર નજીવી નરમાઈ રહી છે. યુરોપ પૉઝિટિવ ઓપનિંગ બાદ સુધારાની હૅટ-ટ્રિક બનાવવાના મૂડમાં જણાતું હતું. જર્મન ડેક્સ તેમ જ ફ્રાન્સનું બજાર તો સવા ટકો રનિંગમાં મજબૂત હતું. ભારતીય શૅરબજાર ગઈ કાલે આખો દિવસ ઘટાડાતરફી ચાલમાં જોવા મળ્યું છે. સેન્સેક્સ ફ્લૅટ ઓપનિંગ બાદ પરચૂરણ સુધારામાં ૬૧૩૨૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ છેક સુધી રેડ ઝોનમાં રહી ૬૩૭ પૉઇન્ટ ઘટી ૬૦૬૫૭ બંધ થયો છે. બજાર નીચામાં ૬૦૫૯૩ થયું હતું. નિફ્ટી ૧૯૦ પૉઇન્ટ ખરડાઈ ૧૮૦૪૩ થયો છે. આમ ૨૦૨૩નો ટ્રિપલ સેન્ચુરી સાથે શુભારંભ કર્યા પછી સેન્સેક્સ એક જ દિવસમાં બે દિવસનો સુધારો સાફ કરી નાખી નેટ લૉસમાં આવી ગયો છે. રોકડું તથા બ્રૉડર માર્કેટ પ્રમાણમાં વધુ ઢીલું હોવાની અસરમાં માર્કેટ બ્રેડ્થ લથડી છે. એનએસઈમાં વધેલા ૫૫૪ શૅર સામે ૧૪૮૨ જાતો માઇનસમાં ગઈ છે. ગઈ કાલે તમામ બેન્ચમાર્ક ઘટ્યાનો ઘાટ હતો. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકા, નિફ્ટી પીએસયુ ૧.૮ ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧.૬ ટકા, નિફ્ટી મેટલ ૨.૧ ટકા, નિફ્ટી મીડિયા દોઢ ટકો કટ થયા છે. નિફ્ટી ફાર્મા, હેલ્થકૅર તથા એફએમસીજી ઇન્ડેક્સ નાના ઘટાડા સાથે માર્કેટ આઉટ પર્ફોર્મર બન્યા છે. ક્રૂડમાં પોણાબે ટકાની નરમાઈ હતી. બ્રેન્ટ ક્રૂડ રનિંગમાં ૮૦ ડૉલર ઉપર તો નાયમેક્સ ક્રૂડ ૭૬ ડૉલર નજીક દેખાતા હતા. ટીસીએસનાં પરિણામ ૯મીએ છે એ સાથે જ કંપની પરિણામની મોસમ જામવા માંડશે. કૉમોડિટીઝ પ્રાઇસમાં ઘટાડાનું વલણ અને બૅન્ક ધિરાણમાં વૃદ્ધિના વલણ જોતાં થર્ડ ક્વૉર્ટરના રિઝલ્ટ એકંદર સારાં રહેવાની ગણતરી રખાય છે. 

