14 December, 2024 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ક્રિપ્ટોકરન્સી વિશ્વમાં આજની તારીખે ડોનલ્ડ ટ્રમ્પના સિક્કા પડી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે. ટ્રમ્પનું સમર્થન ધરાવતી ક્રિપ્ટો કંપની–વર્લ્ડ લિબર્ટી ફાઇનૅન્શિયલે બુધવારે પાંચ મિલ્યન ડૉલર મૂલ્યના ઇથેરિયમની ખરીદી કરી હતી. આની સાથે કંપનીનો ઇથેરિયમનો સંગ્રહ પચાસ મિલ્યન ડૉલર મૂલ્યનો થઈ ગયો છે. એમાંથી મોટા ભાગની ખરીદી ટ્રમ્પ ફરીથી અમેરિકન પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા બાદ થઈ છે.
નોંધનીય છે કે વર્લ્ડ લિબર્ટી ફાઇનૅન્શિયલે ઇથેરિયમની ખરીદી કરી એનો અર્થ એવો થયો કે કંપની હવે ડીસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનૅન્સના ક્ષેત્રે વધુ સક્રિય બની છે. સાથે-સાથે એવું પણ કહી શકાય કે કંપની ઇથેરિયમને ડૉલરનું મૂલ્ય ઘટવાના જોખમ સામેના રક્ષણ તરીકે મહત્ત્વ આપી રહી છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે સાધારણ ચડઊતર થઈ હતી. બિટકૉઇન ૦.૨૬ ટકા, જ્યારે એક્સઆરપી ૨.૬૭ ટકા વધ્યા હતા. ઇથેરિયમમાં ૦.૦૪ ટકાનો સાધારણ ઘટાડો થયો હતો.