28 March, 2025 06:56 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડોનલ્ડ ટ્રમ્પે ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રે શરૂ કરેલી કંપની – વર્લ્ડ લિબર્ટી ફાઇનૅન્શ્યલ USD1 નામનો સ્ટેબલકૉઇન બહાર પાડશે એવી જાહેરાત કંપનીએ મંગળવારે એક નિવેદન મારફતે કરી છે. અમેરિકન ડૉલર પર આધારિત હશે. USD1 ઇથેરિયમ અને બાઇનૅન્સ સ્માર્ટ ચેઇન બ્લૉકચેઇન પરથી લૉન્ચ કરવામાં આવશે. ભવિષ્યમાં બીજાં પ્રોટોકૉલ પરથી પણ એ બહાર પાડવામાં આવશે. એક USD1નું મૂલ્ય એક ડૉલરને સમાન રહેશે અને એની સંખ્યા જેટલા જ ડૉલરની અનામત રાખવામાં આવશે, જેનું નિયમિતપણે નિષ્પક્ષ અકાઉન્ટિંગ કંપની દ્વારા ઑડિટ કરાવવામાં આવશે, એમ વર્લ્ડ લિબર્ટીએ જણાવ્યું છે. આ સ્ટેબલકૉઇનના લૉન્ચિંગની તારીખ હજી જાહેર કરવામાં આવી નથી. વર્લ્ડ લિબર્ટીની શરૂઆત અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી પહેલાં ટ્રમ્પ, એમના ત્રણ દીકરા તથા એમના ટોચના સલાહકાર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના અબજોપતિ બિઝનેસમૅન સ્ટીવ વિટકોફે કરી હતી. સ્ટીવના પુત્ર ઝાક વિટકોફ પણ સહ-સ્થાપક છે. દરમ્યાન, બિટકૉઇનના ભાવમાં ૦.૩૧ ટકાનો ઘટાડો થઈને ભાવ ૮૭,૯૧૪ ડૉલર અને ઇથેરિયમમાં ૦.૪૬ ટકાના ઘટાડા સાથે ભાવ ૨૦૭૫ ડૉલર થયો છે.