નિફ્ટી ખાતે ટૉપ લૂઝર્સમાં મેટલ શૅર મોખરે, અદાણીના દસેદસ ડાઉન 

ગઈ કાલે સેન્સેક્સ ખાતે ૩૦માંથી માત્ર બે શૅર સુધર્યા છે. મારુતિ સુઝુકી માંડ ૦.૨ ટકો વધી ૮૪૦૪ના બંધમાં બેસ્ટ પર્ફોર્મર બન્યો છે. નિફ્ટી ખાતે ૫૦માંથી પ્લસ રહેલા ૭ શૅરમાં ડિવીઝ લૅબ એક ટકો વધી ૩૪૩૦ના બંધમાં મોખરે હતો. એચડીએફસી લાઇફ ૦.૪ ટકા તો ડૉ. રેડ્ડીઝ લૅબ નહીંવત્ સુધર્યા છે. રિલાયન્સ સવાયા કામકાજમાં દોઢ ટકાની નબળાઈમાં ૨૫૧૮ બંધ આપી બજારે સર્વાધિક ૧૧૮ પૉઇન્ટ ભારે પડ્યો છે. નિફ્ટી ઑઇલ ગૅસ ઇન્ડેક્સ ૧૫માંથી ૧૩ શૅરની ખરાબીમાં દોઢ ટકાથી વધુ લપસ્યો છે. ઓએનજીસી ૨.૧ ટકા, ગુજરાત ગૅસ ૨.૬ ટકા, અદાણી ટોટલ ૩.૨ ટકા ગેઇલ ૧.૬ ટકા બગડ્યા હતા. વિન્ડફોલ ટૅક્સમાં મનસ્વી રીતે પખવાડિક વધ-ઘટ કરવાની સરકારની રમત ઑઇલ ગૅસ સેક્ટરમાં તેજી આવવા દેવાની નથી. જેએસડબ્લ્યુ સ્ટીલ ૪.૨ ટકા, હિન્દાલ્કો ચાર ટકા, કોલ ઇન્ડિયા સવાત્રણ ટકા, તાતા સ્ટીલ અઢી ટકા બગડીને નિફ્ટી ખાતે ખરાબીમાં મોખરે હતા. મજાની વાત એ છે કે આ ચારેય જાતો મેટલ સેક્ટરની છે અને આ આંક બે ટકાથી વધુ તૂટ્યો છે. તાતા મોટર્સ, પાવર ગ્ર‌િડ તથા વિપ્રો બે ટકાની આસપાસ કટ થયા હતા. ઇન્ફી પોણાબે ટકા લથડી ૧૪૯૫ હતો, કામકાજ દોઢાં હતાં. ગ્રાસિમ, અદાણી પોર્ટ્સ, ઇન્ડસઇન્ડ બૅન્ક દોઢ ટકાથી વધુ ડાઉન હતા. ટીસીએસ નામજોગ સુધારે ૩૩૧૪ થયો છે. અદાણી પાવર, અદાણી ટ્રાન્સ, અદાણી ગ્રીન, અદાણી ટોટલ, અદાણી વિલ્મર, એનડીટીવી, અંબુજા સિમેન્ટ્સ બેથી સવાત્રણ ટકા, તો એસીસી દોઢ ટકા ઘટ્યો છે અને અદાણી ગ્રુપના તમામ ૧૦ શૅર આ સાથે રેડ ઝોનમાં બંધ આવ્યા છે.  ટીવીએસ ઇલેક્ટ્રૉનિક્સ ૨૦ ગણા કામકાજે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૩૫૨ની ટોચે બંધ રહ્યો છે. પ્રીઝમ જૉનસન ૭.૪ ટકાના જમ્પમાં ૧૧૧ નજીકના બંધમાં એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. લૉયડ મેટલ્સ, શર્દા એનર્જી, લૉયડ સ્ટીલ, બેસ્ટ ઍગ્રો તથા આઇએફસીઆઇ ૪.૫થી ૪.૭ ટકાની ખરાબીમાં એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર થયા છે. 

