16 November, 2024 07:47 AM IST | Mumbai | Mayur Mehta
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે હવે રેટ-કટની જરૂર ન હોવાનું કહેતાં ડૉલર ઇન્ડેક્સ વધીને એક વર્ષની નવી ઊંચાઈએ પહોંચતાં વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી વધુ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે એક વક્તવ્યમાં હાલ રેટ-કટની કોઈ જરૂર દેખાતી ન હોવાનું સ્પષ્ટ જણાવતાં ડૉલર ઇન્ડેક્સ વધુ સ્ટ્રૉન્ગ બનીને એક વર્ષની નવી ઊંચાઈએ ૧૦૬.૯૬ પૉઇન્ટે પહોંચ્યો હતો. પૉવેલની કમેન્ટ બાદ ફેડની ડિસેમ્બર મહિનાની મીટિંગમાં રેટ-કટના ચાન્સ ઘટીને ૫૮ ટકાએ પહોંચી ગયા હતા. ડૉલર ઇન્ડેક્સમાં પણ મજબૂત સાપ્તાહિક ઉછાળો જોવા મળ્યો હતો. ડૉલરની તેજીની પગલે ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૦.૦૪૫ ટકા વધીને ૪.૪૬૭ ટકાએ પહોંચ્યાં હતાં.
ચીનના રીટેલ સેલ્સમાં ઑક્ટોબરમાં ૪.૮ ટકાનો વધારો થયો હતો જે અગાઉના મહિને ૩.૨ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૩.૮ ટકા વધારાની હતી. રીટેલ સેલ્સમાં છેલ્લા નવ મહિનાનો ફાસ્ટેસ્ટ ગ્રોથ જોવા મળ્યો હતો. ચાઇનીઝ ગવર્નમેન્ટ દ્વારા ઑક્ટોબરમાં લેવાયેલાં અનેક સ્ટિમ્યુલસ સ્ટેપની અસર રીટેલ સેલ્સ પર જોવા મળી હતી. ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઑક્ટોબરમાં ૫.૩ ટકા વધ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૫.૪ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૫.૬ ટકા વધવાની હતી. ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનનો ગ્રોથ ધીમો પડ્યો હતો. ચીનમાં ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ઑક્ટોબરમાં ૦.૧૬ ટકા વધ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૦.૫૪ ટકા વધ્યું હતું તેમ જ જાન્યુઆરીથી ઑક્ટોબર દરમ્યાન ઇન્વેસ્ટમેન્ટ ૩.૪ ટકા વધ્યું હતું જે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમ્યાન ૩.૫ ટકા વધ્યું હતું. ચીનમાં નવાં રહેણાક મકાનોના ભાવ ટૉપ લેવલનાં ૭૦ શહેરોમાં ઑક્ટોબરમાં ૫.૯ ટકા ઘટ્યા હતા જે અગાઉના મહિને ૫.૮ ટકા ઘટ્યા હતા. રહેણાક મકાનોના ભાવમાં સતત ૧૬મા મહિને ઘટાડો જોવા મળ્યો હતો અને હાલનો ઘટાડો છેલ્લાં નવ વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો.
જપાનનો ત્રીજા ક્વૉર્ટરનો ગ્રોથરેટ ૦.૯ ટકા રહ્યો હતો જે બીજા ક્વૉર્ટરમાં ૨.૨ ટકા હતો, પણ માર્કેટની ૦.૭ ટકા ગ્રોથરેટની ધારણા કરતાં ગ્રોથરેટ ઊંચો રહ્યો હતો. જપાનનો ગ્રોથરેટ ઘટ્યો હોવા છતાં સતત બીજા ક્વૉર્ટરમાં ગ્રોથરેટ પૉઝિટિવ રહ્યો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પની જીતની અસર ફેડના સ્ટૅન્ડ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે ગુરુવારે ડલાસ રિજિયોનલ ચેમ્બરના કાર્યક્રમમાં અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ગ્રોથને વર્ણવી હવે રેટ-કટની કોઈ જરૂર નથી એવું સ્પષ્ટ જણાવ્યું હતું. અમેરિકાના એક પણ ઇકૉનૉમિક ડેટા હાલ વધુ રેટ-કટના સિગ્નલ આપતાં નથી એવું કહીને હવે ફેડનો રેટ-કટ નહીં આવે એવુ જણાવતાં ડૉલર ઇન્ડેક્સ વધીને એક વર્ષની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો અને સોનું વધુ ઘટ્યું હતું. ડોનલ્ડ ટ્રમ્પ અગાઉની પ્રેસિડન્ટશિપ દરમ્યાન ફેડ ચૅરવુમન જૅનેટ યેલેન સાથે ઇન્ટરેસ્ટ રેટ નીચા રાખવા બાબતે મતભેદ સર્જાયા હતા. ટ્રમ્પ ઇન્ટરેસ્ટ રેટ નીચા રાખવા માટે જૅનેટ યેલેન પર સતત દબાણ વધારી રહ્યા હતા. આથી ટ્રમ્પનું સ્ટૅન્ડ નીચા ઇન્ટરેસ્ટ રેટ રાખવાનું છે અને હાલ અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ ઘણા ઊંચા છે. આથી ટ્રમ્પ પ્રેસિડન્ટની ખુરસી પર બેસી ગયા બાદ હાલના ઇન્ટરેસ્ટ રેટ બાબતે તેમનું સ્ટૅન્ડ બદલી પણ શકે છે અને જો સ્ટૅન્ડ બદલશે તો સોનામાં ફરી તેજીનો દોર ચાલુ થશે.