26 September, 2024 04:14 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુપ્રસિદ્ધ મીમ ક્રિપ્ટોકરન્સી–ડોઝકૉઇનની રચના કરનારા બિલી માર્ક્સે કહ્યું છે કે તેઓ હવે પછી કોઈ બીજો ક્રિપ્ટો પ્રોજેક્ટ નહીં કરે. સોશ્યલ મીડિયામાં શિબેતોષી નાકામોટો તરીકે ઓળખાતા બિલીએ સોશ્યલ મીડિયા પર કહ્યું છે કે ‘તેમણે અત્યાર સુધી ફક્ત ડોઝકૉઇન અને બેલ્સ નામના બે કૉઇનની જ રચના કરી છે. પોતે બીજા પ્રોજેક્ટમાં પણ સંકળાયેલા હતા એવો દાવો કરનારા લોકો અન્યોને છેતરી રહ્યા છે.’
અન્ય એક અહેવાલ મુજબ FTXના કૌભાંડમાં સંડોવાયેલી કૅરોલિન એલિસનને એ કૌભાંડને લગતા કેસમાં બે વર્ષની કેદ ફરમાવવામાં આવી છે. કૅરોલિને આ કૌભાંડ કરનારા FTXના સ્થાપક સૅમ બૅન્કમૅન-ફ્રાઇડ વિરુદ્ધ જુબાની આપી હતી.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે મિશ્ર વલણ રહ્યું હતું. બિટકૉઇનમાં ૦.૯૨ ટકાનો વધારો થઈને ભાવ ૬૩,૭૪૦ ડૉલરની આસપાસ ચાલી રહ્યો હતો. ઇથેરિયમમાં ૦.૩૧ ટકાની વૃદ્ધિ સાથે ભાવ ૨૬૨૦ ડૉલરના સ્તરે હતો. બાઇનૅન્સમાં ૧.૧૮ ટકા, સોલાનામાં ૩.૩૨ ટકા, રિપલમાં ૦.૬૫ ટકા, ડોઝકૉઇનમાં ૦.૯૭ ટકા અને કાર્ડાનોમાં ૩.૫ ટકા વૃદ્ધિ થઈ હતી. ટ્રોન ૦.૯૨ ટકા ઘટ્યો હતો.