બીએફ ઇન્વેસ્ટમેન્ટમાં ઉપલી સર્કિટની હૅટ-ટ્રિક, ઇક્વિટાસ ટ‍્વિન્સ નવી ટોચે 

રિઝર્વ બૅન્ક તરફથી સ્ટેટ બૅન્ક મ્યુ. ફન્ડને ઇક્વ‌િટાસ સ્મૉલ બૅન્કમાં ૧૦ ટકા જેવો હિસ્સો લેવાની મંજૂરી મળતાં બૅન્કનો શૅર પાંચેક ગણા વૉલ્યુમે ૬૪ની નવી ટોચે જઈ અડધો ટકો વધી ૬૦ નજીક બંધ રહી છે. સાથે-સાથે ઇક્વ‌િટાસ હોલ્ડિંગ્સ પણ અઢી ગણા વૉલ્યુમે ૧૩૭ નજીકનું શિખર મેળવી સવા ટકો વધી ૧૩૧ રહ્યો છે. દરમ્યાન બૅન્કિંમાં બુધવાર બગડેલો હતો. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરના ઘટાડે ૪૬૬ પૉઇન્ટ કે ૧.૧ ટકા તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના ઘટાડે ૧.૮ ટકા માઇનસ થયો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૪ શૅર જ સુધર્યા હતા. ઇક્વ‌િટાસ બૅન્ક ઉપરાંત પંજાબ-સિંધ બૅન્ક ૨.૩ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા અડધો ટકો, સીએસબી બૅન્ક નજીવો પ્લસ હતા. સામા પક્ષે આરબીએલ બૅન્ક, ડીસીબી બૅન્ક, યસ બૅન્ક, જેકે બૅન્ક, સૂર્યોદય સ્મૉલ બૅન્ક, કૅનેરા બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક, આઇડીબીઆઇ, પીએનબી બેથી સાડાત્રણ ટકા નરમ થયો છે. એચડીએફસી બૅન્ક ૧.૮ ટકા ઘટી ૧૬૧૦ બંધમાં બજારને ૧૧૩ પૉઇન્ટ નડી છે. એચડીએફસી દોઢ ટકો ઘટતાં એમાં બીજા ૬૫ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૭માંથી ૧૧૦ શૅરની નબળાઈમાં એક ટકો નરમ હતો. સ્વૈચ્છિક ડીલિસ્ટિંગ માટેની બોર્ડ-મીટિંગ પૂર્વે બીએફ ઇન્વેસ્ટમેન્ટ ૪૬૨ની ઐતિહાસિક ટૉપ દેખાડી ૯.૪ ટકા વધી ૪૬૦ થયો છે. ઉજ્જીવન ફાઇનૅન્સ ૩.૩ ટકા, જીઆઇસી હાઉસિંગ ૩.૫ ટકા, આદિત્ય બિરલા કૅપિટલ ચાર ટકા કટ થયા હતા. ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ ૪.૫ ટકા વધી ૧૩૮ હતો. પેટીએમ એક ટકો વધી ૫૪૦, પૉલિસી બાઝાર સાધારણ ઘટાડે ૪૫૨, એલઆઇસી અડધો ટકો ઘટી ૭૩૧, નાયકા ૧૫૩ ઉપર ફ્લૅટ બંધ હતા. ધનલક્ષ્મી બૅન્ક ૨૧ના આગલા લેવલે યથાવત્ બંધ રહી છે. 

પાલઘર-વાડાની ફ્રી લૅન્ડ ભારત ઍગ્રિ ફર્ટ માટે ગ્રોથ એન્જિન બનશે

ભારત ઍગ્રિ ફર્ટ ઍન્ડ રિયલ્ટી ગઈ કાલે દોઢા કામકાજમાં ૧૦૦૮ની નવી ઑલટાઇમ હાઈ બનાવી સહેજ વધીને ૯૯૯ બંધ થયો છે. ૫૨૮ લાખ રૂપિયાની નાની ઇક્વિટીમાં ૬૮ ટકા નજીકનું પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી આ કંપની હવે એની પાલઘર નજીકને વાડા ખાતેની ૧૨૫ એકરની ફાજલ જમીનને ગ્રોથ એન્જિન બનાવવા સક્રિય બની છે. અહીં નજીકમાં જ ગોદરેજ સિટી તરફથી ચોરસ ફુટ દીઠ ૨૦૦૦ના ભાવથી પ્લૉટિંગ સ્કીમ લૉન્ચ થઈ છે. આ ધોરણે ૧૫૦૦થી ૨૦૦૦ની રેન્જ પ્રમાણે ઍવરેજ ૧૭૫૦ના ભાવે આ ૧૨૫ એકર ફ્રીલૅન્ડનું પ્લૉટિંગ કરવામાં આવે તો કંપની ૪-૫ વર્ષમાં સરળતાથી ૬૫૦-૭૦૦ કરોડની રેવન્યુ ઊભી કરી શકે છે અને હાલના ભાવે એકરદીઠ દોઢ કરોડના ભાવે આ લૅન્ડ વેચી નાખે તો તરત જ પોણાબસો કરોડ ઊભા થઈ શકે એમ છે. એક ત્રીજો વિકલ્પ ટાઉનશિપનો છે. એ અપનાવાય તો પ્લૉટિંગની ૬૫૦-૭૦૦ કરોડની આવક લગભગ બમણી થવાની ગણતરી છે. કંપની વધુમાં હાલમાં ત્યાં ૧૨ એકરમાં આવેલા આંતરપ્લાન્ટને અન્યત્ર ખસેડી એ જમીનનો વેપારી ધોરણે ઉપયોગ કરવા ધારે છે, જેને લીધે ૩ લાખ સ્ક્વેર ફીટનો ફ્રી યુઝ લૅન્ડમાં ઉમેરો થશે. જ્યારે ૧૩ એકરમાં અહીં સેવન સ્ટાર રિસૉર્ટ છે એની ક્ષમતા બમણી કરવાનો પ્લાન છે. પાલઘર નજીકના વાડા ખાતે કુલ ૧૫૦ એકરનું કંપનીનું લોકેશન પ્રાઇસ સ્પૉટમાં આવે છે. એની આસપાસ જ સૂચિત ઍરપોર્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળનું રેલવે બોઇસર, એક્સપ્રેસવે, સી-પોર્ટની સુવિધા આકાર લઈ રહી છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ હાલમાં ૧૧૫ છે. 

રેડિયન્ટ કૅશ સાધારણ પ્રીમિયમે લિસ્ટેડ આરબીએમ ઇન્ફ્રામાં દમદાર રિટર્ન

રેડિયન્ટ કૅશ મૅનેજમેન્ટ જેનો એકના શૅરદીઠ ૯૪ની ઇશ્યુ પ્રાઇસ (ઍન્કર ઇન્વેસ્ટર્સ માટે ૯૯)વાળો ૩૮૮ કરોડનો ઇશ્યુ માત્ર ૫૩ ટકા ભરાયો હતો, પરંતુ સેબી-રાજના અંધેરમાં અવળચંડા નિયમોને લઈ ઇશ્યુ પાર પડેલો માની લેવાયો હતો. એનું લિસ્ટિંગ બુધવારે પ્રીમિયમમાં થયું છે. ભાવ ૯૯ ખૂલી ઉપરમાં ૧૧૭ નજીક અને નીચામાં ૯૮ થઈ ૧૧.૪ ટકાના ગેઇનમાં ૧૦૫ બંધ થયો છે. તો શૅરદીઠ ૩૬ની ઇશ્યુ પ્રાઇસવાળી આરબીએમ ઇન્ફ્રાકૉમ ૫૨ ખૂલી નીચામાં ૫૦ તથા ઉપરમાં ૫૫ ઉપર જઈ ૫૩ ટકા કે ૧૯ રૂપિયાના લિસ્ટિંગ ગેઇનમાં ત્યાં જ બંધ આવ્યો છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી દ્રોણાચાર્ય એરિયલ તેજીની આગેકૂચમાં ૧૫૮ની વિક્રમી સપાટી બતાવી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ત્યાં જ રહી છે. જીએમ પૉલિપ્લાસ્ટ એક શૅરદીઠ ૬ બોનસમાં બોનસ બાદ થતાં પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૮૪ નજીક નવા બેસ્ટ લેવલે ગયો છે. રામા સ્ટીલ ટ્યુબ્સ શૅરદીઠ ચાર બોનસમાં શુક્રવારે એક્સ-બોનસ થશે. ભાવ ગઈ કાલે ૧૮૮ની વિક્રમી સપાટી નોંધાવી અડધો ટકો વધી ૧૮૪ થયો છે. સુપ્રી પેટ્રોકેમ ચારના શૅરના બેમાં વિભાજનમાં ૬ જાન્યુઆરીએ એક્સ-સ્પ્લિટ થશે. શૅર પોણો ટકો ઘટી ૭૯૦ બંધ રહ્યો છે. સિક્યૉર ક્રેડેન્શિયલ્સ એક શૅરદીઠ ત્રણ બોનસમાં એક્સ-બોનસ થતાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૬ ઉપર બેસ્ટ લેવલ હાંસલ કરી ૧૪.૮ ટકા ઊછળી ૩૫ જોવાયો છે. આઇઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્રિમાસિક પરિણામ તથા શૅરવિભાજન માટેની બોર્ડ-મીટિંગની પૂર્વે ઉપરમાં ૩૨૨ વટાવી દોઢ ટો વધીને ૩૨૦ બંધ થયો છે. 
---======---

business news share market stock market bombay stock exchange national stock exchange sensex nifty